IPL 2025ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. BCCIએ IPLને લઈને મોટો નિર્ણય લીધો છે. IPL 2025 21 માર્ચથી શરૂ થશે જેમાં ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ની આચારસંહિતાનું પાલન કરવામાં આવશે. BCCI ના ઉપાધ્યક્ષ અને IPL ના પૂર્વ પ્રમુખ રાજીવ શુક્લાએ આ જાણકારી આપી. રાજીવ શુક્લાના જણાવ્યા અનુસાર, IPLની આગામી સિઝન 23 માર્ચથી શરૂ થશે પરંતુ ગવર્નિંગ કાઉન્સિલના એક વરિષ્ઠ સભ્યએ સ્પષ્ટતા કરી કે તે 20 અથવા 21 માર્ચે જ શરૂ થશે. 2025ની સિઝનમાં 74 મેચ રમાશે, જે અગાઉની ત્રણ સિઝન જેટલી જ છે.
આઈસીસીની આચાર સંહિતાનું પાલન કરવાનો નિર્ણય રવિવાર, 12 જાન્યુઆરીએ મળેલી બેઠક દરમિયાન લેવામાં આવ્યો. એક અહેવાલમાં સ્ટીયરિંગ કમિટીના એક સભ્યને ટાંકીને જણાવ્યું કે, હવેથી IPLમાં લેવલ વન, ટુ અને થ્રી લેવલના ઉલ્લંઘન માટે ICC દ્વારા મંજૂર દંડ વસૂલવામાં આવશે. અગાઉ IPLની પોતાની આચારસંહિતા હતી, પરંતુ હવે ICC T20 ઇન્ટરનેશનલ નિયમો અનુસાર રમવાની શરતોનું પાલન કરવામાં આવશે. એવી માહિતી પણ સામે આવી છે કે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) ચાર શહેરોમાં યોજાશે. WPL મેચો લખનૌ, મુંબઈ, વડોદરા અને બેંગલુરુમાં રમાશે. 2025 WPL 7 ફેબ્રુઆરી અને 2 માર્ચ વચ્ચે યોજાવાની ધારણા છે.
BCCIએ નવા સેક્રેટરીની નિમણૂક કરી
BCCIની સ્પેશિયલ જનરલ મીટિંગ (SGM)માં BCCIને નવા સેક્રેટરી પણ મળી ગયા. સેક્રેટરી અને ટ્રેઝરર તરીકે અનુક્રમે દેવજીત સૈકિયા અને પ્રભતેજસિંહ ભાટિયા બિનહરીફ ચૂંટી લેવામાં આવ્યા. જય શાહ અને આશિષ શેલારના રાજીનામા બાદ આ બંને જગ્યાઓ ખાલી પડી હતી. સૈકિયા અને ભાટિયા આ ખાલી જગ્યાઓ માટે ઉમેદવારી નોંધાવનારા એકમાત્ર ઉમેદવાર હોવાને કારણે બિનહરીફ ચૂંટાયા ગયા.
જય શાહે ગયા મહિને આઈસીસીના અધ્યક્ષ બન્યા બાદ સેક્રેટરીનું પદ છોડવું પડ્યું હતું જ્યારે શેલારે મહારાષ્ટ્ર સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા બાદ બીસીસીઆઈના ટ્રેઝરર પદ પરથી રાજીનામું આપી દીધું હતું. સૈકિયા આસામના છે અને ભાટિયા છત્તીસગઢના છે. જય શાહ 1 ડિસેમ્બરે ICCના અધ્યક્ષ બન્યા પછી, સૈકિયા સેક્રેટરી તરીકે વધારાની જવાબદારીઓ નિભાવી રહ્યા હતા. તેઓ જોઈન્ટ સેક્રેટરી હતા અને હવે આ પદ ખાલી થઈ ગયું છે.