ભારતીય ક્રિકેટર જસપ્રીત બુમરાહે ગયા મહિને બોર્ડર ગાવસ્કર ટ્રોફી (BGT)માં પોતાના પ્રદર્શનથી દરેકના દિલ જીતી લીધા હતા. આ તરફ હવે જસપ્રીત બુમરાહને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં હવે બુમરાહને ICC તરફથી તેની મહેનતની ભેટ મળી શકે છે. તેને ICC ‘પ્લેયર ઓફ ધ મંથ’ માટે નોમિનેટ કરવામાં આવ્યો છે. આ યાદીમાં ત્રણ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાંથી એક ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ છે.
શાનદાર રહ્યું બુમરાહનું પ્રદર્શન
જસપ્રીત બુમરાહે ડિસેમ્બરમાં ત્રણ ટેસ્ટમાં 14.22ની એવરેજથી 22 વિકેટ લીધી હતી. આ 31 વર્ષીય ફાસ્ટ બોલરે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં પાંચ ટેસ્ટમાં કુલ 32 વિકેટ લીધી હતી. બુમરાહ ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં રમાયેલી પાંચમી અને અંતિમ ટેસ્ટમાં યજમાન ટીમની બીજી ઈનિંગમાં પીઠ જકડાઈ જવાને કારણે બોલિંગ કરી શક્યો નહોતો. બુમરાહે બ્રિસ્બેન અને મેલબોર્નમાં નવ-નવ વિકેટ લીધી હતી જેના કારણે ભારત યજમાન ટીમને આકરો પડકાર આપવામાં સફળ રહ્યું હતું.
આ આફ્રિકન ખેલાડીઓ પણ છે સામેલ
બુમરાહને મહિનાના સર્વશ્રેષ્ઠ ખેલાડીના પુરસ્કારની રેસમાં ઓસ્ટ્રેલિયાના સુકાની પેટ કમિન્સ અને દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર ડેન પેટરસન તરફથી સખત પડકારનો સામનો કરવો પડશે. કમિન્સના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની શ્રેણી 3-1થી જીતી હતી. ફાસ્ટ બોલર કમિન્સે ડિસેમ્બરમાં ભારત સામેની ત્રણ ટેસ્ટમાં 17.64ની એવરેજથી 17 વિકેટ લીધી હતી. કમિન્સે એડિલેડમાં 57 રનમાં પાંચ વિકેટ લઈને મહિનાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.
કમિન્સનું શાનદાર પ્રદર્શન
ઓસ્ટ્રેલિયાના સુકાની પેટ કમિન્સે પણ તેની ટીમ માટે મહત્વના પ્રસંગોએ બેટથી યોગદાન આપ્યું હતું. તેણે મેલબોર્નમાં 49 અને 41 રનની ઉપયોગી ઇનિંગ્સ પણ રમી હતી. પેટરસનની વાત કરીએ તો તેણે શ્રીલંકા અને પાકિસ્તાન સામે શાનદાર બોલિંગ કરીને પોતાની ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે બે ટેસ્ટમાં 16.92ની એવરેજથી 13 વિકેટ લીધી, જેનાથી દક્ષિણ આફ્રિકાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવામાં મદદ મળી, જ્યાં તેનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે.