કોડીનાર-ઉના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ખોડિયાર માતાજીનું સુંદર મંદિર આવેલુ છે. એક લોકવાયકા પ્રમાણે આ સ્થળ પર આવેલા એક કુવામાં ખોડીયાર માતાજી સ્વયં પ્રગટ થયા હતા. બાદમાં માતાજીની ઈચ્છા અનુસાર તેમને કૂવામાંથી બહાર સ્થાપિત કરી અનેક દશકાઓ પહેલા તેમનું મંદિર બનાવાયું.. જે મંદિરનો અત્યાર સુધી 4 વાર જીર્ણોદ્ધાર થઇ ચૂક્યો છે.. સમગ્ર વર્ષ દરમિયાન માતાજીના દર્શન કરવા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અહીં આવે છે.
અહિંથી પસાર થતા ટ્રક ચાલકો ખોડીયાર માતાજીમાં ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે. આ વિસ્તારના જે લોકો ટ્રક ચલાવવાનો વ્યવસાય કરે છે તે તમામ નવી સફરે જતા પહેલા અચૂક માતાજીના દર્શન કરીને જ સફરની શરૂઆત કરે છે. અને આ માર્ગ પરથી પસાર થતા અન્ય ટ્રક ચાલકો પણ અહીં ટ્રક રોકી માતાજીના દર્શન કરીને તેમની કૃપા મેળવીને જ આગળ જાય છે. ખોડીયાર માતાજી ખૂબ જ ચમત્કારીક હોવાની પણ આ વિસ્તારના લોકોમાં એક દ્રઢ માન્યતા છે. માતાજીના દર્શન અને પૂજા કરવાથી કોઈપણ ભક્તને મનોવાંછિત ફળ મળતું હોવાની ધાર્મિક માન્યતાને કારણે અહીં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે આવે છે.
વર્ષો પહેલા અહીં એકમાત્ર કૂવો હતો જેમાં માતાજીની હાજરી સ્વરૂપે ત્રિશુલ અને થાપા જોવા મળતા હતા જેને કારણે આ કુવામાં કોઈ દેવી શક્તિ હોવાનું માનવામાં આવે છે વર્ષો પૂર્વે જ્યારે આ વિસ્તાર માનવ રહિત હતો તેને કારણે અહીં લોકોની હાજરી પણ ખૂબ જ ઓછી જોવા મળતી હતી. પરંતુ માતાજીની ઉપસ્થિતિ અને તેમના ચમત્કારિક પરચાને કારણે ભાવિકો ધીમે ધીમે માતાજીની આસ્થા સાથે જોડાતા ગયા અને આજે આ ધાર્મિક સ્થળ કે જે વર્ષો પૂર્વે કુવામાં હતુ તે શિખરબંધ મંદિરમાં પ્રસ્થાપિત થયું છે. આજે આ મંદિર આ વિસ્તારના લોકોની મનોકામના અને ધાર્મિક ભાવના સાથે જોડાયુ છે. આજે ખોડીયાર માતાજીના દર્શન કરી લોકો પોતાના પરિવારની સુખ શાંતિ અને આરોગ્યપ્રદ આયુષ્ય મળે તે માટે પણ પ્રાર્થના કરે છે.
મંદિરે વર્ષોથી નિયમિત દર્શન કરવા આવતા સ્થાનિક લોકોની અતૂટ શ્રદ્ધા માતાજી સાથે જોડાયેલી છે. દર રવિવારે મંદિરે ભક્તોનો જમાવડો થાય છે. માતાજીના શરણે આવી દર્શનાર્થી પોતાની જે પણ ઈચ્છા સાચા મનથી વ્યક્ત કરે છે તે માતાજીના આશીર્વાદથી અવશ્ય પૂર્ણ થાય છે. મંદિરે આવતા ભાવિકો માતાજીના દર્શન કરી શાંતિ અને સકારાત્મક ઉર્જાનો અહેસાસ કરે છે.
ખોડિયાર માતાજીના મંદિર સાથે અઢારેય વર્ણની આસ્થા જોડાયેલી છે ખોડિયાર જયંતિના દિવસે મંદિરે મેળાનો માહોલ સર્જાય છે લોકો દૂરદૂરથી માતાજીના દર્શને આવે છે. ઘણા ભાવિક ભક્તો માતાજીના દર્શન કરીને મંદિરમાં આવતા ધાર્મિક કાર્યક્રમમાં જોડાઈને સેવા આપી ધન્ય થયાની લાગણીનો અહેસાસ કરે છે.
એક લોકવાયકા પ્રમાણે માતાજીના દર્શન અને પુજા કરવાથી મનોકામના પુર્ણ થવાની સાથે મનવાંછિત ફળ પણ મળે છે.