મહાશિવરાત્રી હિન્દુ પંચાંગ મુજબ ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવની શ્રદ્ધાપૂર્વક પૂજા અને આરાધના કરવાથી જીવનમાં સુખ અને શાંતિ આવે છે. દરેક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી પર માસિક શિવરાત્રી મનાવવામાં આવે છે, પણ ફાગણ મહિનાની કૃષ્ણ ચતુર્દશી પર આવતી શિવરાત્રીને મહાશિવરાત્રી કહેવામાં આવે છે. જે શિવભક્તો માટે વિશેષ પર્વછે. આ વર્ષે મહાશિવરાત્રી 26 ફેબ્રુઆરી 2025ના રોજ ઉજવવામાં આવશે. આવો જાણીએ એવી કઈ વસ્તુઓ છે જે શિવલિંગ પર ચઢાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે.
1. ગંગા જળ
હિંદુ ધર્મમાં ગંગાજળને અત્યંત પવિત્ર અને દિવ્ય ગણવામાં આવે છે. કહેવામાં આવે છે છે કે મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર ગંગા જળ ચઢાવવાથી ભગવાન શિવ દરેક મનોકામનાઓ પૂરી કરે છે.
2. ગાયનું દૂધ
હિન્દુ ધર્મમાં ગાયને માતા ગણવામાં આવે છે અને તેનું દૂધ શુદ્ધતાનું પ્રતિક માનવામાં આવે છે. શિવલિંગ પર દૂધ ચઢાવવાથી ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
3. બીલીપત્ર
ત્રણ પાંદડાવાળું બીલીપત્ર માતા પાર્વતીનું પ્રતિક છે. શિવલિંગ પર ‘ઓમ નિલકંઠાય નમઃ’ મંત્ર ઉચ્ચારણ સાથે બીલીપત્ર ચઢાવવાથી આરોગ્ય અને દીર્ઘાયુ જીવન પ્રાપ્ત થાય છે.
4. શેરડીનો રસ
શિવજીને મીઠાશ અતિ પ્રિય છે. શિવલિંગ પર શેરડીનો રસ ચઢાવવાથી જીવનમાં મીઠાશ અને સુખ મળે છે. સાથે ‘ઓમ શંકરાય નમઃ’ મંત્રનો જાપ કરવો.
5. ધતૂરો
‘ઓમ મહાકાલય નમઃ’ મંત્રનો જાપ કરીને સાથે ધતૂરો ચઢાવવાથી દુઃખોનો નાશ થાય છે અને નકારાત્મક ઊર્જાથી મુક્તિ મળે છે.
6. આકડાનું ફૂલ
આકડાનું ફૂલ શિવજી માટે પવિત્ર માનવામાં આવે છે. શિવલિંગ પર ‘ઓમ રુદ્રાય નમઃ’ મંત્રના જાપ સાથે આકડાનું ફૂલ ચઢાવવાથી દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે.
7. ભાંગના લીલા પાન
શિવલિંગ પર ‘ઓમ ત્ર્યંબકાય નમઃ’ મંત્ર સાથે ભાંગની પાંદડીઓ ચઢાવવાથી મન શાંત થાય છે અને શિવજીની કૃપા મળે છે.