ઓસ્ટ્રેલિયા જતા પહેલા ટીમ ઈન્ડિયા માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા ટીમ સાથે ઓસ્ટ્રેલિયાની ફ્લાઈટમાં જોવા મળશે નહીં.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા ભારતીય ટીમ સાથે ઓસ્ટ્રેલિયા નહીં જાય. જો કે, રોહિત પર્થમાં યોજાનારી પ્રથમ ટેસ્ટ મેચમાં ભાગ લેશે કે કેમ તે અંગે હજુ સુધી ચિત્ર સ્પષ્ટ થયું નથી. હિટમેન બહુ જલ્દી બીજી વખત પિતા બનવા જઈ રહ્યો છે અને તેના કારણે તે સીરિઝની પહેલી કે બીજી મેચ ચૂકી શકે છે. બોર્ડર-ગાવસ્કર શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ 22 નવેમ્બરથી શરૂ થવાની છે.
રોહિત ઓસ્ટ્રેલિયા નહીં જાય
બોર્ડર-ગાવસ્કર સિરીઝની શરૂઆત પહેલા જ ટીમ ઈન્ડિયા માટે એક નિરાશ કરનાર સમાચાર સામે આવ્યા છે. કેપ્ટન રોહિત શર્મા ભારતીય ટીમ સાથે ઓસ્ટ્રેલિયા નહીં જાય. એક મિડિયા સાથે વાત કરતી વખતે બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું હતું કે રોહિત ટીમ સાથે ઓસ્ટ્રેલિયા નહીં જાય, પરંતુ હજુ એ સ્પષ્ટ નથી થયું કે તે પ્રથમ ટેસ્ટ મેચ ચૂકશે કે નહીં. રોહિત બીજી વખત પિતા બનવા જઈ રહ્યો છે અને આ કારણે તે સીરિઝની પ્રથમ કે બીજી ટેસ્ટ મેચ ગુમાવશે. રોહિત આ વાત બીસીસીઆઈને જણાવી ચૂક્યો છે. ભારતીય ટીમ રવિવાર અને સોમવારે બે ગ્રુપમાં ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે.
બુમરાહ સુકાની કરશે
જો રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પર્થમાં રમાનારી પ્રથમ ટેસ્ટ મેચ મિસ કરશે તો ટીમ ઈન્ડિયાની કમાન તેના સ્થાને જસપ્રિત બુમરાહના હાથમાં રહેશે. બોર્ડર-ગાવસ્કર શ્રેણી માટે બુમરાહને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. આ પહેલા બુમરાહે રોહિતની ગેરહાજરીમાં ઈંગ્લેન્ડમાં ભારતીય ટીમનું નેતૃત્વ પણ કર્યું હતું. જો કે તે મેચમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું.
આ વખતે સિરીઝ પાંચ મેચની હશે
35 વર્ષ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની બોર્ડર-ગાવસ્કર સિરીઝ રમાશે. આ પહેલા વર્ષ 1991-92માં બંને ટીમો વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ હતી, જેમાં કાંગારૂ ટીમે જોરદાર પ્રદર્શન કર્યું હતું અને શ્રેણી 4-0થી જીતી હતી. તમને જણાવી દઈએ કે પાંચ મેચોની ટેસ્ટ સીરીઝમાં ભારતીય ટીમનો રેકોર્ડ ખૂબ જ ખરાબ રહ્યો છે અને ટીમ ઓસ્ટ્રેલિયાને એક પણ વખત હરાવી શકી નથી. છેલ્લા બે પ્રવાસમાં ટીમ ઈન્ડિયાએ ઘરઆંગણે એન્ટ્રી કરીને ઓસ્ટ્રેલિયાના ગુરુરને ચકનાચુરકર્યુ છે. 2018માં વિરાટ કોહલીની કપ્તાનીમાં ભારતીય ટીમે કાંગારુઓની ધરતી પર પ્રથમ વખત વિજયનો સ્વાદ ચાખ્યો હતો, જ્યારે 2020-21માં રહાણેની કપ્તાનીમાં યુવા બ્રિગેડે જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું.