રાજ્યમાં ઘણી એવી સંસ્થાઓ છે જે વિદ્યાર્થીઓ સાથે છેતરપીંડી કરી રહી છે. જોકે શિક્ષણ વિભાગ દ્વારા આવી સંસ્થાઓ સામે કડક પગલાં લેવામાં આવે છે. ત્યારે તાજેતરમાં શિક્ષણના નામે શૈક્ષણિક સંસ્થાઓ વિદ્યાર્થીઓ સાથે છેતરપીંડી કરી રહી છે તેવી કબુલાત શિક્ષણ કુબેર ડિંડોરે કરી હતી. નવસારીના એક કાર્યક્રમ દરમિયાન તેઓએ જણાવ્યું હતુ કે સુરતની દીપક ગોહિલ ચેરીટેબલ ટ્રસ્ટનું 7313 થી રજીસ્ટ્રેશન થયુ છે. આ ટ્રસ્ટમાં કમલા મેડિકલ સેન્ટર ચલવે છે, જે ફ્રોડ છે.
ખરાઈ કરીને જ એડમિશન લેજો
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ સંસ્થા સુરત, નર્મદા, તાપી, રાજપીપળા, કર્ણાટક, બેંગલોરમાં સેન્ટર ચલાવે છે. માં કમલા મેડિકલ સેન્ટરના કોઈ યુનિવર્સિટી સાથે એફિલીએશન નથી. આદિવાસી વિદ્યાર્થીઓએ એડમિશન લીધા અને ફ્રી શિપકાર્ડની અરજી આવી, ત્યારે ધ્યાન ઉપર આવ્યુ હતું. આ સંસ્થા સામે આદિજાતિ વિભાગ અને આદિવાસી સમાજ દ્વારા કાયદાકીય પગલાં લેશું અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનારી આવી સંસ્થાઓને શોધવામાં આવશે. ઉપરાંત આદિવાસી વિદ્યાર્થીઓ UGC માન્યતા તેમજ એફિલીએશન ધરાવતી શૈક્ષણિક સંસ્થાની ખરાઈ કરીને જ એડમિશન લે એવી કરી અપીલ શિક્ષણ મંત્રીએ કરી હતી.
બોગસ શૈક્ષણિક સંસ્થાઓને લઈને રાજનીતિ ગરમાઈ હતી. જેમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના નિવેદન બાદ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા હતા. જેમાં ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતુ કે દક્ષિણ ગુજરાતમાં અનેક સંસ્થાઓ પાસે UGC માન્યતા ન હોવાનો શિક્ષણમંત્રીએ સ્વીકાર કર્યો છે. શિક્ષણ મંત્રી નિવેદન આપીને છૂટી ગયા.
મનીષ દોષીએ વધુમાં જણાવ્યું હતુ કે શિક્ષણમંત્રી જાહેરમાં નિવેદન આપવાના બદલે પગલાં ભરે તે જરૂરી છે. તથા આવી માન્યતા વગર ચાલતી સંસ્થાઓ સામે કડક પગલાં લેવા માગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી..