ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ T20I મેચ ડરબનમાં રમાઈ હતી. જેમાં ભારતનો 61 રને વિજય થયો હતો. જો કે, મેચ દરમિયાન એક વિચિત્ર ઘટના બની હતી. મેચની શરુઆતમાં બંને દેશના રાષ્ટ્રગાન વગાડવામાં આવ્યા હતા. ત્યારે ભારતીય ખેલાડીઓએ બે વાર રાષ્ટ્રગાન ગાવું પડ્યું હતું. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
રાષ્ટ્રગાન દરમિયાન બની વિચિત્ર ઘટના બની
હાલ ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. પ્રથમ T20 ઈન્ટરનેશનલમાં મેચમાં યજમાન દેશને હરાવ્યું હતું. ડરબનમાં ટોસ જીત્યા બાદ દક્ષિણ આફ્રિકાના કેપ્ટન માર્કરામે ફિલ્ડિંગ પસંદ કરી હતી. દર વખતની જેમ મેચ શરૂ થતા પહેલા જ્યારે બંને દેશોના ખેલાડીઓ રાષ્ટ્રગાન માટે મેદાનમાં આવ્યા ત્યારે એક વિચિત્ર ઘટના બની હતી.
ખેલાડીઓ મૂંઝવણમાં મૂકાયા
આ દરમિયાન ભારતીય ખેલાડીઓ મૂંઝવણમાં જોવા મળ્યા અને તેઓને બે વાર રાષ્ટ્રગીત ગાવું પડ્યું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ભારતીય ખેલાડીઓ બે વખત રાષ્ટ્રગીત ગાતા જોવા મળ્યા હતા. પ્રથમ વખત રાષ્ટ્રગાન ગાવા દરમિયાન સ્ટેડિયમમાં હાજર સાઉન્ડ સિસ્ટમમાં કેટલીક ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે ફરીથી રાષ્ટ્રગાન શરૂ થયું હતું.
Technical issues while playing India national anthem at South Africa #INDvSA pic.twitter.com/zERCrEi3DV
— Mr.Perfect 🗿 (@gotnochills007) November 8, 2024
ફેન્સે વિરોધ નોંધાવ્યો
રાષ્ટ્રગાન અધવચ્ચે જ બંધ થઈ જતા હાર્દિક પંડ્યા અને તિલક વર્મા સહિતના કેટલાક ખેલાડીઓ ચોંકી ગયા હતા, જ્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને અક્ષર પટેલ આ ઘટના પર હસતા જોવા મળ્યા હતા. તે જ સમયે, ભારતીય ચાહકોએ આ અંગે નિરાશા વ્યક્ત કરી હતી. ચાહકો તેમની નિરાશા વ્યક્ત કરવા માટે સોશિયલ મીડિયા પર ટેકનિકલ ખામીને ભારતના રાષ્ટ્રગાનનું અપમાન ગણાવ્યું હતું અને આયોજકો પર સવાલો ઉઠાવ્યા હતા.
ભારતે 61 રનથી મેચ જીતી
જો મેચની વાત કરવામાં આવે તો ભારતે સિરીઝની પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 61 રને હરાવીને ચાર મેચની સિરીઝની 1-0ની લીડ મેળવી લીધી છે. ભારતના 203 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકા ચક્રવર્તી અને બિશ્નોઈની શાનદાર બોલિંગ સામે 17.5 ઓવરમાં 141 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. T20 ઈન્ટરનેશનલમાં ભારતની આ સતત 11મી જીત છે. સંજુ સેમસનને તેની શાનદાર સદી માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.