ત્રણેય ફોર્મેટમાં પોતાની બોલિંગથી ધૂમ મચાવનાર મોહમ્મદ સિરાજ અંગ્રેજી બોલવામાં સંઘર્ષ કરતો જોવા મળે છે. ટીમ ઈન્ડિયામાં ઘણા એવા ખેલાડીઓ છે જે ખૂબ સારી રીતે અંગ્રેજી બોલે છે, પરંતુ કેટલાક એવા પણ છે જે અંગ્રેજી બોલવામાં એટલા પરફેક્ટ નથી. હવે સિરાજના સાથી અક્ષર પટેલે મોટો ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે અંગ્રેજીના કારણે સિરાજે ઇન્ટરવ્યુ અધવચ્ચે જ છોડી દીધો હતો.
સિરાજ-અક્ષરનો ઈંગ્લિશમાં હાથ કાચો
જૂન 2024માં રમાયેલા ટી20 વર્લ્ડ કપની ફાઈનલ જીત્યા બાદ સિરાજ સાથે આ ઘટના બની હતી. સિરાજ વર્લ્ડકપ વિજેતા ટીમનો ભાગ હતો. ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને ટાઈટલ જીત્યું હતું. જીત બાદ ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન દિનેશ કાર્તિકે અક્ષર પટેલ અને મોહમ્મદ સિરાજનું અંગ્રેજીમાં ઇન્ટરવ્યુ લીધું હતું. રસપ્રદ વાત એ છે કે બંને સ્ટાર્સને અંગ્રેજીમાં મુશ્કેલી પડે છે.
😂🤣😂🤣😂🤣😂😅 https://t.co/YwwYNXz0BD
— DK (@DineshKarthik) October 6, 2024
અક્ષર પટેલે ફની મૂમેન્ટ કરી શેર
‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’માં આ ઘટનાનો ખુલાસો કરતી વખતે અક્ષરે કહ્યું, “સિરાજ પોતાના વિશે વાત કરી રહ્યો હતો. ડીકે ભાઈએ મારૂ ઈન્ટરવ્યુ અંગ્રેજીમાં લીધું. ઘણા બધા લોકો છે, દરેકને અંગ્રેજી આવડે છે, અમને બંનેને કેમ પકડ્યા?”
મારૂ ઈંગ્લિશ પતી ગયું…!
કપિલ શર્માએ પૂછ્યું, તો પછી તમે અંગ્રેજીમાં ઇન્ટરવ્યુ આપ્યું? જવાબમાં અક્ષરે કહ્યું, “હા, પણ તે સમયે મેં શું કહ્યું તે મને ખબર નથી. સિરાજ અડધું ઈન્ટરવ્યુ છોડીને ભાગી ગયો અને કહ્યું – મારી પાસે જે અંગ્રેજી હતું તે પતી ગયું છે.” શોના આ ભાગનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. દિનેશ કાર્તિકે આ વાયરલ વીડિયો પર એક ફની ઈમોજી સાથે શેર કરી છે.