સૌરાષ્ટ્ર એટલે ભક્તિ અને શક્તિનો પ્રદેશ, એમાં પણ ખાસ કરીને હરિ અને હરની ભૂમિ એવા પ્રભાસ ક્ષેત્રને આધ્યાત્મિક રીતે ખૂબ મોટું સ્થાન પ્રાપ્ત થયું છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થ ક્ષેત્રમાં ભગવાન શ્રીકૃષ્ણ પણ રહ્યા હતા અને અહીંથી સ્વધામ ગયા હતા તે સ્થળ એટલે ગૌલોકધામ. ભગવાન કૃષ્ણ સોમનાથ મંદિરથી ચાર કિલોમીટર દૂર હાલનું ભાલકા તીર્થ જે જગ્યાએ છે ત્યાં પીપળાના વૃક્ષ નીચે પગ પર પગ ચઢાવી આરામ કરી રહ્યા હતા. તે સમયે સોમનાથનાં દરિયા કિનારા પરથી જરા નામના પારધીએ ભગવાનનાં પગમાં ચમકતા ચન્દ્રને હરણ સમજી તીર છોડતા ભગવાન શ્રીકૃષ્ણના પગ વીંધીને તીર કપાળમાં ભોંકાયું હતું.
તીર ભગવાન શ્રીકૃષ્ણના પગને વીંધી કપાળમાં ભોંકાયું હતું
ભગવાન શ્રીકૃષ્ણને તીર વાગ્યા બાદ તેમણે સોમનાથ મહાદેવ મંદિર નજીક ત્રિવેણી ઘાટ જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી ભગવાનનાં મોટા ભાઈ બલરામ તેમને ત્રિવેણી ઘાટ લઇ ગયા હતા. જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ બપોરે અંતિમ શ્વાસ લીધો. જેથી તે સ્થળ આજે ગૌલોક ધામ તરીકે ઓળખાય છે. ભગવાન શ્રીકૃષ્ણને જે જગ્યા પર રખાયા હતા તે જગ્યા પર ભગવાનની ચરણ પાદુકા રાખવામાં આવી છે. દેશના દરેક રાજ્યમાંથી ભાલકા આવતા ભાવિક ભક્તો ભગવાને જ્યાં દેહ ત્યાગ કર્યો તે ભૂમિ ભાલકાતીર્થમાં આવી દર્શન બાદ શાંતિનો અહેસાસ કરે છે. ભગવાન શ્રીકૃષ્ણ સોમનાથ મહાદેવનાં અનન્ય ભક્ત હતા. ભગવાન કૃષ્ણ દ્વારકા રહેતા હતા પરંતુ દ્વારકાથી પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ મંદિરે દર્શને આવતા. એમ પણ કહેવાય છે કે, સોમનાથ મહાદેવ મંદિર અનેક વખત બંધાયું જેમાં દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણએ કાસ્ટનું સોમનાથ મંદિર બનાવ્યું હોવાનો પુરાણોમાં ઉલ્લેખ છે. શ્રીકૃષ્ણની પૃથ્વી પરની અંતિમ ઉપસ્થિતિની ક્ષણને ઉજવવા માટે દર વર્ષે વિષ્ણુયાગ યજ્ઞ કરવામાં આવે છે. શંખનાદ અને શ્લોક ઉચ્ચાર સાથે મધુર બાંસુરી વાદન કરીને શ્રીકૃષ્ણનું ભાવપૂર્ણ પૂજન કરવામાં આવે છે. સોમનાથ ટ્રસ્ટના પંડિતો અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ગીતા પાઠ કરીને શ્રીકૃષ્ણને ભાવાંજલિ આપે છે. સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે આવેલા ગૌલોકધામ મંદિરનું વાતાવરણ એકદમ શાંત અને દિવ્ય અનુભૂતિ કરાવે છે. અહીં દર્શને પધારતા દરેક ભક્તોને ભગવાન શ્રીકૃષ્ણની અનુભૂતિ થાય છે.
ભગવાન શ્રી કૃષ્ણએ બપોરે કર્યો હતો દેહ ત્યાગ
ભગવાન શ્રીકૃષ્ણના ગૌલોકધામ ગયા બાદ તેમના મોટા ભાઈ બલરામ પણ નાગ સ્વરૂપે થોડે દૂર થી જ દર મારફતે પાતાળલોક ગયા હોવાની લોકવાયકા છે. સોમનાથ પાસે ભાલકા તીર્થ, ગૌલોકધામ અને બલરામજીનું એજ જગ્યા પર મંદિર આવેલું છે. જયાંથી બલરામ પાતાળ લોક ગયા હતા તે પાંચ હજાર વર્ષ જૂની ગુફા અહિં આવેલી છે. શ્રીકૃષ્ણના અંતિમ લીલા સ્થળ એવા ગૌલોકધામ તીર્થમાં ચૈત્રી એકમનો દિવસ શ્રીકૃષ્ણ નિજધામ ગમન દિવસ તરીકે ઉજવાય છે. શ્રીકૃષ્ણ ગૌલોકધામ તીર્થમાંથી નિજધામ એટલે કે વૈકુંઠ ગયા હતા. આજે પણ સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે આવેલા ગૌલોક ધામ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણની ઓરાનો અનુભવ થયા વગર રહેતો નથી હજ્જારો શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ અચૂક ગૌલોકધામ મંદિરે ભગવાન શ્રીકૃષ્ણની અનુભૂતિ કરવા દર્શને પધારે છે.