નવરાત્રીને લઈ ખેલૈયાઓમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને મોડી રાત સુધી ખેલૈયાઓ નવરાત્રીની મજા માણી રહ્યા છે. જો કે હવામાન વિભાગ તરફથી ફરી એકવાર ખેલૈયાઓ માટે ચિંતા કરતી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે.
અરબી સમુદ્રમાં લો પ્રશર સક્રિય થયું
વરસાદને લઈ હવામાન નિષ્ણાંત એ. કે. દાસે જણાવ્યું હતું કે ‘અરબી સમુદ્રમાં લક્ષદીપ નજીક લો પ્રેશર સક્રિય થયું છે, જેના કારણે ગુજરાત તરફ ભેજ આવશે તેમજ આગામી 4 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં છુટા છવાયા વરસાદ પડશે. આ ઉપરાંત કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી છે.
આજે આ વિસ્તારમાં ખાબકશે વરસાદ
ઉલ્લેખનીય છે કે એક તરફ નવરાત્રીનો તહેવાર બરોબરનો જામ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહીને પગલે ખેલૈયાઓ અને ગરબા આયોજકો હજુ પણ ચિંતામાં છે. હવામાન વિભાગ દ્વારા આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા સુરત ડાંગ વલસાડ નવસારી તાપીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે પણ કરી હતી વરસાદની આગાહી
અગાઉ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી હતી. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ‘આગામી 16થી 22 ઓક્ટોમ્બર સુધી રાજ્યમાં વરસાદ પડી શકે છે. હવામાનમા ફેરફાર થવાની શક્યતા છે. 12 ઓક્ટોમ્બર અરબી સમુદ્રમા હલચલ જોવા મળશે જેના કારણે રાજ્યનાં કોઈ ભાગોમાં વરસાદ પડી શકે છે.’