ઑસ્ટ્રેલિયાના એડમ ઝેમ્પા અને જોષ હેઝલવુડ કુલદીપથી રેન્કીંગમાં આગળ હતા. પરંતુ આ બંને ખેલાડીઓને તાજેતરની રેન્કિંગમાં નુકસાન થયું છે, બન્ને બબ્બે સ્થાન નીચે આવી ગયા છે
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા નવી રેન્કિંગ જાહેર કરવામાં આવી છે, જેમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને ઘણો લાભ થયો છે. ટીમ ઇન્ડિયાએ તાજેતરમાં બાંગ્લાદેશને 2-0થી ટેસ્ટ સિરીઝમાં હરાવી છે. આ સિરીઝમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું, જેનો લાભ તેમને ICC રેન્કિંગમાં થયો છે. આ દરમ્યાન, ટીમ ઇન્ડિયાના એક ખેલાડીએ વનડે રેન્કિંગમાં પણ મોટી છલાંગ મારી છે. સૌથી મોટી વાત એ છે કે ટીમ ઇન્ડિયાએ છેલ્લા થોડા દિવસોમાં કોઈ વનડે મેચ નથી રમી, છતા આ ખેલાડી વનડે રેન્કિંગમાં ટોચના 3માં પ્રવેશ કરી ગયો છે.
મેચ રમ્યા વગર ICC રેન્કિંગમાં આ ખેલાડીને થયો ફાયદો
ભારતના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવને તાજેતરની વનડે રેન્કિંગમાં શાનદાર ફાયદો થયો છે. હવે તે ત્રીજા નંબર પર પહોંચ્યા છે. પહેલાં કુલદીપ યાદવ 5મા નંબરે હતા. તે સમયે, ઑસ્ટ્રેલિયાના એડમ ઝેમ્પા અને જોષ હેઝલવુડ કુલદીપથી રેન્કીંગમાં આગળ હતા. પરંતુ આ બંને ખેલાડીઓને તાજેતરની રેન્કિંગમાં નુકસાન થયું છે. એડમ ઝેમ્પા અને જોષ હેઝલવુડ 2-2 સ્થાન નીચે આવી ગયા છે, તેવામાં કુલદીપ યાદવ મેચ રમ્યા વિના 2 સ્થાન ઉપર જઈને ત્રીજા નંબરે પહોંચી ગયા છે. વનડેમાં બોલરોની રેન્કિંગમાં તે હાલમાં ભારતના નંબર-1 બોલર છે.
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની આ વનડે રેન્કિંગમાં સાઉથ આફ્રિકા ના કેશવ મહારાજ 695 રેટિંગ સાથે પહેલા સ્થાને છે. અફઘાનિસ્તાનના રશિદ ખાન 668 રેટિંગ સાથે બીજા નંબરે છે. બીજી તરફ, કુલદીપ યાદવ 665 રેટિંગ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયા છે. , જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ પણ બોલરોની વનડે રેન્કિંગમાં ટોચ-10માં છે.
ટેસ્ટ સિરીઝમાં ન મળ્યો રમવાનો મોકો
કુલદીપ યાદવ તાજેતરમાં બાંગ્લાદેશ સામે રમાયેલી ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમનો હિસ્સો હતા, પરંતુ તેમને પ્લેઇંગ 11માં સ્થાન મળ્યું ન હતું. સિરીઝની બીજી મેચ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઈ હતી, જે તેમનું હોમ ગ્રાઉન્ડ છે. પરંતુ કુલદીપને આ મેચમાં રમવાનો મોકો મળ્યો ન હતો. કુલદીપ યાદવ છેલ્લા 7 વર્ષથી ટીમ ઇન્ડિયાનો હિસ્સો છે, પરંતુ આ ચોંકાવનારી બાબત છે કે, તેમણે હજુ સુધી પોતાના હોમ ગ્રાઉન્ડ પર એકપણ ઇન્ટરનેશનલ મેચ રમી નથી. આ વખતે પણ તેમનું આ સપનું પૂર્ણ થઈ શક્યું ન હતું.