ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમમાં પ્રથમ વખત ત્રણ યુવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ઋચા ઘોષને ટીમમાં સ્થાન મળ્યું નથી.
ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની ODI શ્રેણી માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટી-20 વર્લ્ડ કપ 2024થી બહાર રહ્યા છતાં હરમનપ્રીત કૌરને ટીમની કપ્તાની સોંપવામાં આવી છે. જ્યારે સ્મૃતિ મંધાનાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવી છે. પ્રિયા મિશ્રા, સાયમા ઠાકુર અને તેજલ હસબ્રીસને ભારતીય ટીમમાં સામેલ કરાયા છે. તેમ જ ઋચા ઘોષને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી.
કમાન હરમનપ્રીતના હાથમાં
ટી20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમના ગ્રુપ સ્ટેજમાંથી બહાર થયા બાદ એવી અટકળો ચાલી રહી હતી કે હરમનપ્રીત કૌર પાસેથી ટીમની કેપ્ટનશીપ છીનવાઈ શકે છે. જોકે હરમનપ્રીત કેપ્ટન તરીકે યથાવત છે. ઋચા ઘોષને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. જો કે રિચા તેના 12મા ધોરણના પેપર આપશે અને તેથી જ તેને ટીમમાં તક આપવામાં આવી નથી. આશા શોભનાને પણ ઈજાના કારણે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. પૂજા વસ્ત્રાકરને પણ આ શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે.
🧵#TeamIndia squad for the three ODI series against New Zealand announced.#INDvNZ @IDFCFIRSTBank
— BCCI Women (@BCCIWomen) October 17, 2024
ત્રણ યુવા ખેલાડીઓને તક મળી
ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણી માટે ટીમમાં ત્રણ યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. પ્રિયા મિશ્રા, સાયમા ઠાકુર અને તેજલ હસબ્રીસને પ્રથમ વખત ભારતીય ટીમમાં તક મળી છે. ટી-20 વર્લ્ડ કપમાં બેટથી કંઈ કમાલ ન કરવા છતાં જેમિમા રોડ્રિગ્સ ટીમમાં યથાવત છે. યસ્તિકા ભાટિયા વિકેટકીપરની ભૂમિકામાં જોવા મળશે. તેમજ ઉમા છેત્રીને પણ ટીમમાં સ્થાન મળ્યુ છે.
શ્રેણી શેડ્યૂલ
ભારતીય ટીમ અને ન્યુઝીલેન્ડ વચ્ચે 24 ઓક્ટોબરથી ત્રણ મેચની વનડે સીરીઝ શરૂ થશે. શ્રેણીની પ્રથમ મેચ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. શ્રેણીની બીજી મેચ 27 ઓક્ટોબરે અને છેલ્લી મેચ 29 ઓક્ટોબરે રમાશે. ટી20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી, જેના કારણે ટીમનું પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું.