છેલ્લા કેટલાક દિવસોથી એરલાઇન્સને બોમ્બની ધમકીઓ મળી રહી છે. ત્યારે આજે (શનિવારે) ફરી એકવાર 10 અલગ-અલગ ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળી હતી, જે બાદ એવિએશન સેક્ટરમાં હડકંપ મચી ગયો છે. જે 10 ફલાઈટ્સને ધમકી મળી છે જેમાંથી પાંચ ફ્લાઈટ ઈન્ડિગોની અને પાંચ ફ્લાઈટ આકાસા એરલાઈન્સની છે.
ઈન્ડિગોએ નિવેદન જાહેર કર્યું
ઈન્ડિગોએ તેની બે ફ્લાઈટને લઈને એક નિવેદનમાં કહ્યું કે, ‘મુંબઈથી ઈસ્તાંબુલ જતી ફ્લાઈટ 6E 17 અને દિલ્હીથી ઈસ્તાંબુલ જતી ફ્લાઈટ 6E 11 સંબંધિત પરિસ્થિતિની અમને જાણકારી છે. અમારા મુસાફરો અને ક્રૂની સલામતી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને અમે સંબંધિત અધિકારીઓ સાથે નજીકથી કામ કરી રહ્યા છીએ અને માર્ગદર્શિકા અનુસાર તમામ જરૂરી સાવચેતીઓ લઈ રહ્યા છીએ.
આ અઠવાડિયે 70 ધમકીઓ મળી
નોંધનીય છે કે, સોમવારથી અત્યાર સુધીમાં ભારતીય એરલાઈન્સ દ્વારા સંચાલિત લગભગ 70 ફ્લાઈટ્સને બોમ્બની ધમકીઓ મળી છે, જોકે બાદમાં આ બધી ખોટી સાબિત થઈ હતી. જેના કારણે ફ્લાઈટ્સના રૂટ બદલવા પડ્યા અને તેમના સમયમાં ફેરફાર કરવો પડ્યો.