અરવલ્લીની ગિરિમાળાઓની અસંખ્ય પર્વત શૃંખલાઓમાં લુણાવાડા નગરમાં બાવાના ડુંગર તરીકે પ્રચલિત ડુંગર આવેલો છે. બાવાના ડુંગરમાં સાક્ષાત બિરાજમાન ખોડિયાર માતાજી લુણાવાડા નગરની પ્રજાનું વર્ષોથી રક્ષણ કરે છે અને દરેક નગરવાસીને આશીર્વાદ આપી તેમની મનોકામના પૂર્ણ કરે છે. લોકવાયકા મુજબ બાવાના ડુંગર પર આવેલું અતિ પ્રાચીન મંદિર આશરે 600 વર્ષ કરતાં પણ પહેલાનું છે. કહેવાય છે કે ડુંગર પર એક ધૂણી બારેમાસ પ્રજ્વલિત રહેતી હતી અને અહીં અનેક તપસ્વી સાધુઓ સંતો તપ કરતા હતા એટલે આ ડુંગર બાવાના ડુંગર તરીકે પ્રચલિત છે.
લુણાવાડા નગરના માઈ ભક્તને ખોડિયાર માતાજીએ સ્વપ્નમાં સાક્ષાત દર્શન આપ્યાં હતા અને પોતાના વર્ષો જૂના મંદિરનું દિશા સૂચન કર્યુ હતુ. બીજા દિવસે તે સ્થળ પર તપાસ કરી ત્યારે ડુંગરની વચ્ચે નાનું ડેરું મળ્યું એટલે માઈ ભક્તે માતાજીના ડુંગરનો તન મન અને ધનથી વિકાસ કરવા માંડ્યો અને માતાજીની ભક્તિમાં જીવન સમર્પિત કરી દીધુ. નાનું દેરુ વર્તમાન સમયમાં મોટા મંદિરના સ્વરુપમાં પરિવર્તિત થયું છે. જ્યાં નગરવાસીઓ પરિવાર સાથે નિયમિત માતાજીના દર્શને આવી ડુંગર પરના રમણીય વાતાવરણમાં માતાજીના સાનિધ્યમાં બેસી નવી શક્તિના સંચારનો અહેસાસ કરે છે.
બાવાના ડુંગર નામથી પ્રચલિત અતિ રમણીય અને સુંદર સ્થળ મા ખોડીયારનું ધામ ”નોંધારાનો માળો અને ખોડલ ખમકારો” છે. અનેક ભાવિકોને માતાજીનો સાક્ષાત્કાર થયો છે અને અસંખ્ય નોંધારાનો આશરો બન્યા છે મા ખોડલ. માતાજીના સાનિધ્યમાં બેસવા માત્રથી શાંતિની અનુભૂતિ અને સકારાત્મકતાનો અહેસાસ થાય છે. સવાર સાંજ માતાજીની આરાધના કરવા લુણાવાડાના વાસીઓ નિયમિત મંદિરે આવે છે.
માતાજીના આશીર્વાદથી નગરના અનેક ભક્તોના દુઃખ દૂર થયા છે અને સુખ સમૃદ્ધિ પામ્યાના ઘણા પ્રમાણ છે. સાચા મનથી માની ભક્તિ કરનાર કોઈ પણ અહીંથી ખાલી હાથે જતો નથી એટલે જ ”નોંધારાનો આશરો મા ખોડલ કહેવાય છે” માતાજીમાં અતૂટ શ્રદ્ધા રાખતા લુણાવાડાનગરના લોકો માતાજીના દર્શને પગપાળા પણ આવે છે.
ડુંગર પર મહાદેવજી, નાગદેવતા અને મંદિરની સામેના ડુંગર પર મહાકાળી માતાજી, અંબાજી મા અને મેલડી માતાજી બિરાજમાન છે. ડુંગર પર વર્ષો પહેલા સાધુ સંતો એ જે ધૂણો ધખાવ્યો હતો તે ધૂણો વર્ષમાં એક વાર પ્રજ્વલિત કરવામાં આવે છે. મંદિરની ફરતે આવેલો ડુંગર અને ડુંગરની વચ્ચે બિરાજમાન મા ખોડલના મંદિરે ચૈત્રી નવરાત્રીની આઠમે હવન પૂજન અને ખોડલ જયંતિએ ભવ્ય આયોજન કરી ધામધૂમપુર્વક ઉજવણી કરવામાં આવે છે. જેમાં લુણાવાડા નગરના તમામ ભક્તોને મહાપ્રસાદીનો લાભ લેવા આમંત્રણ આપવામાં આવે છે. નગરવાસીઓ મહાપ્રસાદનો લાભ લઈ માતાજીના દર્શન કરી ધન્ય થાય છે.
માઈ ભક્ત સોમાભાઈ ડામોરે પોતાનો જીવનકાળ માતાજીના મંદિરના વિકાસમાં સમર્પિત કરી, અહિં સુંદર બગીચો, નાના-મોટા મંદિરો અને ચિલ્ડ્રન પાર્ક બનાવી નાના મોટા વૃક્ષોનું જતન કરી મંદિરની શોભા વધારી છે.
અહીં બેસવા માત્રથી શાંતિનો અહેસાસ અને સકારાત્મક અનુભૂતિ થાય છે. બાવા ડુંગરની આજુબાજુ અનેક નાના મોટા મંદિર છે. ડુંગરની વચ્ચે મા ખોડીયારનું સુંદર મંદિર બનાવી અનેક માઇ ભક્તોની ભક્તિને કંડેરી છે. લુણાવાડા નગરનું પૂર્વમાં મહાકાળી માતાજી અને પશ્ચિમમાં ખોડીયાર માતાજી રક્ષણ કરી રહ્યા છે. અનેક માઇ ભક્તોને ઘણીવાર માતાજીનો સાક્ષાત્કાર થયો છે. અસંખ્ય ભક્તો મંદિરે આવી માતાજીની સમક્ષ પોતાની સમસ્યાના નિરાકરણ માટે માનતાઓ માને છે અને માતાજીના પણ દરેક ભક્ત પર હંમેશા આશીર્વાદ રહે છે.