અમેરિકાથી ફરી એક ફ્લાઇટ અમેરિકામાં રહેતા ગેરકાયદે ભારતીયોને લઈને ભારત આવવાની છે. આ વખતે 2 ફ્લાઇટ આવશે. આ માટેની તૈયારીઓ અમેરિકાએ કરી લીધી છે. જે બે ફ્લાઇટ ભારતીયોને લઈને આવશે તેની તારીખ પણ આવી ગઈ છે. ઉલ્લેખનીય વાત એ છે કે હાલ નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે છે અને ગઇકાલે જ તેઓ રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળ્યા હતા અને ઘણા મુદ્દાઓ પર વાતચીત કરી હતી.
ક્યારે આવશે ભારતીયો?
સૂત્રો અનુસાર આવતીકાલે એટલે કે 15 ફેબ્રુઆરીના રોજ ગેરકાયદેસર NRI ને લઈને પહેલી ફ્લાઇટ અમૃતસર એરપોર્ટ પર ઉતરશે. અગાઉ ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને આવેલી અમેરિકન ફ્લાઇટમાં 104 લોકો સવાર હતા. આ ફ્લાઇટ પણ અમૃતસરમાં ઉતરી હતી. મોટાભાગના ગેરકાયદેસર ભારતીય સ્થળાંતર કરનારાઓ પંજાબ, હરિયાણા અને ગુજરાતના હતા.
સંસદમાં પણ હોબાળો
આ અંગે સંસદમાં ઘણો હોબાળો થયો હતો. વિપક્ષે NRI પર હાથકડી અને બેડીઓથી બાંધેલા હોવાનો આરોપ લગાવ્યો હતો. સરકારે આ અંગે સ્પષ્ટતા આપવી પડી. એસ જયશંકરે પોતે સંસદમાં કહ્યું હતું કે આ પ્રક્રિયા નવી નથી. અમેરિકા ભૂતકાળમાં પણ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરતું રહ્યું છે.
પીએમ મોદી એ કહ્યું ભારત તેના નાગરિકોને સ્વીકારશે
અમેરિકાના પ્રવાસે રહેલા પીએમ મોદીએ એ પણ સ્પષ્ટ કર્યું કે ભારત અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા તેના નાગરિકોને સ્વીકારશે. વડાપ્રધાન મોદીએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના મુદ્દા પર પોતાનો સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કર્યો અને કહ્યું કે આ ફક્ત ભારતનો મુદ્દો નથી. આ એક વૈશ્વિક સમસ્યા છે. જે લોકો અન્ય દેશોમાં ગેરકાયદેસર રીતે રહે છે તેમને ત્યાં રહેવાનો કોઈ કાયદેસર અધિકાર નથી. જ્યાં સુધી ભારત અને અમેરિકાનો સવાલ છે જો કોઈ વ્યક્તિની ભારતીય નાગરિકતા પુષ્ટિ થાય છે અને તે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહે છે તો ભારત તેને પાછો લેવા તૈયાર છે.