સમગ્ર ભારતમાં અને ગુજરાતમાં અનેક શિવમંદિરો વિદ્યમાન છે. અને તે સર્વમાં મહાદેવના અત્યંત દુર્લભ અને અદ્વિતીય સ્વરૂપોના ભક્તોને દર્શન થાય છે. પોરબંદરમાં આવુ જ મંદિર આવેલું છે જ્યાં બીલેશ્વર મહાદેવ બિરાજમાન છે. મંદિરનો સંબંધ ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલો છે. મહાદેવજીએ સ્વયંભૂ પ્રગટ થઈ ભગવાન કૃષ્ણને વરદાન આપ્યું હતું.
બીલેશ્વર ગામમાં બીલનાથ મહાદેવ નજીક બિલ્વગંગા નદી આવેલી છે ત્યાં અસંખ્ય બીલીપત્રના વૃક્ષો છે ભક્તો ત્યાં જળ અર્પણ કરી ધન્યતા અનુભવે છે. દરેક શિવ મંદિરમાં શિવની સમીપમાં જ નંદી મહારાજ બિરાજમાન હોય છે, જ્યારે અહીં નંદી શિવના શિવાલયની બહાર મંદિરના પ્રાંગણમાં ઊંચા ઓટલા પર બિરાજમાન છે. નંદી મહારાજની કથા અલગ અને અનોખી છે, મહમદ ગઝની પોતાના લશ્કર સાથે સોમનાથ સહીતના શિવાલયો તોડવા નીકળ્યો અને શિવ મંદિરો તોડતા તોડતા બીલેશ્વર ગામમાં બીલનાથ મહાદેવના શિવાલય સુધી લશ્કર સાથે પહોચ્યો, ત્યારે નંદીએ બીલનાથ મહાદેવ પાસે મંદિરની બહાર ઊંચા ઓટલા પર જઈ મોઢામાંથી હજારોની સંખ્યામાં ભમરાઓ કાઢી મહમદ ગઝની અને તેના લશ્કર ભગાડ્યુ હતુ.
વિશાળકાય નંદી મહારાજ સ્વયં ભગવાન બીલનાથ મહાદેવના આદેશથી મંદિરની બહાર પ્રાંગણમાં બિરાજ્યા છે, માન્યતા અનુસાર કોઈપણ ભક્તો નંદી મહારાજની ચાર પ્રદક્ષિણા કરી તેમના કાનમાં પ્રાર્થના કરવાથી નિર્ધારિત કરેલી અનેક મનોકામનાઓ તથા ઈચ્છોઓ પૂર્ણ થાય છે.બીલનાથ મહાદેવ મંદિરના ગર્ભગુહમાં શિવલિંગની પાછળના ભાગે બે અખંડ જ્યોત મુકવામાં આવી છે, અખંડ જ્યોત પોરબંદર અને જામનગરના મહારાજા દ્વારા ૧૮૬૫ની સાલમાં વિશ્વ શાંતિ માટે મુકવામાં આવી હતી.
સ્વયંભુ બીલનાથ મહાદેવનું મંદિર આશરે ૧૩૦૦ વર્ષથી પણ વધુ પૌરાણિક છે. રાજસ્થાનના બુન્દાકોટી શહેરના રાજા સુરજમલ હાડાએ આ મંદિરનું નિર્માણ કરાવ્યુ હતુ. પૌરાણિક કથા અનુસાર આ મંદિરની પ્રથમ પુજા ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના ઘરે પુત્ર પ્રાપ્તિના હેતુથી કરી હતી.પુત્ર પ્રાપ્તિ માટે ભગવાન શ્રીકૃષ્ણએ આ શિવલિંગ પર સવા લાખ કમળ ચડાવી પૂજા કરી ત્યારે પુજામાં શુદ્ધ જળ ચડાવવા માટે સ્વયં માતા ગંગાને આહવાન કરી પ્રગટ કર્યા હતા. બીલનાથ મહાદેવના શિવલિંગ પાછળ માતા પાર્વતી સાથે મા ગંગા પણ બિરાજમાન છે. પૂજન વિધિ સમયે સવા લાખ કમળ ચડાવતા એક કમળ ઓછું પડ્યું ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ પોતાનું નેત્ર કટાર વડે કાઢવા જતા હતા ત્યારે ભગવાન શિવ પ્રસન્ન થયા અને શ્રીકૃષ્ણને પુત્ર પ્રાપ્તિ સાથે અનેક વરદાનો આપ્યા હતા.
