દાહોદ જિલ્લાનાં સંજેલી તાલુકામાં દિકરીને અર્ધનગ્ન કરી માર મારી બાઇક સાથે સાંકળ વડે બાંધી સરઘસ કાઢવાના મામલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ બનાવ બાદ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરનું મહિલાઓની સુરક્ષાને લઈને નિવેદન સામે આવ્યું છે. કાંકરેજના પાદરડી ગામે ધાર્મિક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે મારા ભાઈઓ અને પિતાની આબરુ સાચવજો, ભાઈ અને પિતા માથું ઉંચું કરીને બજારમાં નીકળે તેવું કામ કરજો. તેમણે કહ્યું કે એકબાજુ આ તલવાર આપી છે, તલવારની જરુર નહિ પડે, તલવાર એ ક્ષત્રિયનું હથિયાર છે, અન્યાય સામે લડવાનું પણ આ હથિયાર છે, દીકરીઓની સલામતીનો પ્રશ્ન ઉભો થાય તો હથિયાર ઉપાડો તેમણે કહ્યું દીકરીઓ પણ હથિયાર ઉપાડવામાં પીછેહઠ નહિ કરે તેવી આશા છે.
મહત્વનું છે કે દાહોદ જિલ્લાનાં (Dohod) સંજેલી તાલુકાનાં ઢાળસીમલ ગામ ખાતે મહિલાઓ સહિતના ટોળાં દ્વારા એક પરિણીત મહિલાને અર્ઘનગ્ન કરી તેને માર મારી બાઇક સાથે સાંકળ વડે બાંધી સરઘસ કાઢવામાં આવ્યું હતું. પ્રેમસંબંધ મામલે પરિણીત મહિલા પર ટોળાએ જાહેરમાં અત્યાચાર ગુજાર્યો હતો. સભ્ય સમાજને શર્મસાર કરતી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં પોલીસે કાર્યવાહી કરી 15 પૈકી 12 લોકોની ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.