જે લોકો એકાદશીનું વ્રત કરે છે તેમના માટે દેવઉઠી અગિયારસનાં વ્રત અને પૂજાનાં નિયમો જાણવા ખૂબ જરૂરી છે. નિયમોનું પાલન કરવાથી તમારી મનોકામનાઓ પૂરી થાય છે. આ વખતે દેવઊઠી અગિયારસ 12મી નવેમ્બરે એટલે કે આવતીકાલે છે.
હિન્દુ ધર્મની માન્યતા અનુસાર આ દિવસે વિષ્ણુ ભગવાન ચાર મહિના સુધી ઊંઘ્યા બાદ જાગે છે. આ ચાર મહિનામાં ભગવાન વિષ્ણુના દેવ શયનને કારણે તમામ પ્રકારના શુભ કાર્યો વર્જિત માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુના જાગ્યા બાદ તમામ શુભ કાર્યો સંપન્ન થાય છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દેવઉઠી એકાદશીનું ઘણું મહત્વ છે અને આ દિવસને તુલસીનું પ્રતિક માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવઉઠી એકાદશીના દિવસે ભગવાન શાલિગ્રામ અને માતા તુલસી સાથે વિવાહ થાય છે.
સાથે જ એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે તેમને વિવિધ પ્રકારના પ્રસાદ ચઢાવવાનો નિયમ છે. આ દિવસે ભગવાન વિષ્ણુને પંચામૃત અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. દૂધ, દહીં, ખાંડ, ઘી, મધ અને ઝીણા સમારેલા ડ્રાયફ્રૂટ્સને મિક્સ કરીને પંચામૃત તૈયાર કરો અને પછી ભગવાન વિષ્ણુને અર્પણ કરો.
સાથે જ તમે એકાદશીની પૂજામાં ફળોનો પણ સમાવેશ કરી શકો છો. આ સિવાય ભગવાન વિષ્ણુને તુલસીના પાન ખૂબ જ પ્રિય છે. તમે ભગવાન વિષ્ણુના ચરણોમાં તુલસીના પાન અર્પણ કરી શકો છો. આ સિવાય તમે ખીર, હલવો અને બીજી ઘરે બનાવેલી મીઠાઈઓનો ભોગ પણ ચઢાવી શકો છો.