ગીરનાં કોડીનાર તાલુકામાં આલિદર ગામ નજીક ભેટાળી કનકાઈ માતાજીનું અતિ પ્રાચીન મંદિર આવેલુ છે. ગીર બોર્ડર નજીક આવેલા આ પવિત્ર મંદિરનો ઈતિહાસ 500 વર્ષ જૂનો છે. આ સ્થળ પર વહેતી સાંગાવાડી નદી કિનારે રાજ રાજેશ્વરી મા કનકાઈ સાક્ષાત બિરાજે છે. ભગવતી કનકાઈ માતાજી 84 જ્ઞાતિનાં કુળદેવી તરીકે પૂજાય છે. માં કનકાઈ એટલે આરાસુરી મા અંબાનું સ્વરૂપ. કનક એટલે સોનું, સુવર્ણ જેવી જેની કાંતિ છે તેવા કનકેશ્વરી માતાજી. સાંગાવાડી નદી તટે અહીં જે કનકાઈ માતાજી બિરાજે છે તે ગીર જંગલ મધ્યે બિરાજતા કનકાઈ માતાજીનું અદ્દલ સ્વરૂપ છે. મહિષાસુર મર્દીની તરીકે ઓળખાતા માતાજી કનકાઈનાં સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ દેશમાં ઘણા મંદિરો આવેલાં છે.
માતાજીનું મુખ્ય મંદિર ગીર મધ્યે આવેલું છે. અહીંથી મા કનકાઈ ભક્તોના આગ્રહને વશ અલગ અલગ જગ્યાએ ગયા હતા. અહીં ૭૦ વર્ષ સુધી ભગતબાપા નામના રબારી સમાજનાં ભગતે માતાજીની સેવા કરી હતી. આ ભગતબાપા પહેલા સતાધાર હતા. મા ભેટાળી કનકાઈ તેમને સ્વપ્ને આવ્યા અને આ જગ્યા દર્શાવી કહ્યું..’ભગત જાગો અને અહીં આવી આ જગ્યાને વિકસાવો.’ એટલે ભગતબાપા અહીં આવ્યા હતા અને વર્ષો સુધી માતાજીની સેવા પૂજા કરી હતી.
એક લોક વાયકા મુજબ મોરવડ ગામના એક વણિક દર પૂનમે ગીર કનકાઈ માતાજીની પૂજા અર્ચના કરવા ત્રણ નદી અને ઘનઘોર જંગલ ચીરીને કોઈ પણ સંજોગોમાં મંદિર જતા. ચોમાસાની એક પૂનમ દરમ્યાન અતિભારે વરસાદને કારણે વણિક ભક્ત નદી પાર કરી શકે તેમ ન હતા. પૂનમે માતાજીના દર્શન કર્યા બાદ જ અન્નજળ લેવાનો નિયમ રાખતા વણિક જંગલ મધ્યે રાત્રી દરમ્યાન ભાવ વિભોર થઈ નદી કિનારે જ માતાજીની આરાધના કરવા લાગ્યા. ત્યારે નદીના ધસમસતા પાણીનાં પ્રવાહમાંથી સાક્ષાત કનકાઈ માતાજી પ્રગટ થયા અને વણિકને વરદાન માગવા કહ્યુ ત્યારે વણિકે માતાજીને પોતાના ગામ આવવા કહ્યુ અને માતાજી વણિકની પાછળ પાછળ ચાલવા લાગ્યા. માતાજીના ઝાંઝરનો રણકાર છમછમ આવે રાખે અને વણિક મનોમન પ્રસન્નતા અનુભવતો પ્રાર્થના કરતો આગળ ચાલ્યો જાય. આલિદર ગામ નજીક સાંગાવાડી નદી પાર કરતા હતા ત્યારે માતાજીના ઝાંઝરનો અવાજ બંધ થતાં વણિકે પાછું વળીને જોયું, હજુ તો માતાજીએ નદી પાર કરી જ હતી અને વણિકથી શરત ભંગ થઈ એટલે માતાજી ત્યાં જ રોકાઈ ગયા અને તે સ્થળ એટલે ભેટાળી કનકાઈ મંદિર. માતાજી વણિક ભક્તને ગીર જંગલ મધ્યે ભેટ્યા એટલે આ જગ્યાનું નામ પડ્યું ભેટાળી કનકાઈ.
કોડીનારનાં મોરવડ ગામ નજીક આવેલું ભેટાળી કનકાઈ માતાજીનું મંદિર અતિ પ્રાચીન છે. બીજી એક લોકવાયકા પ્રમાણે મા કનકાઈએ વણિક ભક્તનો ભય ટાળ્યો એટલે ભયટાળી અને તેનુ અપભ્રંશ થયું ભેટાળી. આથી જ મા કનકાઈને ભયને ટાળનારા અને આસુરી શક્તિનો નાશ કરનાર તરીકે પણ ઓળખવામાં આવે છે. જુનવાણી મંદિર પરિસર પ્રાચીન અવસ્થામાં જ નું છે. અહીં હનુમાનજી પણ બિરાજે છે તો કનકેશ્વર મહાદેવ પણ સાક્ષાત બિરાજમાન છે. મંદિર પાસે ભગત બાપાની સમાધિ આવેલી છે. મંદિર પરિસર અને તેની આજુબાજુનું વાતાવરણ અત્યંત શાંત અને ભાવવાહી છે. મંદિરે દર્શન કરવા આવતા ભાવિક ભક્તો અહિં પરમ શાંતિની અનુભૂતિ કરે છે. આલિદર ગામના લોકો અહીં 24 કલાક બારેય મહિના મા ભેટાળી કનકાઈ માતાજીની સેવા-પૂજા કરે છે. ચૈત્રી પૂનમે મંદિરે હવનનું આયોજન કરવામાં આવે છે ત્યારે હજ્જારો શ્રદ્ધાળુઓ હવનમાં જોડાવા અને માતાજીના દર્શન કરવા દૂર દૂરથી પધારે છે.
કોડીનારના આલિદર અને મોરવડ ગામ વચ્ચે સાંગાવાડી નદી કિનારે આવેલા ભેટાળી કનકાઈ મંદિરે દર્શન કરવા આવતા ભાવિક ભક્તો અહિં સકારાત્મક ઉર્જાનો અહેસાસ કરે છે. રાજ રાજેશ્વરી ભગવતી મા કનકાઈ અનેક દુઃખો દૂર કરનારા, વરદાન આપનારા, આસુરી શક્તિનો નાશ કરનારા અને ભક્તો પ્રત્યે કૃપા વરસાવનારા છે. ચોમાસાનાં ચાર મહિના જંગલમાં જવા પર પ્રતિબંધ હોય છે. ગીર જંગલ મધ્યે આવેલા કનકાઈ માતાજીનાં મંદિરે જઈ શકાતું નથી. ત્યારે સાંગાવાડી નદી તટે બિરાજતા સાક્ષાત મા કનકાઈના દર્શન, સ્તુતિ,આરાધના કરી માઈ ભક્તો ધન્યતા અનુભવે છે.