બનાસકાંઠા જિલ્લામાં આસ્થાના પ્રતિક અનેક દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે તેમાંનું એક મંદિર ડીસા તાલુકાના નાગફણા ગામમાં આવેલું નાગદેવતાનું મંદિર છે. વર્ષો પહેલા આ ગામમાં નાગદેવતાનો સાક્ષાત્કાર થતા નાનકડી મૂર્તિ મૂકી મંદિરની સ્થાપના કરવામાં આવી હતી અને ગામનું નામ પણ નાગદેવતાના નામ પરથી નાગફણા રાખવામાં આવ્યું હતુ. પાંચમ અને પૂનમના દિવસે ગુજરાત અને બહારના રાજ્યોમાંથી હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા નાગફણા ગામે ઉમટી પડે છે અને નાગદેવતાના આશીર્વાદથી અનેક લોકોની મનોકામના પણ પૂર્ણ થાય છે. આજે દેવદર્શનમાં આપણે નાગદેવતાના દર્શન કરી ધન્ય થઈશું.
બનાસકાંઠા જિલ્લામાં અનેક દેવી-દેવતાઓના પ્રાચીન મંદિરો આવેલા છે. સમગ્ર રાજ્ય અને અન્ય રાજ્યના ભાવિકોની આસ્થા નાગદેવતાના મંદિર સાથે જોડાયેલી છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલા પૌરાણિક મંદિરોમાં બિરાજમાન દરેક દેવી-દેવતાઓનો સાક્ષાત્કાર લોકોને થાય છે. આવું જ એક વર્ષો પૌરાણિક મંદિર ડીસા તાલુકાના નાગફણા ગામે આવેલું છે જ્યાં નાગદેવતા બિરાજમાન છે. મંદિરનો ઇતિહાસ જોઈએ તો વર્ષો પહેલા હાલ જ્યાં નાગફણા ગામ છે ત્યાં લોકો બહારથી આવીને વસવાટ કરતા હતા અને આ સ્થળનું કોઈ નામ પણ નહોતું અન્ય ગામમાંથી સ્થળાંતર કરી આવેલા લોકો આ સ્થળે રહેતા હતા ત્યારે લોકોને અવારનવાર નાગદેવતાનો સાક્ષાત્કાર થતો હતો.
વારંવાર નાગદેવતાના દર્શન થતાં હતા એટલે અહિં વસતા લોકોએ ગામનું નામ નાગફણા રાખ્યુ અને ગામમાં નાગદેવતાનું નાનકડું મંદિર બનાવી લોકો નાગદેવતાની પૂજા અર્ચના કરવા માંડ્યા. એક લોકવાયકા પ્રમાણે વર્ષો પહેલા ગ્રામીણ વિસ્તારોમાં પીવા માટે અને પશુધન માટે તળાવમાંથી પાણી મેળવતા હતા. ત્યારે પાણીની અછત સર્જાતા આ ગામના લોકોએ નાગદેવતાને પ્રાર્થના કરી હતી કે બીજના દિવસે વરસાદ આવે અને બીજના દિવસે જ ધોધમાર વરસાદ થયો હતો વરસાદથી ગામમાં આવેલુ તળાવ પાણીથી છલોછલ ભરાઈ ગયું હતુ અને તે દિવસથી આજ દિવસ સુધી નાગફણા ગામમાં આવેલા નાગદેવતાના મંદિરે દર બીજના દિવસે ઉત્સવનો માહોલ સર્જાય છે.
નાગફણા ગામમાં આવેલા નાગદેવતાના મંદિરે અનેક લોકો દર્શન કરવા માટે ઉમટી પડે છે નાગદેવતા પ્રત્યેની અતૂટ આસ્થાના દર્શન મંદિરે જોવા મળે છે અનેક લોકો પોતાની બાધા આંકડી પૂર્ણ થતા નાગ દેવતાના મંદિરે દૂરદૂરથી દર્શન કરવા આ મંદિરે આવે છે. વર્ષો પહેલા નાનકડા મંદિરમાં લોકો પૂજા અર્ચના કરતા હતા ત્યાં આજે ગામના લોકોએ મોટું મંદિર બનાવ્યું છે.
ડીસા તાલુકાના નાગફણા ગામે આવેલા નાગદેવતાના મંદિરનો ઇતિહાસ 250 વર્ષ જૂનો છે અને 250 વર્ષથી આ ગામમાં નાગદેવતાના મંદિરે ગ્રામજનો રોજ પૂજન અર્ચન કરે છે. લોકો પોતાના ધંધા રોજગાર માટે, સંતાન પ્રાપ્તિ માટે અને ખેતીમાં સારી આવક થાય તે માટે બાધા આખડી રાખે છે. અને નાગદેવતાના આશીર્વાદથી અનેક લોકોને પોતાના મનોવાંચ્છીત ફળ પણ મળે છે.
નાગદેવતાના મંદિરે સમગ્ર રાજ્યમાંથી લોકો બીજ પૂનમ અને પાંચમના દિવસે દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં ઉમટી પડે છે. નાગદેવતાના મંદિરને તળાવની પાલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરે દર પાંચમના દિવસે મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે અને આ દિવસે ભક્તો સમગ્ર ગુજરાત રાજ્યભરમાંથી ઉમટી પડે છે. મંદિરની તમામ વ્યવસ્થા ગામના લોકો મળીને કરે છે. મંદિરમાં ભક્તોએ આપેલા દાનનો સેવાકાર્યોમાં ઉપયોગ કરવામાં આવે છે. ગૌશાળામાં ગાયોને ઘાસચારો, નાગફણા ગામમાં રહેતી વિધવા બહેનોને દર વર્ષે બે વાર કરિયાણુ, શ્વાન માટે માટે શીરો અને ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા અનાથ બાળકોને ભણવા માટેનો તમામ ખર્ચ મંદિરમાં આવતા દાનમાંથી કરવામાં આવે છે.
નાગદેવતાના મંદિરની બાજુમાં આવેલુ વિશાળ તળાવ નાગદેવતાના સાક્ષાત્કારથી હંમેશા પાણી ભરાયેલું રહે છે. આજુબાજુના ગામોમાં પાણીની વિકટ સમસ્યા સર્જાય ત્યારે પણ આ તળાવમાં હંમેશા પાણી ભરાયેલું રહે છે જેને નાગદેવતાનો ચમત્કાર માનવામાં આવે છે. વર્ષોથી આ તળાવનુ પાણી ગામના લોકો પીવા માટે તેમજ પોતાના પશુધન માટે ઉપયોગમાં લે છે. તે સમયથી આજ દિન સુધી આ તળાવમાં પાણી ખૂટ્યું નથી. બનાસકાંઠા જિલ્લામાં આવેલા પૌરાણિક મંદિરોમાંનું આ નાગદેવતાનું મંદિર પણ લોકોની આસ્થાનું પ્રતિક રૂપ મંદિર માનવામાં આવે છે.