ગીરમાં કોડીનારના જંત્રાખડી ગામની સીમમાં ખોડિયાર માતાજીનું મંદિર આવેલુ છે. કોડીનારથી 12 થી 14 કિલોમીટર દૂર આવેલુ ખોડિયાર માતાજીનું મંદિર અતિ પ્રાચીન છે. અહીં રણ જેવો વિસ્તાર છે જેને અહીંના લોકો ખારા તરીકે ઓળખે છે. મંદિર બે માળનું છે અને નીચેનું ગર્ભગૃહ અતિ પ્રાચીન હોવાની લોકવાયકા છે. આજથી 30 વર્ષ પહેલા અહીં ખડેશ્રી બાપુએ આ જગ્યાને જાગૃત કરી છે. ગૌતમપુરી બાપુએ સતત ૧૨ વર્ષ સુધી ખડે પગે તપશ્ચર્યા કરી હતી ત્યારથી આ બાપુ ખડેશ્રી બાપુ તરીકે પ્રચલિત થયા છે.
શાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબ ખોડિયાર મા નો ઇતિહાસ જોઈએ તો હાલના ભાવનગરના શિહોર નજીક રોહિશાળા નેસ આવેલો જે આજે ગામ બની ગયું છે. આ રોહિશાળા નેસમાં મામડદેવ કે જે મામૈયા ચારણ તરીકે ઓળખાતા હતા. આ મામડદેવ મહાદેવના પરમ ભક્ત હતા. તેઓ પર મા સરસ્વતીના ચારેય હાથ હતા. પરંતુ શેર માટીની ખોટ હતી. ભાગ્યમાં સંતાન સુખ ન હોવાને કારણે દુઃખી હતા. વાંઝિયાપણાનાં મેણાથી અનેક વાર દુખી થતા હતા. આખરે મામડદેવ જંગલમાં ગયા અને દ્રઢ નિશ્ચય કર્યો કે મહાદેવને પ્રસન્ન કરી વરદાન માગી શેર માટીની ખોટ પુરવી અન્યથા પોતાનો જીવ આપી દેવો. મામડદેવે મહાદેવની ઉગ્ર તપશ્ચર્યા કરી પણ મહાદેવ પ્રસન્ન ન થયા.
આખરે આ ચારણનો દીકરો ઉભો થઈ તલવાર લઈ પોતાનું મસ્તક ઉડાડવા જતો હતો ત્યાં જ મહાદેવ પ્રગટ થયા અને વરદાન માગવા કહ્યું ત્યારે મામૈયા ચારણે શેર માટીની ખોટ પુરવા કહ્યું. મહાદેવે ખૂબ સમજાવ્યો. કે તેના ભાગ્યમાં સંતાન નથી પણ ચારણનો દીકરો જીદે ચડ્યો અને મહાદેવને કહ્યું..’કા તો શેર માટીની ખોટ પૂરો અન્યથા મારૂ મસ્તક સ્વીકારો. આખરે મહાદેવ પાતાળલોકમાં વાસુકી નાગ પાસે ગયા અને તેની સાત દીકરી અને એક દીકરા પૈકી કોઈ એક સંતાન મામડદેવેને આપવા જણાવ્યું. નાગદેવતાએ પોતાના સંતાનોને કહ્યું. તમારામાંથી એક ચારણદેવને ત્યાં પ્રગટ થાવ ત્યારે આ આઠેય ભાઈ બહેન વિચારવા લાગ્યા. આ સમયે સૌથી નાની દીકરી આવળએ પોતે ચારણની દીકરી તરીકે જન્મ લેવાની તૈયારી બતાવી. અને તે દીકરી એટલે મા ખોડિયાર.
અહીં માતાજીના દર્શન કરવા દૂરદૂરથી ભાવિક ભક્તો આવે છે નિયમિત દર્શને આવતા ઘણા ભાવિકોને માતાજીનો સાક્ષાત્કાર થયો હોવાના ઘણા પ્રમાણ છે માતાજીના શરણે આવી તેમની સમક્ષ પોતાની મનોકામના વ્યક્ત કરતા દરેક ભાવિકભક્તોને માતાજી આશીર્વાદ આપી તેમના મનોવાંચ્છીત ફળ આપે છે. મા ખોડીયારના પ્રાચીન મંદિરના ગર્ભગૃહમાં જઈ દર્શન કરતા જ આધ્યાત્મિકતાની અનુભૂતિ થાય છે. અહીં કંઈક અલગ જ પ્રકારના સકારાત્ક તરંગોની અનુભૂતિ થાય છે. મા ખોડીયારની શક્તિનો આવિર્ભાવ થાય છે. ખડેશ્રી બાપુના તપનો પણ અહીં અનુભવ થાય છે. મંદિરે માતાઓ અને બહેનો માતાજીને શણગાર, લાપસી તેમજ ખીર ધરાવે છે તો પુરુષો શ્રીફળ વધેરે છે. વર્ષો પહેલા લોકો અહિં બકરાની માનતા લઈને આવતા અને પશુ બલી ચડાવતા હતા જે અંધશ્રદ્ધા ખડેશ્રી બાપુએ લોકોને સત્ય સમજાવી સદંતર બંધ કરાવી છે.
મંદિરે લાપસી, ખીર, પુરી અને શાકાહારી ભોજનના નૈવેદ્ય જ ધરવામાં આવે છે. ખારાની ખોડિયાર માતાજીમાં ખારવા સમાજના લોકો વિશેષ આસ્થા ધરાવે છે તો આસપાસના ગામનાં કારડીયા રાજપૂત સમાજના લોકો પણ અહીં દર્શને તેમજ માનતા લઈને આવે છે. કોડીનાર સહિત સમગ્ર ગીર સોમનાથ જિલ્લાનાં અઢારેય વર્ણનાં લોકો ખારાની ખોડિયારમાં શ્રદ્ધા ધરાવે છે. મા ખોડીયાર વાંઝિયાપણાનું મેણું ટાળનાર છે. ખોળાનો ખૂંદનાર દેનાર છે.
અહીં ખોડિયાર જયંતિ અને ખડેશ્રી બાપુની તિથિના દિને હજ્જારો ભક્તો આવે છે અને માતાજીના દર્શન કરી ધન્ય બને છે. આસપાસના ગામના લોકો નિયમિત માતાજીના દર્શને આવે જ છે. તો અનેક ભક્તો અહીં ઉત્સવ દરમ્યાન જુદી જુદી સેવા નિભાવી ધન્યતાનો અહેસાસ કરે છે.