આજકાલ લોકો વચ્ચે સૌથી વધુ ચર્ચાનો વિષય સલમાન ખાન છે, તાજેતરમાં જ અભિનેતાના સૌથી નજીકના મિત્ર બાબા સિદ્દીકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ ઘટનાની સંપૂર્ણ જવાબદારી લીધી છે, આટલું જ નહીં સલમાન ખાનને પણ ધમકીઑ મળી રહી છે. આ બધા વચ્ચે સલમાને બિગ બોસ 18 માટે શૂટિંગ કર્યું હતું.
તાજેતરમાં જ લોરેન્સ બિશ્નોઈના નજીકના સહયોગીએ મુંબઈ ટ્રાફિક પોલીસને સલમાનને લઈને ધમકીભર્યો સંદેશ મોકલ્યો હતો. આ મેસેજમાં સલમાન ખાનને ધમકી અને 5 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. આવી પરિસ્થિતિમાં પણ સલમાને તાજેતરમાં બિગ બોસ 18ના વીકેન્ડ કા વાર માટે શૂટિંગ કર્યું હતું, જેનો પ્રોમો તાજેતરમાં જ રિલીઝ થયો છે.
જો કે આ દરમિયાન સેટ પર સલમાનની સુરક્ષા માટે 60 ગાર્ડને એલર્ટ પર રાખવામાં આવ્યા હતા.અગાઉ એવું માનવામાં આવતું હતું કે સુરક્ષાના કારણોસર સલમાન આ વખતે ‘વીકેન્ડ કા વાર’નું શૂટિંગ નહીં કરે. પરંતુ તેણે શૂટિંગ માટે ફિલ્મસિટી પહોંચીને બધાને ચોંકાવી દીધા એટલું જ નહીં, ભારે સુરક્ષા વચ્ચે સમયસર શોનું શૂટિંગ પણ પૂરું કર્યું.
સલમાનની વાત કરીએ તો તે ગુરુવારે મોડી રાત્રે બિગ બોસના સેટ પર પહોંચ્યો હતો. આ દરમિયાન અભિનેતાની સાથે કડક સુરક્ષા બંદોબસ્ત હાજર હતો. સાથે જ એમ પણ જાણવા મળ્યું હતું કે આ સમયે બહારના લોકોને સેટ પર આવવા દેવામાં નહતા આવ્યા. આ સાથે જ બિગ બોસ 18ના ક્રૂને શૂટિંગ પૂર્ણ ન થાય ત્યાં સુધી સ્થળ પર જ રહેવાની સૂચના આપવામાં આવી હતી.