અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના લઘુમતી દરજ્જા પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું છે કે યુનિવર્સિટીના લઘુમતી દરજ્જાને નવેસરથી નક્કી કરવા માટે ત્રણ ન્યાયાધીશોની સમિતિની રચના કરવામાં આવી છે. કોર્ટે આ નિર્ણય 4-3ની બહુમતીથી આપ્યો છે.
કોર્ટનું કહેવું છે કે હવે નવી બેંચ AMUને લઘુમતીનો દરજ્જો આપવાના માપદંડો નક્કી કરશે. આ મામલે CJI સહિત ચાર ન્યાયાધીશોએ સર્વસંમતિથી ચુકાદો આપ્યો છે જ્યારે ત્રણ ન્યાયાધીશોએ અસંમત નોંધ આપી છે. CJI અને જસ્ટિસ પારડીવાલા આ મામલે એકમત છે. જયારે જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માનો નિર્ણય અલગ છે. 4-3ની બહુમતીથી તેના નિર્ણયમાં, કોર્ટે 1967ના નિર્ણયને નકારી કાઢ્યો છે, જે AMUને લઘુમતીનો દરજ્જો નકારવા માટેનો આધાર હતો.
નિર્ણય વાંચતી વખતે CJIએ કહ્યું, લઘુમતી ગણવા માટે શું માપદંડ છે? લઘુમતી ચરિત્રનું ઉલ્લંઘન કરશો નહીં. શૈક્ષણિક સંસ્થાઓનું નિયમન કરી શકાય છે. ધાર્મિક સમુદાય સંસ્થા સ્થાપી શકે છે. જો કે, તેમણે આ ચુકાદામાં વિકસિત સિદ્ધાંતોના આધારે AMUના લઘુમતી દરજ્જાને નવેસરથી નક્કી કરવાનું કામ ત્રણ જજની બેન્ચ પર છોડી દીધું છે.
શું છે ઈતિહાસ અને સમગ્ર વિવાદ?
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની સ્થાપના 1875માં સર સૈયદ અહમદ ખાન દ્વારા મુસ્લિમોના શૈક્ષણિક ઉત્થાન માટે કેન્દ્રની સ્થાપનાના ઉદ્દેશ્ય સાથે ‘અલીગઢ મુસ્લિમ કોલેજ’ તરીકે કરવામાં આવી હતી. બાદમાં, 1920 માં, તેને યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો અને તેનું નામ ‘અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી’ રાખવામાં આવ્યું.
Chief Justice of India DY Chandrachud heading the 7-judge bench says there are four judgements in the case. Four judges give majority verdict, while three judges pass dissent judgement. https://t.co/eK1hDoghik
— ANI (@ANI) November 8, 2024
AMU એક્ટ 1920માં વર્ષ 1951 અને 1965માં કરાયેલા સુધારાને મળેલા કાનૂની પડકારોએ આ વિવાદને જન્મ આપ્યો. સુપ્રીમ કોર્ટે 1967માં કહ્યું હતું કે AMU એક સેન્ટ્રલ યુનિવર્સિટી છે. તેથી તેને લઘુમતી સંસ્થા ગણી શકાય નહીં. કોર્ટના નિર્ણયનો મહત્ત્વનો મુદ્દો એ હતો કે તેની સ્થાપના કેન્દ્રીય અધિનિયમ હેઠળ કરવામાં આવી છે જેથી તેની ડિગ્રીઓની સરકારી માન્યતા સુનિશ્ચિત કરી શકાય. કોર્ટે કહ્યું કે આ કાયદો મુસ્લિમ લઘુમતીઓના પ્રયાસોનું પરિણામ હોઈ શકે છે પરંતુ તેનો અર્થ એ નથી કે યુનિવર્સિટીની સ્થાપના મુસ્લિમ લઘુમતીઓ દ્વારા કરવામાં આવી હતી.
અલ્હાબાદ હાઈકોર્ટે 2005માં આ સુધારાને ફગાવી દીધો હતો
સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી AMUના લઘુમતી ચરિત્રની ધારણા પર સવાલો ઉભા થયા. આ પછી, દેશભરમાં મુસ્લિમ સમુદાય દ્વારા વિરોધ કરવામાં આવ્યો, જેના કારણે વર્ષ 1981માં AMUને લઘુમતીનો દરજ્જો આપતો સુધારો કરવામાં આવ્યો. વર્ષ 2005માં, અલ્હાબાદ હાઈકોર્ટે 1981ના AMU સુધારા અધિનિયમને ગેરબંધારણીય જાહેર કરીને રદ કરી દીધો. 2006માં કેન્દ્ર સરકારે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો. ત્યારબાદ 2016માં કેન્દ્રએ પોતાની અપીલમાં કહ્યું કે લઘુમતી સંસ્થાની સ્થાપના ધર્મનિરપેક્ષ રાજ્યના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. વર્ષ 2019માં તત્કાલિન CJI રંજન ગોગોઈની આગેવાની હેઠળની ત્રણ જજોની બેન્ચે આ કેસ સાત જજોની બેંચને મોકલ્યો હતો. આ અંગેનો નિર્ણય આજે આવવાનો હતો.