મહાકુંભમાં ફરી એકવાર આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ મહાકુંભના સેક્ટર-22માં બનેલા ટેન્ટમાં આગ લાગી હતી. હાલ ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ હજુ સુધી આગ કાબૂમાં આવી નથી. સદનસીબે કોઈ ભક્ત સ્થળ પર તંબુમાં નહોતા. આગ લાગ્યા બાદ તમામ લોકો બહાર આવી ગયા હતા જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
નોંધનિય છે કે, મહાકુંભનો સેક્ટર-22 વિસ્તાર છટનાગ ઘાટ અને ઝુસીના નાગેશ્વર ઘાટની વચ્ચે છે. ગુરુવારે અહીં અચાનક ઘણા ટેન્ટ સળગવા લાગ્યા. આ જોઈને શ્રદ્ધાળુઓ તેમના તંબુમાંથી બહાર આવ્યા અને ફાયર બ્રિગેડને જાણ કરી. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાનું શરૂ કર્યું હતું. આગમાં અનેક તંબુ બળીને રાખ થઈ ગયા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
આ પહેલા 19 જાન્યુઆરીએ મહાકુંભમાં આગની મોટી દુર્ઘટના બની હતી. સેક્ટર-19માં બનેલા ગીતા પ્રેસના પંડાલમાં આગ લાગી હતી. આગમાં અનેક તંબુ બળીને રાખ થઈ ગયા હતા. સિલિન્ડર પણ ફાટ્યો, જેના કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા દેખાતા હતા. જો કે ફાયર બ્રિગેડની ટીમે સમયસર આગ પર કાબુ મેળવી લીધો હતો જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.