પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર દેશ અને દુનિયાના શિવ ભક્તો માટે અનેરી આસ્થાનુ કેન્દ્ર છે અનેક આક્રમણો બાદ આજના સોમનાથ મંદિરને વર્ષ 1951માં પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું હતું.સમગ્ર સનાતન ધર્મનો ઇતિહાસ સમેટીને ઉભેલું સોમનાથ મહાદેવ મંદિર રત્નાકરના કાંઠે સમગ્ર દેશ અને દુનિયાના શિવ ભક્તો માટે આસ્થાનુ કેન્દ્ર બની રહ્યું છે. સમગ્ર શ્રાવણ માસ અને મહા શિવરાત્રીના દિવસે વિશેષ પ્રમાણમાં શિવભક્તોની હાજરી સોમનાથ મંદિર પરિસરને ધાર્મિકતાથી ભરી આપે છે.
શાસ્ત્રોમાં ઉલ્લેખ પ્રમાણે હજ્જારો વર્ષો પહેલા ચંદ્રએ પોતાને મળેલા શ્રાપમાંથી મુક્તિ મેળવવા ઉગ્ર તપશ્ચર્યા કરી સોમનાથ મહાદેવને પ્રસન્ન કરી શ્રાપમાંથી આંશિક મુક્તિ મેળવી હતી. ચંદ્રનું બીજું નામ સોમ છે, અને સોમના નાથ એટલે સોમનાથ. ચંદ્રએ બ્રહ્માજીની હાજરીમાં મહાદેવની સ્થાપના કરી હતી.
સોમનાથ મંદિર સતયુગના સમયથી અડીખમ ઉભુ છે. સતયુગમાં સોમરાજે સુવર્ણ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. ત્રેતાયુગમાં રાવણે રજત આચ્છાદિત મંદિર બંધાવ્યું હતું. દ્વાપરયુગમાં સ્વયમ શિવના અવતાર સમાન શ્રીહરિ કૃષ્ણએ ચંદન મંદિર બનાવ્યું હોવાની ધાર્મિક માન્યતા છે.
1000 વર્ષ પૂર્વે સોમનાથ મંદિર પથ્થરનું હતું. જેના 56 સ્તંભ આધાર તરીકે જોવા મળતા હતા આ તમામ સ્તંભ સુવર્ણ હીરા અને રત્નજડીત હોવાની સાથે મહાદેવ પર સતત ગંગાજળનો અભિષેક પણ થતો હતો. પ્રત્યેક દિવસે એક હજાર બ્રાહ્મણો દ્વારા સોમનાથ મહાદેવની કમળના પુષ્પથી પૂજા કરવામાં આવતી હતી જે કાશ્મીરથી મંગાવવામાં આવતા હતા.સોમનાથ મહાદેવ મંદિર ભારતના મંદિર ઇતિહાસમાં નાગર શૈલીના મંદિર તરીકે પ્રચલિત છે. વિશ્વમાં સૌથી મોટા શિવમંદિર તરીકે ઓળખાતા સોમનાથ મહાદેવ મંદિરની ઊંચાઈ અંદાજિત 155 ફૂટ છે. જેમાં સાત અલગ અલગ માળ આવેલા છે. મંદિરની ઉપરનો મુખ્ય કળશ 10 ટન વજન ધરાવે છે આ સિવાય મંદિર ઉપર 1000 કળશ જોવા મળે છે જે શિવભક્તોની આસ્થાનું કેન્દ્ર બને છે.
સોમનાથની સખાતે નીકળેલા હમીરજી ગોહિલ અને વેગડાજી ભીલની સેનાએ મહંમદ બેગડાની સેના સામે લડાઈ લડીને સોમનાથને તુટતુ બચાવવા વીરગતિ વહોરી ત્યારથી સોમનાથની સાથે હમીરજી ગોહિલ અને વેગડાજી ભીલને પણ યાદ કરવામાં આવે છે. સોમનાથના ગૌરવપૂર્ણ ઇતિહાસની સાથે હમીરજી ગોહિલ અને વેગડાજી ભીલ નામના બે વીર સપૂતોને કારણે સોમનાથ મંદિર આજે આસ્થાનું પ્રતીક બની રહ્યું છે.
