આજે ફરી જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં હોબાળો થયો હતો. કલમ 370 પુનઃસ્થાપના પ્રસ્તાવને લઈને વિધાનસભામાં હોબાળો અટકવાના કોઈ સંકેત દેખાતા નથી. માર્શલો અવામી ઇત્તેહાદ પાર્ટીના ધારાસભ્ય ખુરશીદ અહેમદ શેખને ખેંચીને બહાર લઈ ગયા હતા.
ધક્ક-મુક્કીના દ્રશ્યો જોવા મળ્યા
આજે જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં ધક્ક-મુક્કીના દ્રશ્યો જોવા મળ્યા હતા. કલમ 370ની પુનઃસ્થાપનાને લઈને ફરી હોબાળો થયો છે. કુપવાડાના પીડીપી ધારાસભ્યએ કલમ 370ની પુનઃસ્થાપના પર બેનર દર્શાવ્યા બાદ સત્રના પાંચમા દિવસે વિધાનસભામાં પણ હોબાળો થયો હતો.
ધારાસભ્યો વચ્ચે મારામારી થઈ
આજે ધારાસભ્યો વચ્ચે મારામારી થઈ હતી. ભાજપના ધારાસભ્યો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. એન્જિનિયર રશીદના ભાઈ અને અવામી ઇત્તેહાદ પાર્ટીના ધારાસભ્ય ખુરશીદ અહેમદ શેખને માર્શલો દ્વારા ટીંગાટોળી કરીને ગૃહની બહાર લઈ જવામાં આવ્યા હતા. વિધાનસભામાં પીડીપી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ પહેલા ગુરુવારે પણ વિધાનસભામાં ભારે હોબાળો થયો હતો. ધારાસભ્યો વચ્ચે મારામારી થઈ હતી.
#WATCH | Srinagar | Ruckus erupts in J&K assembly; Engineer Rashid's brother & Awami Ittehad Party MLA, Khurshid Ahmad Sheikh marshalled out of the House; Slogans raised against PDP pic.twitter.com/jpir2BrEYK
— ANI (@ANI) November 8, 2024
ધારાસભ્યોને બહાર કાઢવામાં આવ્યા
આ ઉપરાંત જમ્મુ અને કાશ્મીર વિધાનસભાના અધ્યક્ષ અબ્દુલ રહીમ રાથેરના આદેશ પર ગૃહના વેલમાં પ્રવેશેલા ભાજપના ધારાસભ્યોને માર્શલો દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. PDP અને પીપલ્સ કોન્ફરન્સ (PC) સહિતના ધારાસભ્યોના જૂથે ગુરુવારે વિધાનસભામાં નવો ઠરાવ રજૂ કર્યો હતો. જેમાં કલમ 370 અને 35Aને તેના મૂળ સ્વરૂપમાં તાત્કાલિક પુનઃસ્થાપિત કરવાની માંગ કરવામાં આવી હતી.
શબીર કુલ્લે દ્વારા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો
આ પ્રસ્તાવ વિધાનસભાએ એનસી દ્વારા લાવેલા પ્રસ્તાવ પસાર થયાના એક દિવસ બાદ આવ્યો હતો. ગુરુવારે ગૃહમાં હોબાળા વચ્ચે, સ્પીકર અબ્દુલ રહીમ રાથેરને નવો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. પીડીપીના સભ્યો વાહીદ પારા (ધારાસભ્ય પુલવામા) અને ફૈયાઝ મીર (ધારાસભ્ય કુપવાડા), હંદવાડાના પીપલ્સ કોન્ફરન્સ ધારાસભ્ય સજ્જાદ લોન, લંગેટથી અવામી ઇત્તેહાદ પાર્ટીના ધારાસભ્ય શેખ ખુર્શીદ અને શોપિયાના અપક્ષ ધારાસભ્ય શબીર કુલ્લે દ્વારા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.
ભાજપે પ્રસ્તાવનો વિરોધ કર્યો
આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે આ ગૃહ જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ, 2019ના અમલ સાથે કેન્દ્ર સરકાર દ્વારા અનુચ્છેદ 370 અને અનુચ્છેદ 35Aના ગેરબંધારણીય અને એકપક્ષીય રદ કરવાના નિર્ણયની સખત નિંદા કરે છે. આ કાર્યવાહીથી જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો અને રાજ્યનો દરજ્જો છીનવી લીધો. આનાથી બંધારણ દ્વારા પ્રદેશ અને તેના લોકોને મૂળરૂપે આપવામાં આવેલી મૂળભૂત બાંયધરી અને સુરક્ષાને નબળી પડી ગઈ છે. તો વિધાનસભાએ બુધવારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો પુનઃસ્થાપિત કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. ઘાટીના રાજકીય પક્ષોએ આ પ્રસ્તાવને આવકાર્યો હતો, જ્યારે મુખ્ય વિપક્ષ ભાજપે તેનો વિરોધ કર્યો હતો.