રાજ્યમાં શિયાળાની ઠંડી વચ્ચે હવે માવઠાની આગાહી સામે આવી છે. વાસ્તવમાં ઉત્તર પૂર્વીય પર્વતીય વિસ્તારમાં સતત હિમવર્ષાને કારણે આગામી ત્રણ દિવસ બાદ રાજ્યમાં ઠંડી વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વેસ્ટર્ન ડિસ્ટબન્સ સાથે કડકડતી ઠંડી અને માવઠાની પણ આગાહી કરી છે.
હવામાન વિભાગે શું કરી છે આગાહી ?
રાજ્યના હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે આગાહી કરી છે કે, ગુજરાતમાં આગામી સાત દિવસ વાતાવરણ સુકું રહેવાનું પૂર્વાનુમાન છે. ત્રણ દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય અને તે બાદ તાપમાન બેથી ચાર ડિગ્રી ઘટવાનું પૂર્વાનુમાન છે. તેમણે કહ્યું કે, અમદાવાદમાં આગામી 24 કલાક આકાશ સ્વચ્છ રહેશે. આ સાથે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સુધી જવાની શક્યતા છે. આ સાથે ડિસેમ્બરમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી ઉપર રહેવાનું અનુમાન છે. આ તરફ કોલ્ડવેવની ફ્રિકવન્સી પણ ઓછી રહે તેવી આગાહી કરાઇ છે.
અંબાલાલ પટેલે શું કરી છે આગાહી ?
જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ રાજ્યના હવામાનને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે, અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરનો ભેજ આવવાના કારણે 5 ડિસેમ્બરથી વાદળો આવશે. જેના કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને સામાન્ય વરસાદ પડી શકે છે. આ ઉપરાંત 15થી 17 ડિસેમ્બરના રોજ વાદળછાયું વાતાવરણ તો ડિસેમ્બરના અંતમાં પણ હળવું માવઠું થવાની શક્યતા છે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 10થી 11 ડિસેમ્બરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધશે. આ સાથે તાપમાન 11થી 12 ડિગ્રીએ પહોંચી જશે. 16થી 20 ડિસેમ્બરના મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે.