ડીસાના જૂના ડીસા ગામમાં સિકોતર માતાજીનું મંદિર આવેલુ છે. અતિ પૌરાણિક માતાજીનું મંદિર નાનું છે પણ તેનો મહિમા અનેરો છે. વર્ષો પહેલા સિકોતર માતાજીની ઇંટોની નાની દેરીને નાના મંદિર સ્વરૂપે બનાવી પૂજા અર્ચના ચાલુ કરી હતી. મંદિરે આવતા ભાવિકોની મનોકામના પૂર્ણ થતા લોકોની આસ્થા વધતી ગઈ. દર રવિવારે મહાજનની સિકોતર માતાજીના મંદિરે ભક્તો દૂરદૂરથી આવી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. દેવી-દેવતાઓનું આગવુ મહત્વ ધરાવતા હિન્દુ ધર્મના લોકો ભક્તિ શક્તિ અને આસ્થા સાથે દેવી-દેવતાઓની પૂજા અર્ચના કરે છે. બનાસકાંઠા જિલ્લામાં અનેક મંદિરો આવેલા છે જ્યાં વર્ષોથી ભક્તોની અતૂટ આસ્થા જોડાયેલી છે ડીસા તાલુકાના જુના ડીસા ગામે મહાજનની સિકોતર માતાજીનું મંદિર આવેલું છે. જુના ડીસા ગામે વર્ષો પહેલા મહાજનની જગ્યા પર બાવળ અને બોરડીનું મોટું જંગલ હતું અને આ જંગલની વચ્ચે ઇંટોની નાનકડી દેરી બનાવી ગ્રામવાસીઓ મા સિકોતરની પૂજા અર્ચના કરતા હતા. લોકોને માતાજીનો સાક્ષાત્કાર થતા ઈંટોની દેરીને નાના મંદિરનું સ્વરુપ આપી પ્રતિષ્ઠા કરવામાં આવી.
જૂના ડીસા ગામમાં સિકોતર માતાજી બિરાજમાન
એક લોકમાન્યતા પ્રમાણે વર્ષો પહેલા વખડીના ઝાડ નીચે મા સિકોતર માતાજીએ સાક્ષાત અનેક લોકોને પરચા આપી તેમની મનોકામના પૂર્ણ કરી હતી. જેના કારણે આજે વખડીના ઝાડ નીચે બિરાજમાન મા સિકોતર માતાજીની આસ્થા લોકોમાં વધી રહી છે. મહાજન ખાતે આવેલા આ મંદિરે બનાસકાંઠા જિલ્લા સહિત બહારના જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો દર રવિવારે માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડે છે. અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે માતાજીને સુખડી, ભાત અને ગોળની પ્રસાદી ચડાવવામાં આવે છે. નિસંતાન દંપતિ માતાજીના શરણે આવી માતાજી સમક્ષ પોતાની મનોકામના વ્યક્ત કરી મંદિરે પારણું ચડાવવાની બાધા રાખે છે. અને તેમના ઘરે માતાજીના આશીર્વાદથી પારણા બંધાય ત્યારે મહિલાઓ મંદિરે આવી નાનકડું પારણું મૂકી પોતાની બાધા પૂર્ણ કરે છે. દર રવિવારે મહાજનની સિકોતર માતાજીના મંદિરે મેળાનો માહોલ સર્જાય છે દૂરદૂરથી ભાવિક ભક્તો મા સિકોતર માતાજીના મંદિરે દર્શન કરવા આવે છે.
મા સિકોતર માતાજીના નામથી પૂજાય છે પથ્થર
માતાજીનું મંદિર બનાસકાંઠા જિલ્લા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં મહાજનની સિકોતર ના નામે પ્રખ્યાત થયું છે મંદિરની પાછળ વર્ષો પુરાણો પથ્થર આવેલો છે કહેવામાં આવે છે કે આ પથ્થર પર સાક્ષાત મા સિકોતર માતાજી વાસ કરે છે આ પથ્થરને નીકળવા માટે જેસીબી અને ક્રેન બોલાવી હતી પરંતુ જેમ જેમ આ પથ્થરને નીકળવા માટે જેસીબીથી ખોદકામ કરવામાં આવ્યુ તેમ તેમ પથ્થર મોટો થતો ગયો હતો એટલે પથ્થરને ત્યાં જ રહેવા દેવામાં આવ્યો અને જેટલું ખોદકામ કરવામાં આવ્યું હતું તેનું પુરાણ કરી દેવામાં આવ્યુ ત્યારથી લોકોમાં આ પથ્થર પ્રત્યે આસ્થા વધી ગઈ અને આજે આ પથ્થર મા સિકોતર માતાજીના નામથી પૂજાય છે. મહાજનની સિકોતર માતાજીના મંદિરે ભક્તો દર્શનની સાથે ગૌ માતાની સેવા પણ કરી રહ્યા છે મહાજનની જગ્યા પર જ્યાં મા સિકોતર માતાજી વાસ કરે છે તેની બાજુમાં જ મોટી ગૌશાળા આવેલી છે જ્યાં હજારો ગાયોનો વસવાટ છે મંદિરે આવતા ભક્તો માતાજીના દર્શન કરીને ગૌ માતાની સેવા કરી ધન્યતા અનુભવે છે. દર વર્ષે સિકોતર માતાજીના મંદિરે હવન અને રમેળનું આયોજન કરવામાં આવે છે જેમાં જે પણ દાનની આવક થાય છે તે તમામ દાન ગૌશાળામાં ગાયો પાછળ વાપરવામાં આવે છે.