ઓલપાડથી ૧૨ કિમી દુર આવેલા કપાસી ગામમાં ટેકરી પર હનુમાનજીનું મંદિર આવેલુ છે. આ ઐતિહાસિક મંદિરમાં હનુમાનજી સ્વયંભુ પ્રગટ થયા હતા.યજ્ઞકાર્ય સમયે બ્રાહ્મણોનુ રક્ષણ અને સ્વામીની આજ્ઞાનું પાલન થાય તે માટે હનુમાનજી ઉંચા ટેકરા પર સ્થાયી થયા અને યજ્ઞકાર્ય પૂર્ણ થતા તેમની સેવાથી પ્રસન્ન થઈ શ્રી રામચન્દ્રજીએ હનુમાનજીને આશીર્વાદ આપ્યા હતા તે સમયથી હનુમાનજીનો અહિં વાસ છે.ઓલપાડના કપાસી ગામે ટેકરી પર ત્રેતા યુગમાં હનુમાનજી સ્વયંભૂ પ્રગટ થયા હતા અને મહાવીર હનુમાનજી તરીકે ઓળખાયા હતા. હનુમાનજીની કૃપાથી કપાસી ગામ હંમેશા સુખી સંપન્ન છે કોરોનાકાળમાં કપાસી ગામના એક પણ વ્યકિતને કોરોના થયો નહોતો તેને ગ્રામજનો હનુમાનજીના આશીર્વાદ માને છે.
કળીયુગમાં કપાસી ગામે સાક્ષાત બિરાજમાન મહાવીર હનુમાન દાદાના અનેક પરચા છે.અનેક ભાવિકોની માનતા દાદાના મંદિરે પૂર્ણ થઇ છે.મંગળવાર અને શનિવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હનુમાન દાદાના દર્શન કરવા માટે આવે છે, અને નવી શક્તિના સંચાર સાથે ઘરે પરત ફરે છે. કપાસીમાં ભગવાન સૂર્યદેવનુ પ્રથમ કિરણ પણ હનુમાનજી પર પડે છે એટલે કપાસી ગામે ગુરુ શિષ્યનો મિલાપ થાય છે. કપાસી ગામના લોકો પર હનુમાન દાદાના ભરપુર આશીર્વાદ છે.હનુમાનજી મંદિરની મૂર્તિ યુગો પુરાણી છે. આ સ્થાન પર હનુમાજીનો પ્રભાવ સવિશેષ પ્રમાણમાં છે. જે ભાવિકોને મનોવાંછિત ફળ આપે છે.
કપાસી અને આજુબાજુના ગામના લોકો પણ હનુમાનજીના દર્શન કરવા નિયમિત દાદાના મંદિરે આવે છે અને હનુમાનજીદાદા તેમના પર સદાય આશીર્વાદ વરસાવી તેમનુ રક્ષણ કરે છે એટલે જ મંદિરે આવતા દરેક ભાવિકોની દાદા પર અતૂટ શ્રદ્ધા અને આસ્થા છે. કપાસી ગામનું નામ પણ હનુમાનજીના નામ કપીસ પરથી જ પડેલુ છે. જે હાલ પાવનધામ કપાસી નામથી ઓળખાય છે. હનુમાનજીનુ મંદિર દરિયા કિનારાના મંદિર તરીકે પણ પ્રચલિત છે. અને હનુમાનજીની પાવન મૂર્તિના દર્શન અલૌકિક છે…