કડીના ડરણ ગામે દામોદર જીવરામ પટેલ નૂતન વિદ્યાલયના અમૃત મહોત્સવ અને નવા મકાનના લોકાર્પણ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેઓએ તેમના ભાષણમાં જણાવ્યું હતું કે રાજકારણમાં પણ દલાલો થઈ ગયા છે, ત્યારે આ નિવેદનને લઇ તેઓએ સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી હતી.
શું કહ્યું નીતિનભાઇએ
તેઓએ ટ્વીટ પર લખ્યું હતું કે કડીના ડરણ ગામના કેળવણી મંડળના કાર્યક્રમમાં મે જે વાત કરી છે. એ બધાજ જમીન દલાલોને લાગુ પડતી નથી. પરંતુ પક્ષના હોદ્દા ઉપર રહી પક્ષનું નામ વટાવી પોતાના અંગત સ્વાર્થ ખાતર કામો કરાવી લે છે. એવા કેટલાક લોકો માટે કહ્યું છે. કોંગ્રેસની સરકારોમાં પણ આવા લોકો હતાજ તે પણ બધા જાણેજ છે.
શું બોલ્યા હતા નીતિન પટેલ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે અત્યારે ગામડામાં કોઈ સામાન્ય રહ્યું જ નથી, અહીં બેઠેલા જે પણ વ્યક્તિ જોડે પાંચ વીઘા જમીન હોય તો 10 થી 15 કરોડના આસામી કહેવાય, હું બધા બિલ્ડરો અને દલાલોને ઓળખું છું, જમીનોના દલાલો મોટર સાયકલ લઈને ફરે પાનના ગલ્લા ઉપર, મેઢા ચોકડી હોય, અમારા કડીનો કરણનગર રોડ હોય, બધા દલાલો હવે તો રાજકારણમાં પણ દલાલો થઈ ગયા છે. દલાલી કરીને અધિકારીઓ સાથે ઓળખાણ કરી લેવાની, ભાજપનો હોદ્દેદાર છું, ભાજપનો કાર્યકર છું, નેતા છું એટલે અધિકારી ફટાફટ કામ કરી આપે એટલે ભાજપ સરકારે બહુ મોટા સુખી કર્યા, દલાલી કરતા કરતા અત્યારે બહુ મોટા સુખી થઈ ગયા છે, એટલે આ બધું ભગવાનના આશીર્વાદ છે,ઉમિયા માતાજીના આશીર્વાદ છે.