વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઝારખંડના પ્રવાસે હતા. પીએમ મોદી દેવઘરથી દિલ્હી આવવાના હતા, પરંતુ પીએમના વિમાનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. જેના કારણે વિમાનને દેવઘર એરપોર્ટ પર જ રોકવું પડ્યું હતું. જેના કારણે તેમના દિલ્હી પરત ફરવામાં થોડો વિલંબ થયો હતો.
દેવઘર પહેલા પીએમ મોદી બિહારના જમુઈ પહોંચ્યા હતા. અહીં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની સ્વતંત્રતા ચળવળમાં આદિવાસી સમુદાયોના યોગદાનને માન્યતા ન આપવા બદલ કોંગ્રેસની આગેવાની હેઠળની અગાઉની સરકારોની ટીકા કરી હતી. કોંગ્રેસ અથવા કોઈનું નામ લીધા વિના પીએમએ કહ્યું કે તમામ શ્રેય માત્ર એક પક્ષ અને એક પરિવારને આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે પૂછ્યું કે જો આપણા દેશને એક પરિવારના કારણે આઝાદી મળી છે તો બિરસા મુંડાએ ‘ઉલગુલાન’ આંદોલન શા માટે શરૂ કર્યું?
વડા પ્રધાને આ વાત પર જોર આપતા જણાવ્યું હતું કે ભારતના આદિવાસી સમુદાયને અગાઉની સરકારો હેઠળ જે માન્યતા ના હકદાર હતા તે નથી મળી. ભારતના આદિવાસી સમુદાયને અગાઉ ન્યાય મળ્યો ન હતો. દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઘણા આદિવાસી નેતાઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
પીએમ મોદી ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણીની અવસરે આયોજિત આદિવાસી ગૌરવ દિવસ કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. વડા પ્રધાને આદિવાસી વસ્તી પ્રત્યેના તેમના આદરને પણ પુનરોચ્ચાર કર્યો અને કહ્યું કે તેઓ પ્રકૃતિ અને પર્યાવરણ-મૈત્રીપૂર્ણ જીવનશૈલી સાથેના તેમના ઊંડા જોડાણ માટે તેમની “પૂજા” કરે છે.
તેમજ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ પર પીએમ મોદીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું કે ભગવાન બિરસા મુંડા જીના આદર્શો માત્ર આદિવાસી જ નહીં પરંતુ દેશના તમામ સમુદાયોના યુવાનો માટે ગૌરવ અને પ્રેરણાનો સ્ત્રોત છે. .
આ પહેલા રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર ઝારખંડના ગોડ્ડામાં ફસાઈ ગયું હતું. એટીએસે તેમના હેલિકોપ્ટરને ઉડવાની મંજૂરી આપી ન હતી. તેમના હેલિકોપ્ટરને હેલિપેડ પરથી ટેકઓફ કરવાની મંજૂરી મળી ન હતી અને રાહુલનું હેલિકોપ્ટર અડધા કલાકથી વધુ સમય સુધી ત્યાં જ ઊભું રહ્યું હતું. કોંગ્રેસે આ માટે ભાજપને જવાબદાર ગણાવ્યું છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાને કારણે રાહુલ ગાંધીના હેલિકોપ્ટરને ક્લિયરન્સ આપવામાં આવ્યું નથી. રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર ગોડ્ડાના બેલબડ્ડા ખાતે રોકાયું હતું. કોંગ્રેસના ધારાસભ્યે હેલિકોપ્ટર માટે મંજૂરી ન મળવાને લઈને પણ ભાજપ પર નિશાન સાધ્યું છે. ધારાસભ્યએ તેને ભાજપની ખોટી નીતિ ગણાવી છે.