અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીને હવે ગણતરીના કલાકો જ બાકી છે. ઘણા રાજ્યોમાં એડવાન્સ વોટિંગને વેગ મળ્યો છે. અમેરિકામાં આ ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ છે, જેના કારણે વહેલા મતદાનને જોરદાર પ્રોત્સાહન મળ્યું છે. અમેરિકન ભારતીયો પણ આ ચૂંટણીને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને તેઓ અલગ-અલગ મુદ્દાઓ પર અલગ-અલગ નેતૃત્વને પસંદ કરી રહ્યાં છે. ભારતીય અમેરિકન લોકો માટે હાલમાં મોંઘવારી અને ઇમિગ્રેશન પોલિસી સૌથી મોટા મુદ્દા છે જેના પર તેઓ નજર રાખી રહ્યા છે અને આને ધ્યાનમાં રાખીને તેઓ અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરી રહ્યા છે.
ચાલો જાણીએ ટ્રમ્પ vs કમલા હેરિસની આ લડાઈમાં, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરવા જઈ રહેલા NRI અથવા અમેરિકન ભારતીયોનું વલણ શું છે અને તેમના મુદ્દા શું છે.
શું છે અમેરિકન ભારતીયોના મહત્ત્વના મુદ્દા
ન્યુ જર્સીના એક મોટા બિઝનેસમેન અને ઈન્ડિયન કોમ્યુનિટી ગ્રુપમાં સક્રિય વ્યક્તિએ જણાવ્યું કે ‘અમારા માટે સૌથી મોટો મુદ્દો એ છે કે ભારતીય અમેરિકન મૂળના લોકોનું પ્રતિનિધિત્વ સરકારમાં વધે અને બીજો સૌથી મોટો મુદ્દો એ છે કે કાનૂની ઈમિગ્રેશન કેવી રીતે વધારવું, જેથી વધુથી વધુ લોકોને અમેરિકામાં કામ કરવાની તક મળે. કાનૂની ઇમિગ્રેશન દ્વારા તમને ખબર હોય છે કે તમારા દેશમાં કોણ આવી રહ્યું છે અને તેઓ શું કરવા આવી રહ્યા છે અને અમે ઇચ્છીએ છીએ કે તેને પ્રોત્સાહન મળે.’ તો રિયલ એસ્ટેટ ક્ષેત્રના મોટા ઉદ્યોગપતિએ કહ્યું, ‘અમને અમારા ક્ષેત્ર માટે બંને પ્રકારના લોકોની જરૂર છે, જેમાં સ્કિલ્ડ લેબર અને અન-સ્કિલ્ડ લેબરની જરૂર છે અને જ્યાં સુધી રિયલ એસ્ટેટમાં અન-સ્કિલ્ડ લેબરની વાત છે તેઓ મોટે ભાગે માત્ર ગેરકાયદેસર ઇમિગ્રેન્ટ્સમાં જ વધારે મળે છે. અમને નથી લાગતું કે ગેરકાયદેસર ઇમિગ્રેશન બહુ ખરાબ બાબત છે.’ તેમણે વધુમાં કહ્યું કે જો અમારા ખિસ્સાના દૃષ્ટિકોણથી જોઈએ તો, ટ્રમ્પ અમારા માટે વધુ સારા છે કારણ કે તે અમારા ટેક્સમાં ઘટાડો કરે છે અને તેમણે તે પહેલા પણ કર્યું છે, એટલે કે અમારા ખિસ્સામાં વધુ પૈસા આવે છે પરંતુ લાંબા ગાળે, તે અમેરિકા માટે ખૂબ જ ખરાબ સાબિત થઈ શકે છે.
આ ચૂંટણીમાં પોતાનો મત આપી ચૂકેલ અમેરિકામાં રહેતી ભારતીય મૂળની વ્યવસાયે બેંકર અને ગૃહિણીએ કહ્યું કે તે ટ્રમ્પને મત એટલા માટે નહીં આપે કારણ કે તેની નીતિઓ અને જે રીતે તે મહિલાઓનું સન્માન નથી કરતા તે એક મોટું કારણ છે. તેણીનું કહેવું છે કે તે મહિલા અધિકારોને લઈને ટ્રમ્પનું સમર્થન કરતી નથી કારણ કે તેની બે દીકરીઓ છે. તેમણે કહ્યું કે તે ઇમિગ્રેશન નીતિના મુદ્દે પણ ટ્રમ્પને સમર્થન આપતા નથી. તે કહે છે કે અમે પણ ભારત છોડીને અહીં સ્થાયી થયા અને અહીં કામ કર્યું, તો શા માટે અમે બીજા પાસેથી તે તક છીનવીએ. તેઓ કહે છે કે કાનૂની ઇમિગ્રેશનને પ્રોત્સાહન આપવું જોઈએ અને કમલા હેરિસ ભારતીય મૂળની છે અને તેની નીતિઓ પસંદ છે કારણ કે તેમણે વહીવટનો અનુભવ છે.
એક જાણીતા કાર્ડિયોલોજિસ્ટ, જેમને અમેરિકન ચૂંટણીમાં ખૂબ જ રસ છે, તેમણે પણ એડવાન્સમાં પોતાનો મત આપી દીધો છે અને આ ચૂંટણીમાં તેમના ઝુકાવ અને મુદ્દાઓ વિશે જણાવતા તેમણે કહ્યું, ‘મારી પાસે આવનારા તમામ દર્દીઓ કહે છે કે મોંઘવારી વધી ગઈ છે અને જીવનરક્ષક દવાઓના ભાવ ઘણા વધી ગયા છે જેના કારણે લોકો ઘણી દવાઓ નથી ખરીદી રહ્યા. તે પૈસાથી તેઓ કરિયાણાની ખરીદી કરી રહ્યા છે, જેનું મુખ્ય કારણ છે ઓપન બોર્ડર, જેના કારણે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અમેરિકા આવી રહ્યા છે. બીજો મોટો મુદ્દો યૂક્રેન, રશિયા યુદ્ધ અને ઇઝરાયલ યુદ્ધ, જેના કારણે પણ વૈશ્વિક બજાર પ્રભાવિત થયું છે. તેથી મોટાભાગના લોકો અને અમે માનીએ છીએ કે જો ટ્રમ્પ સત્તામાં આવશે તો આ પરિસ્થિતિઓ પર રોક લગાવવામાં આવશે અને મોંઘવારી પણ નિયંત્રિત થશે. તેઓ કહે છે કે આ ચૂંટણી અમેરિકા અને સમગ્ર વિશ્વ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે જેથી કરીને ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વધુ સારા અને મજબૂત બને કારણ કે વડાપ્રધાન મોદી સાથે ટ્રમ્પના સંબંધો ઘણા સારા છે.