અમદાવાદની જીવરાજ મહેતા હોસ્પિટલથી જીવરાજ ચાર રસ્તા જતા મુખ્ય માર્ગ પર મલાવ તળાવની બાજુમાં મા અંબાનું વિશાળ મંદિર આવેલું છે. લોકવાયકા મુજબ વર્ષો પહેલા વાસણા ગામના ખેતરમાં આવેલા કુવામાંથી માતાજીની મૂર્તિ નીકળી હતી.
ગુજરાતમાં અંબે માતાજીના અનેક મંદિરો આવેલા છે. તે મંદિરોમાં અમદાવાદમાં આવેલા વાસણાના મંદિરનો ઇતિહાસ અનોખો છે. વાસણામાં આવેલું અંબાજી માતાનું મંદિર આશરે 50 વર્ષ જુનું છે. જ્યાં વાવમાં બિરાજમાન અંબે માતાજી વાસણાના કુળદેવી તરીકે બિરાજમાન છે. અમદાવાદની જીવરાજ મહેતા હોસ્પિટલથી જીવરાજ ચાર રસ્તા જતા મુખ્ય માર્ગ પર મલાવ તળાવની બાજુમાં મા અંબાનું વિશાળ મંદિર આવેલું છે. લોકવાયકા મુજબ વર્ષો પહેલા વાસણા ગામના ખેતરમાં આવેલા કુવામાંથી માતાજીની મૂર્તિ નીકળી હતી. વાસણા ગામના રહેવાસી ગોવિંદભાઈ પટેલને માતાજી સ્વપનમાં આવ્યા હતા અને કહ્યું હતું કે હું કુવામાં છું મને બહાર કાઢો, ત્યારે ગોવિંદભાઈએ માતાજીની મૂર્તિ કુવામાંથી બહાર કાઢી હતી અને વાવની બાજુમાં માતાજીની સ્વયંભૂ મૂર્તિની ઘામઘુમ પૂર્વક ૧૯૭૫માં સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી ભાવિકો દુરદુરથી વાસણામાં બિરાજમાન મા અંબાના દર્શન કરવા આવે છે.
અમદાવાદના વાસણામાં બિરાજમાન મા અંબાજી
અંબાજી મંદિર મુખ્ય રોડથી 20 ફૂટ ઊંડું છે માતાજી વાવમાં બિરાજમાન છે એટલે માં અંબા વાવવાળી તરીકે ઓળખાય છે. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યારે અંબાજીની નવી મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. હાલમાં વર્ષો જૂની મુખ્ય મૂર્તિની બાજુમાં નવી મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. સમગ્ર મંદિરને કાચથી બનાવેલી સુંદર ડિઝાઇન દ્વારા સુશોભિત કરવામાં આવ્યું છે. રંગબેરંગી લાલ,લીલા,પીળા કાચથી મંદિરને શણગારવામાં આવ્યું છે અને વિશેષ કોતરણી કરવામાં આવી છે મંદિરના ઘુમટ્ટમાં માતાજીની વિવિધ પ્રકારના સ્વરૂપોની છબીઓ બનાવવામાં આવી છે. મા અંબા વાસણા ગામના લેઉવા પટેલ સમાજના કુળદેવી છે. મંદિરમાં માતાજીની વર્ષો પહેલાની છબીઓ મૂકવામાં આવી છે. વૈષ્ણોદેવી, બહુચરાજી, સંતોષીમા, બ્રહ્માણીમા, મહાકાળીમા,ચામુંડા મા, શિવપાર્વતીજી, ખોડીયાર મા, નવદુર્ગામા, સરસ્વતીમા, અને ગાયત્રી માની સુંદર છબીઓથી મંદિર શોભાયમાન છે. મંદિરની સ્થાપના થઈ ત્યારથી આ છબીઓ અહીંયા સ્થાપિત કરવામાં આવી છે. દોઢ વિધામાં ફેલાયેલા અંબાજી મંદિર પરિસરમાં કુવાની પાસે વર્ષો જૂનો એક પીપળો આવેલો છે. ભાવિકો વાવમા બિરાજમાન માતાજીના દર્શન કરી પીપળાના પણ અચૂક દર્શન કરે છે અને ધન્યતા અનુભવી નવી શક્તિના સંચાર સાથે ઘરે જાય છે. અંબાજી મંદિરના પ્રાંગણમાં એક શિવાલય આવેલું છે. જ્યાં ભગવાન શિવની સાથે જ ભગવાન ગણપતિને પણ બિરાજમાન કરવામાં આવ્યા છે. શ્રાવણ મહિનામાં મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. મંદિરે આવતા તમામ ભક્તો શિવજીના દર્શન કરી દુધ, જળ, કાળતલ, અને બીલીપત્ર ભગવાનને અર્પણ કરે છે.
રવિવારે અંબા માના મંદિરે દર્શનાર્થીઓની ભારે ભીડ જામે છે
મંદિરમાં શ્રી અંબાજી માતાજી ટ્રસ્ટ અન્નક્ષેત્ર ચલાવે છે. તેમાં વર્ષના 365 દિવસ ભંડારે કરવામાં આવે છે. માતાજીને અન્નકૂટ ધરાવ્યા બાદ સવારે 150થી વધુ લોકો અન્યક્ષેત્રનો લાભ લે છે. જેમાં દૂધપાક, પૂરી, શાક,દાળ, ભાત, મોહનથાળ અને ફ્રુટ આપવામાં આવે છે. અંબાજી માતા મંદિરના ટ્રસ્ટમાં દાનમાટે દાતાઓને રાહ જોવી પડે છે. ભંડારાના દાન માટે ૬ મહિના સુધી રાહ જોવી પડે છે. મંદિરમાં ભારત બહાર રહેતા ભાવિકો પણ દાન દક્ષિણા આપી પુન્યનુ કામ કરે છે. વાસણા ગામના વિદેશમાં સ્થાયી થયેલા મા અંબા પર અતૂટ શ્રદ્ધા રાખતા ભક્તજનો પણ મંદિરમાં સેવારૂપે ફાળો આપી ધન્યતા અનુભવે છે. રવિવારે અંબા માના મંદિરે દર્શનાર્થીઓની ભારે ભીડ જામે છે. શ્રદ્ધાળુઓનો પ્રવાહ વહેલી સવારથી વાસણા મંદિરે બિરાજમાન આદ્યશક્તિની આરાધના માટે વહેતો જોવા મળે છે. જે ભક્તો મોટા અંબાજી દર્શને જઇ શકતા નથી તે ભક્તો વાસણાના અંબાજી મા ના દર્શન કરી ધન્ય બને છે.