ભાવિકો સોમનાથદાદાના શરણે અનેક આશા સાથે આવે છે કોઈને સંતાનસુખ ના હોય તો કોઇ ઘણા કોઈ રોગથી પીડીત હોય તેનાથી મુક્તિ મેળવવા મંદિરે આવે છે. ચંદ્રમાએ પોતે પણ રોગમુક્ત થવા અહીં તપ કર્યુ હતુ એટલે મંદિરે કોઈ રોગી મૃત્યુંજયના જાપ કરે છે તો તે રોગમુક્ત થાય છે. અને જીવનમાં સારુ આરોગ્ય પ્રાપ્ત કરે છે.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર શિવની અનન્ય આસ્થાનુ કેન્દ્ર પણ બની રહે છે. વર્ષ દરમિયાન મંદિરે લાખોની સંખ્યામાં શિવ ભક્તો મહાદેવના દર્શન કરવા માટે સાત સમંદર પારથી પણ પહોંચે છે.
શ્રાવણ મહિનામાં 30 દિવસ સુધી સતત મહાદેવના શૃંગાર દર્શનની સાથે આરતીનો ઔલોકિક નજારો અને શિવની અનુભૂતિ માટે પણ શિવ ભક્તો ખાસ સોમનાથ આવે છે. એકમાત્ર સોમનાથ મંદિરમાં જ શ્રાવણ મહિના દરમિયાન પ્રત્યેક સોમવારે મહાદેવની પાલખી યાત્રા પણ કાઢવામાં આવે છે. જેના દર્શન કરવા પ્રત્યેક શિવ ભક્તો માટે ખૂબ જ મહત્વના બને છે.
શિવરાત્રીના દિવસે મંદિરે અનેક ધાર્મિક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવે છે જેના દર્શન માટે પણ શિવભક્તો તલાવેલી સાથે સોમનાથમાં સ્વયં હાજર રહે છે. મહાદેવની પૂજા, ગંગાજળ અભિષેક, ધ્વજા પૂજા, પાઘપૂજા, સોમેશ્વર મહાપૂજા, મહામૃત્યુંજય યજ્ઞ અને પાઠ સોમનાથ મંદિરના ધર્મ સાથે જોડાયેલા શિવ ભક્તોને મહાદેવ સમીપે ખેંચી લાવે છે..અરબી સમુદ્ર કાઠે આવેલું સોમનાથ મહાદેવ મંદિર આદિ અનાદિકાળથી શિવ ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે સોમનાથ મંદિર ભારતના અનેક રાજા રજવાડાઓના ઇતિહાસને સમેટીને પણ બેઠેલું છે. અહીં ભગવાન શ્રીકૃષ્ણના પરલોક ગમન ધામ પણ ભક્તોની અસ્થાનું કેન્દ્ર બને છે ત્યારે હરિ અને હરની ભૂમિ એવા સોમનાથ મહાદેવના દર્શન કરી ભાવિકો ધન્ય થાય છે.
સોમનાથ મંદિરનો ઇતિહાસ આજે પણ શિવ ભક્તો માટે આસ્થાનો વિષય છે સોમનાથ ખાતે જે શિવાલય દર્શન આપી રહ્યું છે તેને છઠ્ઠા મંદિર તરીકે ઓળખવામાં આવે છે જેનું નિર્માણ 13મી સદીમાં થયું હોવાના પુરાવા આજે પણ જોવા મળે છે..સદીઓ પહેલા સોમનાથ મંદિર સુવર્ણનું હતું. પરંતુ વિધર્મીઓએ મંદિર લૂંટયું. આજે સોમનાથનો સુવર્ણ યુગ પરત ફર્યો છે. સોમનાથને ભૂતકાળમાં મળેલા સોનાથી મંદિરના ગર્ભગૃહ અને વિવિધ સ્થંભો સહિત અનેક ભાગ સોનાથી મઢી દેવામાં આવ્યો છે..
