ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈ ફરી એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં પાકિસ્તાનને ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના યજમાન અધિકાર મળ્યા છે, પરંતુ તેના સમયપત્રક અને સ્થળ પર સસ્પેન્સ યથાવત છે કારણ કે ભારત સરકારે તેની ટીમને પાકિસ્તાન જવાની મંજૂરી આપી નથી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પહેલાથી જ આ નિર્ણય અંગે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ને જાણ કરી ચૂક્યું છે. હવે ICC આ ટૂર્નામેન્ટ ‘હાઈબ્રિડ મોડલ’ હેઠળ યોજવાનું આયોજન કરી રહી છે. આ માટે ICCએ 29 નવેમ્બર (શુક્રવાર)ના રોજ એક્ઝિક્યુટિવ બોર્ડની ઈમરજન્સી બેઠક પણ બોલાવી હતી.
પાકિસ્તાનને ICCએ આપ્યું અલ્ટીમેટમ
આ મીટિંગ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ ‘હાઈબ્રિડ મોડલ’ હેઠળ સ્પર્ધાનું આયોજન કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. આવી સ્થિતિમાં ICCએ તેને અલ્ટીમેટમ આપ્યું છે. PCB ચીફ મોહસિન નકવી વ્યક્તિગત રીતે બેઠકમાં હાજર રહ્યા હતા કારણ કે, તેઓ પાકિસ્તાનનો કેસ રજૂ કરવા ગુરુવારથી દુબઈમાં છે. BCCIના સચિવ જય શાહ જેઓ 1 ડિસેમ્બરે ICCના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળશે તેમણે ઓનલાઈન બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠક દરમિયાન ICCએ PCBને સ્પષ્ટ કહ્યું કે, તે કાં તો ‘હાઈબ્રિડ મોડલ’ અપનાવે અથવા તો આ સ્પર્ધામાંથી ખસી જવા માટે તૈયાર રહે. આ મીટિંગનો હેતુ ચેમ્પિયન્સ ટ્રોફી માટે શેડ્યૂલ નક્કી કરવાનો હતો પરંતુ ભારતે સુરક્ષાની ચિંતાઓને કારણે પાકિસ્તાન જવાનો ઇનકાર કર્યો હોવા છતાં PCBએ ફરી એકવાર ‘હાઈબ્રિડ મોડલ’ને નકારી કાઢ્યું, જેના પછી સર્વસંમતિ થઈ શકી નહીં.
આ તરફ હવે તે સમજી શકાય છે કે, ICC બોર્ડના મોટાભાગના સભ્યો પાકિસ્તાનની સ્થિતિ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા પરંતુ PCBના વડા મોહસિન નકવીને હજુ પણ ‘હાઇબ્રિડ મોડલ’ને એકમાત્ર ઉકેલ તરીકે સ્વીકારવાની સલાહ આપવામાં આવી હતી. ICCના અલ્ટીમેટમથી PCBને આંચકો લાગ્યો છે. PCBએ હવે તેની સરકાર સાથે આંતરિક રીતે ચર્ચા કરવા માટે એક દિવસનો સમય માંગ્યો છે. જો પાકિસ્તાન ‘હાઈબ્રિડ મોડલ’ સ્વીકારશે તો ભારત સામેની મેચો, સેમીફાઈનલ અને ફાઈનલ UAEમાં યોજાશે. જ્યારે બાકીની મેચો પાકિસ્તાનમાં યોજાશે અને પાકિસ્તાન પાસે હોસ્ટિંગનો અધિકાર રહેશે.
PCB ને થશે કરોડોનું નુકસાન ?
હવે ‘હાઈબ્રિડ મોડલ’ને એકમાત્ર ઉપાય તરીકે જોવામાં આવી રહ્યું છે. જો ટૂર્નામેન્ટ મુલતવી રાખવામાં આવે તો PCBને $60 લાખ (રૂ. 50.73 કરોડ)ની હોસ્ટિંગ ફી ગુમાવવી પડશે. આનાથી PCBની વાર્ષિક આવકમાં પણ મોટો ઘટાડો થઈ શકે છે જે લગભગ 350 લાખ ડોલર (આશરે રૂ. 296 કરોડ) છે. જો ‘હાઈબ્રિડ મોડલ’ અપનાવવામાં નહીં આવે તો ICCને પણ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે કારણ કે, સત્તાવાર બ્રોડકાસ્ટ સ્ટાર ICC સાથે તેના અબજ-ડોલરના કરાર પર ફરીથી વાટાઘાટો કરી શકે છે.
આ દરમિયાન દિલ્હીમાં વિદેશ મંત્રાલયે BCCIના વલણને પુનરોચ્ચાર કર્યો કે, ભારતીય ટીમ સુરક્ષાના કારણોસર પાકિસ્તાનનો પ્રવાસ કરી શકે નહીં. જ્યારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમના ભાગ લેવાની સંભાવના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, ‘BCCIએ નિવેદન બહાર પાડ્યું છે. તેમણે કહ્યું છે કે, ત્યાં સુરક્ષાની ચિંતા છે અને તેથી ટીમ ત્યાં જાય તેવી શક્યતા નથી. આ સ્પર્ધા 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ દરમિયાન યોજાય તેવી શક્યતા છે. 2008ના મુંબઈ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં ક્રિકેટ રમ્યું નથી. ચેમ્પિયન્સ ટ્રોફી 2017 પછી પ્રથમ વખત ICC કેલેન્ડરમાં પરત ફરી રહી છે. પાકિસ્તાને 2017માં ઈંગ્લેન્ડમાં આયોજિત ચેમ્પિયન્સ ટ્રોફીની છેલ્લી આવૃત્તિ જીતી હતી.