વલસાડમાં તડકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અહિં આઠ સદી પહેલાથી ભોળેનાથ બિરાજમાન છે. મંદિરમાં ભોળેનાથની આરામ ફરમાવતી એટલે કે સુતેલી પ્રતિમાનું સ્થાપન કરેલુ છે. દેશમાં એક માત્ર સુતેલી અવસ્થામાં બિરાજમાન તડકેશ્વર મહાદેવ મંદિરના ઘુમ્મટનું અનોખું મહત્વ એટલા માટે છે. કે આ વિશ્વનું એકમાત્ર ઘુમ્મટ વિનાનું મંદિર છે. વર્ષોથી શિવજી અહિં આરામની મુદ્રામાં બિરાજમાન છે એટલે જ કદાચ વલસાડ શહેર પણ આરામ, શાંતિ માટે શ્રેષ્ઠ શહેર ગણાય છે. વલસાડ શહેરમાં પ્રવેશતા જ શહેરનાં પ્રવેશદ્વાર પર બિરાજમાન છે તડકેશ્વર મહાદેવ. વિશાળ પરિસરમાં આવેલા તડકેશ્વર મહાદેવના ભવ્ય મંદિર સાથે વર્ષો જુનો ઈતિહાસ જોડાયેલો છે. વિશાળ અને સુંદર પટાંગણ ધરાવતું આ મંદિર પહેલા એક નાનકડી ઝૂંપડી હતી અને વર્તમાનમાં લોકોની શ્રદ્ધા અને દાનથી દુનિયાનું પહેલું છત વગરનું મંદિર બન્યું છે. 800 વર્ષ પહેલા વાંકી નદીના કિનારે એક ગાય દરરોજ આવી એક શીલા એટલે કે એક પથ્થર પર દૂધની ધારા કરતી હતી. અને ગાય નો માલિક જ્યારે દૂધ દોહતો ત્યારે તે દૂધ આપતી નહોતી, ચિંતિત ગોવાળિયાને ગાયનું દૂધ કોઈ ચોરતુ હોવાની શંકા થઈ ત્યારે ગાયની પાછળ પાછળ ગયો. અને ગાયને નદીને કિનારે એક શીલા પર પોતાનું દુધ જાતે જ અર્પણ કરતા જોઈ. ગોવાળીયાએ આ વાતની જાણ ગ્રામવાસીઓને કરી અને બધાએ મળી તે પથ્થરને ઉચકવાનો પ્રયત્ન કર્યો પણ તે ઉંચકી ના શકાયો. અને એક રાત્રે ગામના એક વ્યક્તિને સ્વપ્નમાં ભગવાન શિવે જણાવ્યું કે તે પથ્થર શિવલિંગ છે. જેને માત્ર બે વ્યક્તિઓ સાચી શ્રદ્ધાથી ઉપાડશે તો તે ઉચકાઈ જશે અને જ્યાં તેમને વજન લાગે ત્યાં આ લિંગની સ્થાપના કરી દેવી. સ્વપ્ન પ્રમાણે માત્ર બે વ્યક્તિઓએ લિંગ ઉપાડ્યું અને વાંકી નદીના કિનારેથી થોડે દુર વજન વધતા તેને ત્યાં જ સ્થાપિત કરવામાં આવ્યુ.
વલસાડમાં બિરાજમાન તડકેશ્વર મહાદેવ
ભગવાન ભોલેને બિરાજમાન કરી શિવલિંગના ફરતે ઘાસ અને વાસની ઝુંપડી બનાવી પણ બીજા જ દિવસે ઝુંપડી સળગી ગઈ અટલે ગામલોકો આશ્ચર્યમાં પડ્યા કે મંદિરમાં કોઈ દીવો નહોતો છતાં આગ કેમ લાગી? ફરી ગામવાસીઓએ લિંગ ફરતે પતરાથી દિવાલ બનાવી અને રાત્રીના સમયે વાવાઝોડું આવ્યું. વાવાઝોડાથી ગામના એકપણ મકાનને કોઈ અસર ના થઇ પરંતુ મંદિરની છત ઉડી ગઈ. ફરી એક વ્યક્તિના સ્વપ્નમાં ભોળેનાથ આવ્યા અને કહ્યુ કે હું તડકેશ્વર મહાદેવ છું મને તડકો, વરસાદ અને ઠંડી સીધી મળવી જોઈએ. એટલે ગ્રામવાસીઓએ મંદિરને છત વિનાનું બનાવ્યું. તડકેશ્વર મહાદેવ મંદિર સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પોતાની ભવ્યતા માટે જાણીતુ છે. મહાદેવના મંદિરોમાં સામાન્ય રીતે શિવલિંગ ઉભું હોય છે. પણ તડકેશ્વર મહાદેવ મંદિરમાં શિવલિંગ આડુ છે. એટલે કે ભગવાન આરામની મુદ્રામાં બિરાજમાન છે. ભગવાન ભોળેના આ રૂપને જોઈને પ્રવાસીઓ અચંબિત થાય છે. અહીં આવતા દર્શનાર્થીઓ શંકર ભગવાનના આ રૂપને જોઈને ભાવવિભોર બની જાય છે. અને ભાળેબાબાના દર્શન કરી ધન્ય થાય છે.
