અમરેલીની દીકરીની ધરપકડના પડઘા ચારેકોર પડ્યા છે. ત્યારે સુરત માનગઢ ખાતે પરેશ ધાનાણી ધરણાં કરવા બેસવાના હતા. જોકે આની પરમિશન આપવામાં આવી ન હતી. જેને લઇ સુરતનો માનગઢ ચોક પોલીસ છાવણીમાં પરિવર્તિત કરવામાં આવ્યો હતો.
નારી સ્વાભિમાન આંદોલન સમિતિના નેજા હેઠળ પરેશ ધાનાણી માનગઢ ચોક ખાતે ધરણા કરવાન હતા. પરેશ ધાનાણી ધરણા કરે તે પહેલા જ માનગઢ ચોક ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. જોકે પાટીદાર દીકરીના સરઘસનો સુરતમાં વિરોધ કરી રહેલા પરેશ ધાનાણીની અટકાયત કરવામાં આવી હતી. જેમાં ધરણાં શરૂ થાય તે પહેલા જ પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસ દ્વારા તમામ કોંગ્રેસ કાર્યકરોને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા.
પરેશ ધાનાણીએ અગાઉ કર્યા હતા આકરા પ્રહાર
છેલ્લા થોડા સમયથી ગુજરાતના રાજકારણમાં અમરેલીની દીકરીનો મુદ્દો ચર્ચામાં છે. દીકરીની સંવેદનાને કદાચ કોઈ સામાન્ય માણસે ઉઠાવી હોત કે તેને વર્ણવી હોત તો એ સંવેદના બનીને જ રહેવાની હતી પરંતુ જ્યારે કોઈ નેતાની એન્ટ્રી તેમા થાય કે દીકરીની સંવેદનાનો અવાજ નેતા બને એટલે આજે નહીં તો કાલે તેમા રાજકારણ ભળવાનું છે. અમરેલી પત્રકાંડના કેસમાં પાયલ ગોટીનું રિકન્સ્ટ્રકશનના નામે સરઘસ કાઢવાનો આરોપ દીકરીના સન્માનની સાથે શરૂ થયો હતો. રિકન્સ્ટ્રકશન કાયદાકીય પ્રક્રિયા છે અને તે દીકરો કે દીકરી કોઈનું પણ હોય શકે છે એવું કાયદો કહે છે પરંતુ અડધી રાત્રે દીકરીને પકડવી એ સ્વભાવિકપણે ખોટી જ વાત છે અને તેમા બે મત ન હોય શકે. ત્યારે હવે અમરેલી લેટર કાંડમાં પરેશ ધાનાણીએ ફરી એકવાર આકરા પ્રહાર કર્યા છે.