બાબા સિદ્દીકીની હત્યા બાદ બોલિવૂડના દબંગ એક્ટર સલમાન ખાન અને જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ વચ્ચેની દુશ્મનાવટની ચર્ચાએ ફરી જોર પકડ્યું છે. આ દરમિયાન મુંબઈ પોલીસને આ ગેંગના નામે ધમકીભર્યો મેસેજ મળ્યો હતો, જેમાં 5 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે સલમાન ખાનની હાલત બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ થશે. આ તમામ વિવાદો વચ્ચે સલીમ ખાને સ્પષ્ટપણે કહી દીધું છે કે તેમનો પુત્ર સલમાન ખાન ક્યારેય માફી નહીં માંગે.
જણાવી દઈએ કે લોરેન્સ બિશ્નોઈ ગેંગ સલમાન ખાનના ઘર પર હુમલો કરી ચુકી છે અને તેમને ધમકી પણ આપી ચુકી છે. તાજેતરમાં જ આ હુમલા સાથે જોડાયેલા એક ગુનેગારની હરિયાણામાંથી ધરપકડ કરવામાં આવી હતી. લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકીઓનો સિલસિલો શરૂ થયા બાદ સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. સલમાન ખાન દરેક જગ્યાએ પોલીસના ઘેરા હેઠળ જોવા મળે છે.
એક ઇન્ટરવ્યુમાં સલીમ ખાને સ્પષ્ટ શબ્દોમાં કઈ દીધું કે કે સલમાન ખાન માફી નહીં માંગે. તેમણે કહ્યું કે સલમાને ક્યારેય પ્રાણીઓનો શિકાર કર્યો નથી. તેમણે કહ્યું કે સલમાન ખાનને જે ધમકીઓ મળી રહી છે તે માત્ર વસૂલી માટે છે. સલીમ ખાને કહ્યું, “સલમાને ક્યારેય કોઈ જાનવરને નથી માર્યું. સલમાને ક્યારેય સામાન્ય વંદો પણ માર્યો નથી. અમે હિંસામાં માનતા નથી.”
સલીમ ખાને સલમાન ખાનને મારી નાખવાની ધમકીઓ વિશે વાત કરી એ દરમિયાન સલીમ ખાનની આંખોમાં આંસુ જોવા મળ્યા. તેમણે કહ્યું- ‘આજે બધી જ વાતો પતાવી દો, પછી તક મળે કે ન મળે. લોકોએ કહી રાખ્યું છે કે છોડશે નહીં, છોડશે નહીં. કોઈ તો સફળ થશે. હું કોઈથી ડરતો નથી, હું ખૂબ જ આરામદાયક છું. કોઈ સમસ્યા નથી.’
અમે જીવ-જંતુઓ પણ નથી મારતા: સલીમ ખાન
સલીમ ખાને કહ્યું, “લોકો અમને કહે છે કે તમે હંમેશા નીચે જમીન પર જુઓ છો. તમે ખૂબ નમ્ર છો. હું તેમને કહું છું કે આ શરમની વાત નથી. મને ડર છે કે કોઈ જીવડું પણ મારા પગ નીચે આવીને ઘાયલ થઈ જશે. હું તેમને પણ બચાવીને રાખું છું.” સલીમ ખાને કહ્યું કે બીઇંગ હ્યુમને ઘણા લોકોને મદદ કરી છે. કોવિડ પછી તેમાં ઘટાડો થયો, પરંતુ એ પહેલા દરરોજ લાંબી કતારો લાગતી હતી. કેટલાકને સર્જરીની જરૂર હતી, કેટલાકને અન્ય મદદની જરૂર હતી. દરરોજ ચારસોથી વધુ લોકો મદદની આશામાં આવતા હતા.