ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ વનડે, ટેસ્ટ બાદ હવે વર્ષ 2024ની સર્વશ્રેષ્ઠ મેન્સ T20ની જાહેરાત કરી છે. વનડે ટીમમાં ભારતના એક પણ ખેલાડીને સ્થાન મળ્યું ન હતું જ્યારે T20 ટીમ ઓફ ધ યરની ટીમ ભારતના 4 ખેલાડીને સ્થાન મળ્યું છે જેમાં એકને કેપ્ટનન બનાવાયો છે.
રોહિતની આક્રમક કેપ્ટનશિપ
ICCએ જાહેર કરેલી ટીમમાં ભારતના 4 ખેલાડીઓમાં રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે. રોહિતને આ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. નોંધનીય છે કે, રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ 2024માં ત્રણ ફિફ્ટી ફટકારીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન તેણે ઓસ્ટ્રેલિયા સામે 92 રનની આક્રમક ઇનિંગ પણ રમી હતી. રોહિતે પોતાની બેટિંગ ઉપરાંત કેપ્ટનશિપમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. રોહિતે ગયા વર્ષે 11 T20 મેચમાં 42.00ની એવરેજથી 378 રન બનાવ્યા હતા.
પંડ્યાનો ઓલરાઉન્ડ દેખાવ
રોહિત સિવાય હાર્દિક પંડ્યાની વાત કરીએ તો તેણે ગયા વર્ષે T20 ઈન્ટરનેશનલમાં બોલ અને બેટથી પોતાની છાપ છોડી હતી. વર્ષ 2024માં ભારત માટે 17 T20 મેચમાં 352 રન બનાવવા ઉપરાંત હાર્દિકે 16 વિકેટ ઝડપી હતી. હાર્દિકના શાનદાર પ્રદર્શનથી ભારતીય ટીમને વર્લ્ડ ચેમ્પિયન બની હતી. T20 વર્લ્ડ કપ 2024માં હાર્દિકે 144 રન બનાવ્યા હતા અને 11 વિકેટ પણ ઝડપી હતી.
Congratulations to the elite players selected for the ICC Men’s T20I Team of the Year 2024 🙌 pic.twitter.com/VaPaV6m1bT
— ICC (@ICC) January 25, 2025
બુમરાહ અને અર્શદીપનું બોલિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન
ગયા વર્ષે જસપ્રીત બુમરાહનું T20 ઈન્ટરનેશનલમાં પુનરાગમન શાનદાર રહ્યું હતું. ભારતના ફાસ્ટ બોલિંગ યુનિટમાં અગ્રણી, બુમરાહે T20 વર્લ્ડ કપ 2024 દરમિયાન આઠ મેચમાં 8.26ની પ્રભાવશાળી સરેરાશથી 15 વિકેટ ખેરવી હતી. બીજી તરફ, અર્શદીપ સિંહ વર્ષ 2024માં T20 ઈન્ટરનેશનલમાં ભારતનો સૌથી સફળ બોલર હતો. તેણે 18 T20માં 13.50ની શ્રેષ્ઠ સરેરાશથી 36 વિકેટ ઝડપી હતી. અર્શદીપનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન T20 વર્લ્ડ કપ 2024માં હતું, જ્યાં તેણે આઠ મેચમાં 17 વિકેટ ઝડપી હતી.
ICC T20 ટીમ ઓફ ધ યર 2024
રોહિત શર્મા (કેપ્ટન)
ટ્રેવિસ હેડ
ફિલ સોલ્ટ
બાબર આઝમ
નિકોલસ પૂરન (WK)
સિકંદર રઝા
હાર્દિક પંડ્યા
રાશિદ ખાન
વાનિંદુ હસરંગા
જસપ્રિત બુમરાહ
અર્શદીપ સિંહ