ગીરના જામવાળા ખાતે આઈ પીઠડનું પુરાતન મંદિર આવેલું છે. અહીં માતાજી સાક્ષાત સ્વરૂપે બિરાજમાન છે. માત્ર 13 વર્ષની ઉંમરે કચ્છમાંથી અહીં પધાર્યા અને આ જગ્યા સંભાળી ત્યારથી અહીં માઁ પીઠડ જાગૃત થયા છે. વર્ષો પહેલા અહીં ચારણનો નેસ હતો જે નાણાંવાળીનો નેસ તરીકે ઓળખાતો આ નેસમાં જગદંબા સ્વરૂપ પીઠડ મા પ્રગટ થયા હતા. આજે અહીં ગામ વસી ચૂક્યું છે. તે જામવાળા તરીકે ઓળખાય છે. અહીં જ પીઠડ આઈ ધામ આવેલું છે. મા લક્ષ્મી આઈ અહીં આવીને વસ્યા બાદ જગ્યાનો અદભુત વિકાસ થયો છે.
મા લક્ષ્મી આઈ ખુબ જ નાની ઉંમરે એટલે કે બાલ્યા અવસ્થામાં હતા ત્યારે પીઠડ આઈ સ્વપ્ને આવ્યા હતા અને તેઓને અહીં બોલાવતા હતા ત્યારે ડુંગર અને જંગલ, નદી કિનારે તેમજ આંબલી નીચે મા પીઠડ આઈ સાક્ષાત બિરાજમાન હોવાનો સતત આભાસ થતો હતો. આથી લક્ષ્મી આઈ કચ્છમાંથી આ સ્થળ શોધતા શોધતા માત્ર 13 વર્ષની ઉંમરે અહીં આવ્યા, વસ્યા અને જગ્યા જાગૃત થઈ તે આજનું પીઠડ ધામ.
અહીં અઢારેય વર્ણના લોકો આસ્થા પૂર્વક માતાજીના દર્શને આવે છે. અહીં કાયમ માટે અન્નક્ષેત્ર ચાલુ છે. સામે કોઈપણ વ્યક્તિ પાસેથી એકપણ પૈસો લેવામાં આવતો નથી. આમ છતાં અહીં સેંકડો લોકોને આઈ પીઠડની કૃપાથી આઈ લક્ષ્મી ભોજન પ્રસાદ જમાડે છે. જે આ જગ્યાનું સત છે.
ગીરના જામવાળા ખાતે આવેલું પીઠડ આઈ ધામ સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છે. અહીં આરતી સમયે અને શુભ પ્રસંગે આઈ પીઠડ વરૂડી ચકલી સ્વરૂપે પધારે છે અને ધ્વજા, મંદિર અને ત્રિશુલ પર બિરાજમાન થાય છે. રા’નવઘણ જ્યારે પોતાની બહેનની સહાયે કચ્છમાં જાય છે ત્યારે આઈ વરૂડી રા’ના ત્રિશુલ ઉપર ચકલી સ્વરૂપે આવીને બિરાજે છે. તે આઈ વરૂડી તે જ મા પીઠડઆઈ.
ગીરનું આ પીઠડઆઈ ધામ હિન્દૂ-મુસ્લિમની આસ્થાનું પ્રતીક છે. અનેક મુસ્લિમ પરિવારો પણ અહીં ભાવ પૂર્વક આવે છે. આઈ પીઠડની પૂજા, આરતી અને દર્શન કરે છે. તો માતાજીની માનતા પણ રાખે છે. વસંતપંચમીના દિવસે આઈ પીઠડના પ્રાગટય દીને અહીં હજ્જારો લોકો દૂરદૂરથી આવે છે અને માતાજીના દર્શન કરી ધન્ય બને છે. આઈ પીઠડ ખોળાનો ખૂંદનાર આપનાર મા છે. સેંકડો લોકો આઈ પીઠડની માનતા રાખે છે. અને માનતા ફળે પણ છે.
માતાજીને માનતામાં નાળિયેરી, શણગાર અને ઘી ધરવામાં આવે છે. વર્ષમાં બે વખત અહીં ઉત્સવ ઉજવવામાં આવે છે. વસંતપંચમીને દિવસે રાત્રે અહીં ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ યોજાય છે. ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના ખ્યાતનામ લોકગાયકો, કલાકારો અહીં આવે છે. અહીં દોરા ધાગા કે ધુણવાની કોઈજ પ્રથા નથી. અહીં અંધશ્રદ્ધાને કોઈ સ્થાન નથી. માત્ર શ્રદ્ધા અને ભક્તિનો અનેરો સંગમ જોવા મળે છે. અહીં ઉત્સવ દરમ્યાન હજ્જારો લોકોનો માનવ મહેરામણ ઉમટે છે.