બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અને કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ વચ્ચે વધી રહેલા વિવાદમાં હવે ખેડૂત નેતા રાકેશ ટિકૈત પણ કૂદી પડ્યા છે. વાસ્તવમાં કાળા હરણના મુદ્દાને સામાજિક મુદ્દો ગણાવતા ટિકૈતે સલમાન ખાનને સલાહ આપી છે કે, તેણે મંદિરમાં જઈને બિશ્નોઈ સમુદાયની માફી માંગવી જોઈએ. ટિકૈતે કહ્યું કે, જો સલમાન ખાને માફી નહીં માંગી તો જેલમાં બંધ વ્યક્તિ શું કરશે તે કહી શકાય નહીં. પત્રકારો સાથે વાત કરતા ટિકૈતે કહ્યું, આ સમાજ સાથે જોડાયેલો મામલો છે. સલમાન ખાને મંદિરમાં જઈને માફી માંગવી જોઈએ, નહીં તો જેલમાં બંધ વ્યક્તિ ખબર નહીં ક્યારે ટપકાવી દે.
આ વિવાદમાં લોરેન્સ બિશ્નોઈના ભાઈ રમેશ બિશ્નોઈએ પણ સલમાનને માફી માંગવાની સલાહ આપી છે. રમેશે કહ્યું કે, કાળિયાર શિકાર કેસમાં સલમાને માફી માંગવી જોઈએ, કારણ કે બિશ્નોઈ સમુદાય આ મુદ્દે લોરેન્સના સમર્થનમાં એક થઈને ઊભો છે. રમેશે એવો પણ દાવો કર્યો હતો કે, સલમાન ખાને બિશ્નોઈ સમુદાયને શાંત કરવા પૈસાની ઓફર કરી હતી જેને સમુદાયે સખત રીતે નકારી કાઢી હતી. રમેશ બિશ્નોઈએ કહ્યું કે, અમારો સમાજ વૃક્ષો અને વન્યજીવોને પ્રેમ કરે છે. વૃક્ષોના રક્ષણ માટે 363 પૂર્વજોએ પોતાના જીવનનો ત્યાગ કર્યો હતો. જ્યારે સલમાને કાળિયાર હરણનું મારણ કર્યું ત્યારે દરેક બિશ્નોઈનું લોહી ઉકળી ગયું હતું. અમને કોર્ટમાં વિશ્વાસ હતો પણ જો અમારા સમુદાયની મજાક બની તો સમાજને ગુસ્સો આવે તે સ્વાભાવિક છે.
નોંધનીય છે કે આ વિવાદ 1998ના કાળા હરણના શિકાર કેસથી સંબંધિત છે. જેમાં સલમાન ખાન પર કાળા હરણના શિકારનો આરોપ લાગ્યો હતો. રાજસ્થાન હાઈકોર્ટે તેને દોષિત ઠેરવ્યો હતો અને પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી જોકે બાદમાં સલમાનને જામીન મળી ગયા હતા. આ દરમિયાન ગુજરાતની સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ પણ સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. બિશ્નોઈની ધમકીઓને જોતા સલમાનની સુરક્ષા પહેલા કરતા પણ વધુ કડક કરવામાં આવી છે.