અરબસાગરમાં બનેલું ડીપ ડિપ્રેશન ઓમાન તરફ ફંટાઈ જતા આમ તો રાહત મળી છે. પરંતુ આમ છતાં વરસાદ પીછો છોડે તેવું લાગતું નથી. હવામાન ખાતાએ કરતા કહ્યું છે કે કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા સાથે થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે. આ ઉપરાંત વિખ્યાત આગાહીકાર અંબાલાલ પટેલે પણ જે આગાહી કરી છે તે ખાસ જાણો.
હવામાન ખાતાની આગાહી
રાજ્ય હવામાન ખાતાએ મંગળવારે જણાવ્યું કે અરબસાગરમાં બનેલું ડીપ ડિપ્રેશન ઓમાન તરફ ફંટાઈ જતા ગુજરાત ઉપર તેની શક્યતા નહિવત છે. જો કે આમ છતાં આજે રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદર અને નગર હવેલીમાં સામાન્ય વરસાદની શક્યતા છે.
અંબાલાલ પટેલની આગાહી
આગાહીકાર અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી મુજબ ગ્રહોની દ્રષ્ટિ જોતા બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની શક્યતા જોવા મળી રહી છે. 17 ઓક્ટોબરથી અરબસાગરમાં ભારે પવન ફંકાશે. અરબસાગરમા ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે. ડીપ ડિપ્રેશન તોફાનમાં ફેરવાઈ શકે. 22 ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાં વરસાદ રહેશે. દિવાળી આસપાસ પણ વાદળવાયુ રહી શકે છે.
વધુ એક ચક્રવાતની શક્યતા?
અંબાલાલ પટેલની આગાહી મુજબ 7 નવેમ્બર બંગળની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે.17-18-19 નવેમ્બરમાં તીવ્ર ચક્રવાત રહેવાની શક્યતા છે. 29 નવેમ્બર થી 3 ડીસેમ્બર સુધીમાં ઠંડીની શરૂઆત થશે. આ વર્ષે માવઠા વધુ થશે તેવી શક્યતા પણ અંબાલાલે વ્યક્ત કરી છે.
જગતના તાત મુશ્કેલીમાં?
વરસાદની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કેમ કે પહેલા અતિવૃષ્ટિ અને હવે માવઠાની આગાહીથી પણ ચિંતા વધી છે. છેલ્લા બે દિવસથી ગુજરાતના વિવિધ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. સામાન્યથી મધ્યમ વરસાદની સાથે થન્ડર સ્ટોમ એક્ટિવિટી પણ થશે એવી આગાહી છે.