બીલેશ્વર મહાદેવ મંદિરના નિર્માણ કાર્ય માટે રાજકોષમાંથી ધન,સોનુ અને ચાંદીના આભૂષણો આપવામાં આવ્યા હતા. મંદિરનું નિર્માણ કાર્ય પુર્ણ થયા બાદ રાજાએ આપેલું ધન,સોનુ અને ચાંદીના આભૂષણો વધ્યા હતા. જે રાજકોષમાં પરત લઇ જવાની મનાઈ હતી એટલે તેનો ઉપયોગ કરવા માટે બીલેશ્વર મહાદેવના મંદિરના પટાંગણમાંજ મહાદેવનું બીજુ મંદિર બનાવવામાં આવ્યું હતું અને વધેલા ધન,સોનુ ચાંદીના આભૂષણોથી મંદિર બનાવ્યુ એટલે મંદિરનું નામ ધનકેશ્ર્વર મહાદેવ રાખવામાં આવ્યું હતુ.
બીલ્વગંગા નદીના તટ પર બિરાજતા બીલનાથ મહાદેવના મંદિરમાં દરરોજ સવારે અને સાંજે મંત્રોચ્ચાર સાથે ભગવાન બિલનાથ મહાદેવ, ગંગા માતા અને પાર્વતીમાતાની મહિમા પૂજા થાય છે. દીવાની ઝળહળતી જ્યોત અને ગુગળના ધૂપ તેમજ શંખનાદ, ઢોલ, નગારા અને નોબત સાથે ભક્તિમય માહોલમાં દાદાની આરતી કરવામાં છે. આરતી પછી અનેરા ઉત્સાહ અને આનંદ સાથે હર હર મહાદેવના જય ઘોષ બોલાવવામાં આવે છે.
પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો બીલનાથ દાદાના શિવલિંગ પર ગંગાજળ તેમજ દૂધ ચડાવી દાદાને બીલીપત્ર અર્પણ કરી દાદાના આશીર્વાદ મેળવે છે. દાદાને અવનવા શણગારો કરવામાં આવે છે સાથે ભસ્મ તેમજ ચંદન તિલક કરવામાં આવે છે બીલનાથ મહાદેવને થાળ ધરાવી અનેક પરિવારજનો સાથે મહાપ્રસાદનો લાભ લઈ સુખ, શાંતિ અને આનંદનો અહેસાસ કરે છે.
શ્રાવણ માસની અમાસના દિવસે અહીં ભવ્ય મેળો ભરાય છે ત્યારે હજારોની સંખ્યામાં ભક્તો પોતાના પરિવારજનો સાથે દાદાના દર્શન કરવા ઊમટી પડે છે બિલનાથ મહાદેવના ધામમાં પહોંચતા જ અદભુત અવિસ્મરણીય શાંતિનો અનેરો આનંદ પ્રાપ્ત થાય છે. ભગવાન બીલનાથ મહાદેવનું આ શિવધામ રાણાવાવ તાલુકાનું પ્રસિધ્ધ કીર્તિમાન સ્થળ છે. બીલેશ્વર મહાદેવ મંદિર પોરબંદરથી ૩૦ કિલોમીટરના અંતરે આવેલા રાણાવાવ તાલુકાના બીલેશ્વર ગામે બીલ્વગંગા નદીના તટ પર આવેલું મનોરમ્ય સ્થળ છે.