જૂનાગઢમાં ભોલેબાબાના અનેક મંદિરો આવેલા છે દરેક મંદિરનો અલગઅલગ ઇતિહાસ છે. ભોળેનાથનું એક મંદિર 650 વર્ષ પહેલાનું હોવાની લોકવાયકા છે. આ પ્રાચીન શિવમંદિરમાં ભૂતનાથ મહાદેવ બિરાજમાન છે. સ્વયંભૂ શ્રી ભૂતનાથ મહાદેવનો ઇતિહાસ અનેરો છે. એક બિલ્લી પત્રમ, એક પુષ્પમ, એક લોટા જલ કી ધાર, દયાળુ રિઝ કે દેત હે ચંદ્રમોલી ફલચાર, ભગવાન ભોલેનાથ મહાદેવ શંકરના ભારત વર્ષમાં અનેક નાના મોટા શિવમંદિરો આવેલા છે. કહેવાય છે કે ખૂબ જલ્દીથી પ્રસન્ન થઈ ભક્તોના કામ કરનારા અને ભક્તોના દુઃખ દૂર કરનારા મહાદેવ માત્રને માત્ર એક લોટા જલની ધારથી રિઝી જાય છે. મહાદેવ કે જે દેવોના દેવ કહેવાય છે તેમનો અપાર મહિમા રહેલો છે. આવા જ એક શિવમંદિરમાં મહાદેવ સ્વયંભૂ રીતે પ્રગટ થયા છે અને ઘોર કલિયુગમાં પણ અપાર પરચા આપી ભક્તોના દુઃખ દૂર કરે છે.
ભૂતનાથ મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા હતા
જૂનાગઢ શહેર મધ્યે આવેલા અને જૂનાગઢના નાથ તરીકે પૂજાતા ભગવાન શિવજી અહીં ભૂતનાથ મહાદેવ તરીકે સ્વયંભૂ પ્રગટ થઈ બિરાજમાન છે. 650 વર્ષ પહેલા આ જગ્યાએ એક માલધારી કોટેશ્વર મહાદેવના દર્શને દરરોજ આવતા અને હાલ જ્યાં ભૂતનાથ મહાદેવ બિરાજમાન છે તે જ જગ્યાએ ઘાસના પુળા રાખતા હતા. જ્યાં પુળા હતા ત્યાં એક રાફડો હતો. એકવાર માલધારીને ભૂતનાથ મહાદેવનો સાક્ષાત્કાર થયો હતો અને માલધારીને કહ્યુ કે મને તું આ જગ્યાએથી બહાર કાઢ. માલધારી જે નાગરને ત્યાં દૂધ દેવા જતો હતો તેમને વાત કરી એટલે નાગરોએ ભેગા મળી રાફડા વાળી જગ્યાએ ખોદકામ કરતા ભૂતનાથ મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા હતા.
650 વર્ષ પહેલા મહાદેવજીની સ્થાપના કર્યાની છે લોકવાયકા
જૂનાગઢમાં રહેતા ભોળાના ભક્તો નિયમિત મહાદેવજીના દર્શને આવે છે તેમની મહાદેવમાં અપાર શ્રદ્ધા રહેલી છે શ્રદ્ધાળુઓ મહાદેવના શરણે અનેક મનોકામનાઓ સાથે પગપાળા આવે છે અને મહાદેવજી પણ તેમના ભક્તોને આશીર્વાદ આપી તેમની દરેક ઈચ્છા પૂર્ણ કરે છે. એક લોકવાયકા પ્રમાણે 650 વર્ષ કરતા પણ વધારે સમય પહેલાની મહાદેવજીની સ્થાપના કરેલી છે. વર્તમાન સમયમાં મંદિરના મહંત તરીકે શ્રી મહેશગીરી બાપુ સાતમા મહંત તરીકે સેવા આપી રહ્યા છે, સમયની સાથે સાથે નાગરોએ ભૂતનાથ મહાદેવ મંદિરનો વિકાસ કરી ખૂબ મોટું મંદિર બનાવ્યું છે જ્યાં આજે ભાવિકો દર્શન કરી ધન્યતા અનુભવે છે. મહાદેવજીના મંદિરે દર શ્રાવણ માસમાં હજારો ભાવિકો દર્શનાર્થે ઉમટે છે અને આજના કળીયુગમાં પણ ભૂતનાથ મહાદેવ ભાવિકોને સાક્ષાત્કાર થઈ તેમના દુઃખ દર્દ હરી લે છે.