આ વર્ષે દેવઉઠી એકાદશીનું વ્રત 12મી નવેમ્બરે આવશે. દેવઉઠી એકાદશી કારતક મહિનાની શુક્લ પક્ષમાં આવતી બીજી એકાદશીએ ઉજવવામાં આવે છે. આ દિવસને દેવોત્થાન એકાદશી પણ કહેવામાં આવે છે. આ એકાદશીનું આગવું મહત્વ છે. હિન્દુ ધર્મની માન્યતા અનુસાર આ દિવસે વિષ્ણુ ભગવાન ચાર મહિના સુધી ઊંઘ્યા બાદ જાગે છે. આ ચાર મહિનામાં ભગવાન વિષ્ણુના દેવ શયનને કારણે તમામ પ્રકારના શુભ કાર્યો વર્જિત માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુના જાગ્યા બાદ તમામ શુભ કાર્યો સંપન્ન થાય છે. આ દિવસે વ્રત અને કથા સાંભળવાનું મહત્વ છે.
દેવઉઠી એકાદશીની તિથિ અને મુહૂર્ત
આ વર્ષની કારતક માસની શુક્લ પક્ષએ એકાદશી 11મી નવેમ્બરના રોજ સાંજે 6:46 વાગ્યાથી લઈ 12 નવેમ્બરે સાંજે 04:04 વાગ્યા સુધી દેવઉઠી એકાદશી રહેશે. 12 નવેમ્બરે ઉદય તિથિ હોવાથી આ દિવસે દેવુથની એકાદશીનું વ્રત કરવામાં આવશે. જ્યારે તેનું પારણ 13 નવેમ્બરે સવારે 6:42 થી 8:51 વચ્ચે કરાશે.
દેવઉઠી એકાદશી પૂજાવિધિ
દેવઉઠી એકાદશીના દિવસે સવારે વહેલા ઊઠીને સૂર્યોદય પહેલાં સ્નાન કરવું જોઈએ. ત્યાર બાદ શેરડીનો મંડપ બનાવો અને વચ્ચે એક ચોક બનાવો. ચોકની વચ્ચે વિષ્ણુ ભગવાનનું ચિત્ર કે મૂર્તિ રાખવી. ચોકમાં ભગવાનના પગના નિશાન પણ બનાવવામાં આવે છે, જેને ઢાંકીને રાખવાનો નિયમ છે. શેરડી, શિંગોડા અને પીળા ફળો અને મીઠાઈઓ ભગવના વિષ્ણુને અર્પણ કરવામાં આવે છે. ત્યાર બાદ ઘીનો દીવો પ્રગટાવો અને તેને આખી રાત રાખવો. ત્યાં બેસીને વિષ્ણુ પુરાણ અને વ્રત કથા સાંભળવી જોઈએ.
દેવઉઠી એકાદશીના નિયમો
દેવઉઠી એકાદશી પર અમુક નિયમોનું પાલન કરવું જરૂરી છે. આ દિવસે ફક્ત નિર્જળ અથવા જળીય પદાર્થથી જ ઉપવાસ કરવો જોઈએ. જો ઉપવાસ કરનાર વ્યક્તિ દર્દી, વૃદ્ધ, બાળક અથવા વ્યસ્ત વ્યક્તિ હોય તો તે ફક્ત એક વેળાનો જ ઉપવાસ કરી શકે છે. આ દિવસે ચોખા અને મીઠું ખાવાનું ટાળવું. આ દિવસે તામસિક ખોરાક જેમ જે ડુંગળી, લસણ, માંસ, દારૂ અથવા વાસી ખોરાક બિલકુલ ન લેવો જોઈએ.
દેવઉઠી એકાદશીની કથા
હિન્દુ શાસ્ત્રની કથા અનુસાર, એક રાજ્યમાં એકાદશીના દિવસે પ્રજાથી લઈને પશુઓ સુધી કોઈ ભોજન નહતું કરતું. એક દિવસ વિષ્ણુ ભગવાને રાજાની કસોટી લેવાનું વિચાર્યું અને એક સુંદર સ્ત્રીનો વેશ ધારણ કરીને રસ્તાના કિનારે બેસી ગયા. જ્યારે રાજાની ભેટ સુંદરી સાથે થઈ ત્યારે તેને ત્યાં બેસવાનું કારણ પૂછ્યું. તે સુંદર સ્ત્રીએ જણાવ્યું કે તે નિરાધાર છે. રાજા તેની સુંદરતા જોઈને મુગ્ધ થઈ ગયો હતો જેથી તેને કહ્યું કે તું રાણી બનીને મહેલમાં મારી સાથે આવ.
સુંદર સ્ત્રીએ રાજા સામે એક શરત મૂકી કે જો તેને સમગ્ર રાજ્યનો અધિકાર આપવામાં આવે તો જ તે આ પ્રસ્તાવને સ્વીકારશે અને તે જે કંઈ બનાવશે તે રાજાએ ખાવું પડશે. રાજાએ શરત સ્વીકારી. બીજા દિવસે એકાદશી પર સુંદરીએ અન્ય દિવસોની જેમ બજારોમાં અન્ન વેચવાનો આદેશ આપ્યો. તેને માંસાહારી ખોરાક તૈયાર કર્યો અને રાજાને તે ખાવા માટે મજબૂર કર્યા. રાજાએ જણાવ્યું કે આજે એકાદશી વ્રત હોવાથી હું માત્ર ફળ જ ખાઉં છું. રાણીએ રાજાને શરતની યાદ અપાવી અને કહ્યું કે જો તે માંસાહારી ભોજન નહીં ખાય તો તે મોટા રાજકુમારનું માથું ધડથી અલગ કરી દેશે.
રાજાએ પરિસ્થિતિ મોટી રાણીને જણાવી. મોટી રાણીએ રાજાને તેના ધર્મનું પાલન કરવાનું જણાવ્યું, જેથી તે તેમાં પુત્રનું માથું કાપી નાખવા સંમત થઈ ગઈ. રાજા હતાશ હતો તે સુંદરીની વાત માની રાજકુમારનું માથું આપવા સંમત થયો ગયો. સુંદરીના રૂપમાં ભગવાન વિષ્ણુ રાજાનું ધર્મ પ્રત્યેનું સમર્પણ જોઈને પ્રસન્ન થયા અને તેઓ પોતાના વાસ્તવિક સ્વરૂપમાં રાજાને દર્શન આપ્યાં.
જ્યાં વિષ્ણુ ભગવાને જણાવ્યું કે, તમે મારી પરીક્ષામાં સફળ થયા છો, મને જણાવો કે તમને શું વરદાન જોઈએ છે? રાજાએ આ જીવન માટે ભગવાનનો આભાર માન્યો અને કહ્યું હવે મારો ઉદ્ધાર કરો. રાજાની પ્રાર્થના વિષ્ણુ ભગવાને સ્વીકારી અને તેમના મૃત્યુ બાદ તેમને વૈકુંઠમાં લઇ ગયા.
