ઓડિશાના ભુવનેશ્વરમાં આવેલા લિંગરાજ મંદિરની ઓળખ ૧૨ જ્યોતિર્લિંગોના રાજા તરીકે થાય છે. અહીં ભગવાન લિંગરાજની સ્થાપના છે અને આ મંદિરમાં મહાશિવરાત્રિનો પર્વ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. મંદિરના પ્રાંગણમાં અંદાજે ૧૫૦ નાનાં-મોટાં મંદિરો સ્થિત છે. માન્યતા છે કે આ મંદિરનું નિર્માણ સોમવંશી રાજા યયાતિ પ્રથમ દ્વારા કરવામાં આવ્યું હતું. અહીં લિંગરાજ સ્વયંભૂ છે. કહેવાય છે કે આ દુનિયાનું એકમાત્ર એવું મંદિર છે, જ્યાં ભગવાન શિવને બીલીપત્ર સાથે તુલસી દળ પણ અર્પણ કરવામાં આવે છે. આ પાછળનું કારણ એ છે કે આ મંદિરમાં ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ એકસાથે બિરાજમાન છે.
લિંગરાજ મંદિર અને તેની માન્યતાઓ
કહેવાય છે કે લિંગરાજ મંદિરને અંદાજે ૭મી સદીમાં રાજા યયાતિ કેશરીએ બંધાવ્યું હતું. માન્યતા મુજબ, દરરોજ આશરે ૬ હજાર ભક્તો અહીં દર્શન માટે આવે છે. કહેવાય છે કે જે કોઈ ભક્ત અહીં આવીને ભગવાન શિવના દર્શન કરે છે, તેનું જીવન સફળ બને છે અને તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ મંદિરમાં ગૈર-હિંદૂઓનો પ્રવેશ પ્રતિબંધિત છે, જો કે, મંદિર નજીક એક ઉંચો ચબૂતરો બનાવવામાં આવ્યો છે જેથી અન્ય ધર્મના લોકો પણ મંદિરનું દર્શન કરી શકે.
શિવજી અને વિષ્ણુજીની સાથે પૂજા થાય છે
આ દેશનું એકમાત્ર એવું મંદિર છે, જ્યાં શિવ અને વિષ્ણુ ભગવાનની સાથે પૂજા કરવામાં આવે છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અહીં દર્શન માટે આવે છે. અહીં સ્થાપિત શિવલિંગ ગ્રેનાઇટ પથ્થરથી બનાવવામાં આવ્યું છે. આ મંદિર ૧૫૦ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે અને તેની ઊંચાઈ ૪૦ મીટર છે. મંદિરનો મુખ્ય પ્રવેશદ્વાર પૂર્વ તરફ છે, જ્યારે ઉત્તર અને દક્ષિણ તરફ નાના પ્રવેશદ્વારો છે.
વિશેષ આકર્ષણનું કેન્દ્ર – મરીચી કુંડ
મંદિરની ડાબી તરફ એક નાનું કુંડ આવેલું છે, જેને મરીચી કુંડ તરીકે ઓળખવામાં આવે છે. માન્યતા છે કે અહીં સ્નાન કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે. દાવો કરવામાં આવે છે કે આ મંદિરની આસપાસથી એક નદી પસાર થાય છે, જેના પાણીથી મંદિરનું બિંદુસાર સરોવર ભરાય છે. જે કોઈ આ સરોવરમાં સ્નાન કરે, તેના શારીરિક અને માનસિક દર્દ તેમજ રોગો દૂર થઈ જાય છે. મંદિરથી વહેતા પવિત્ર જળને સંતો, ભક્તો અને ભિક્ષુકો વચ્ચે વહેંચવામાં આવે છે.