ચોમાસામાં કાળુ શિયાળામાં ભૂરુ ઉનાળામાં લાલ શિવલિંગ
આ મંદિરમાં શિવલિંગ ઋતુ પ્રમાણે પોતાના રંગ બદલે છે. ચોમાસામાં કાળો રંગ, શિયાળામાં ભૂરો રંગ તો ઉનાળાની ઋતુમાં શિવલિંગ લાલાશ પડતું થઇ જાય છે. આમ ભોળેશંકરના અલગ અલગ રૂપ જોઈને ભક્તો આનંદની લાગણીનો અહેસાસ કરે છે. સમગ્ર દક્ષિણ ગુજરાતની સાથે મુંબઈથી પણ મોટા પ્રમાણમાં ભક્તો આ અનોખા શિવલિંગના દર્શન માટે મંદિરની ખાસ મુલાકાત લે છે દિવસ દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને દર્શનાર્થીઓની ભીડથી મંદિર પટાંગણ ધબકતુ રહે છે. તડકેશ્વર મહાદેવ મંદિરે ભાવિકોની આસ્થા દિન પ્રતિદિન વધી રહી છે અનેક દર્શનાર્થીઓ પોતાના મનોવાંચ્છીતની ફળ પૂરા કરવા શંકર ભગવાનના શરણે વલસાડના ભોળેબાબાના મંદિરની ખાસ મુલાકાત લે છે. અને સાચી આસ્થા સાથે જે માનતા માને છે તે બાબાના આશીર્વાદથી અવશ્ય પૂરી થાય છે. દર સોમવારે, રવિવારે, શિવરાત્રીએ અને શ્રાવણ માસમાં મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે. સુરત અને મુંબઈથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભોળેબાબાના દર્શન કરવા આવે છે. દૂરદૂરથી મંદિરે આવતા ભક્તો ભગવાન ભોળેને પાણીની એક લોટી ચડાવી ધન્યતા અનુભવે છે તો કેટલાક ભક્તો ફૂલ દૂધ અર્પણ કરી પોતાની મનોકામના પૂર્ણ કરે છે.
ભોળો ભગવાન તમામની મનોકામના અચૂક પૂર્ણ કરે છે
મંદિર સાથેની આસ્થા ભોળોનાથના ભક્તોને દેશ વિદેશથી અહી ખેચીં લાવે છે. ત્યારે ખાસ કરીને શ્રાવણ માસમાં મંદિરની રોનક કઈક અલગ હોય છે. ભગવાન ભોલેનાથની ભક્તિમાં લીન લોકોને ભગવાનમાં રહેલી શ્રદ્ધા અને મંદિરમાં અનુભવાતી શાંતિ અલૌકિક આભાસ કરાવે છે વલસાડવાસીઓ માટે આ મંદિર તેમનું બીજું ઘર માનવામાં આવે છે અનેક ભક્તો પોતાના દિવસની શરૂઆત અહીં દર્શન કરીને જ કરે છે તો કેટલાક ભક્તો 365 દિવસ અહીં દરરોજ ભગવાન શંકરને માથું નમાવવા આવે છે. તેઓની માન્યતા છે કે ભોલેની કૃપાથી જ તેમના જીવનમાં તમામ પ્રકારના સુખ શાંતિ રહેલા છે. વલસાડમાં આવેલું તડકેશ્વર દાદાનું મંદિર અલૌલિક શાંતિ ધરાવે છે આરામની મુદ્રામાં બિરાજમાન ભોળેબાબા દરેક દર્શનાર્થીઓને જાણે ભક્તિનું ભાથું બાંધી લેવાની અનુભૂતિ કરાવે છે. મંદિરે વર્ષ દરમિયાન અનેક કથાઓનું આયોજન કરવામાં આવે છે તો દૂરદૂરથી આવતા ભક્તો હવન પણ કરાવે છે. શ્રાવણ માસમાં આ મંદિર પર ભક્તોનો જમાવડો જોવા મળે છે. ભક્તોને અતૂટ આસ્થા છે કે અમારો ભોળો ભગવાન તમામની મનોકામના અચૂક પૂર્ણ કરે છે.