બોટાદ શહેરમાં પાળીયાદ રોડ પર રોકડીયા હનુમાનજીનુ મંદિર આવેલુ છે બોટાદવાસીઓ કોઈપણ પ્રકારની સમસ્યાના ઉકેલ માટે રોકડીયા હનુમાનજીના મંદિરે જઈ દાદાને શીશ ઝુકાવી પ્રાર્થના કરે છે અને તેમને તાત્કાલિક પરીણામ મળે છે એટલે દાદાનુ નામ રોકડીયા હનુમાનજી રાખવામાં આવ્યુ છે. બોટાદ શહેરની મધ્યમાં પાળીયાદ રોડપર 70 વર્ષ જુનું કપિરાજ રોકડિયા હનુમાન મંદિર આવેલું છે. મંદિર બોટાદના શહેરીજનોની આસ્થાનું કેન્દ્ર છે. કોઈપણ તકલીફ કે સમસ્યા આવે એટલે દરેક વ્યક્તિ ભગવાનના શરણે જાય છે અને કળીયુગના ભગવાન કહેવાતા બોટાદમાં બિરાજમાન હનુમાનજી દાદાને પ્રાર્થના કરો એટલે દાદા દરેક ભાવિકને આશીર્વાદ આપી તેમના દુખ તાત્કાલિક દૂર કરે છે. અને એટલે જ બોટાદનુ રોકડીયા હનુમાન મંદિર પ્રચલિત છે. સીતેર વર્ષ પહેલા હાલ જ્યાં મંદિર છે ત્યાં એક સંત રહેતા અને પૂજા પાઠ કરતા હતા. તે સમયે એક વાનર તેમની પાસે આવ્યુ હતુ, એક દિવસ વાનરને કરંટ લાગતા તેનુ નિધન થયું ત્યારે અહિં રહેતા સાધુ સંતોએ વાનરની શહેરમાં પાલખી યાત્રા યોજી હતી. જેમાં ૧૮ રૂપિયાનો ફાળો આવ્યો. તે રૂપિયામાંથી વાનરની સમાધી બનાવી હતી અને કપિરાજ રોકડીયા હનુમાન નામ આપવામાં આવ્યુ હતુ ત્યારથી રોકડીયા હનુમાન તરીકે આ મંદિર પ્રચલિત થયું હતુ.
બોટાદના પાળીયાદ રોડ પર રોકડીયા હનુમાનજી બિરાજમાન
દર શનિવારે હનુમાનજી મંદિરે ભાવિકોની ભીડ ઉમટી પડે છે અને મંદિરે કરવામાં આવતી રામધૂનથી મંદિર અને આજુબાજુના વિસ્તારનું વાતાવરણ ભક્તિમય બની જાય છે. દાદાના દર્શને આવેલા ભાવિકો પણ રામધૂનમાં લીન થઈ અનેરો લ્હાવો લઈ શાતિનો અહેસાસ કરે છે. પહેલા નાની દેરી બનાવવામાં આવી હતી અને ત્યારબાદ શીખરબંધ મંદિર બનાવવામાં આવ્યુ હતુ. વાનરની સમાધીસ્થાનની દેરી હાલ મોજુદ છે. ભક્તો હનુમાનજી દાદા પાસે શ્રધ્ધાથી જે માંગે છે, હનુમાનજી દાદા તરતજ તેનું ફળ આપે છે એટલે જ રોકડિયા હનુમાન કહેવાય છે. બોટાદના મોટાભાગના શહેરીજનો સવારમાં પ્રથમ રોકડીયા હનુમાન મંદિરે દાદાના દર્શને આવે છે અને ત્યારબાદ તેમના ધંધા રોજગાર શરૂ કરે છે. રોકડિયા હનુમાનજી મંદિર પરિસરમાં શિવ મંદિર, રામજી મંદિર, રાધાકૃષ્ણ મંદિર, શીતળા માતાજીનું મંદિર, સરસ્વતી મંદિર આવેલું છે. ભાવિકો મંદિરે દાદાના દર્શન કરવા આવે તો મંદિરે આવે જ છે સાથે સાથે મંદિરમાં આવેલા અનેક દેવીદેવતાની માનતા પણ રાખે છે અને તેમની માનતા પૂર્ણ કરી ધન્યતાનો આહેસાસ કરે છે.
બોટાદવાસીઓની દાદામાં અતૂટ શ્રદ્ધા છે
રોકડીયા હનુમાન મંદિરે હનુમાનજયંતિ અન રામનવમીની હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે શ્રાવણ માસ દરમ્યાન મંદિરે ચોવીસ કલાક અખંડ રામધુન કરવામાં આવે છે. રોકડિયા હનુમાન મંદિરે ભક્તો દાદાના દર્શને આવી શ્રદ્ધાથી પ્રાર્થના કરે છે. બોટાદવાસીઓ નિયમિત દાદાના દર્શને આવે છે અને એવા પણ ભાવિકો છે જે અન્ય શહેરમાં હનુમાનજીના દર્શન કરવા નિયમિત જતા હોય અને હાલ બોટાદમાં સ્થાયી થયા હોય તો તે રોકડીયા હનુમાનજીના દર્શન કરવા આવી ધન્યતા પ્રાપ્ત કરે છે. દરેક ભાવિકોની બાધા માનતાને દાદા આશીર્વાદ આપી તાત્કાલિક પૂર્ણ કરે છે એટલે દરેક ભાવિકનુ કામ રોકડુ થઈ જાય છે માટે જ દાદા રોકડીયા હનુમાનજી ના નામથી બોટાદ શહેરમાં પ્રસિદ્ધ છે અને બોટાદવાસીઓની દાદામાં અતૂટ શ્રદ્ધા છે.