બનાસકાંઠા જિલ્લામાં અનેક પૌરાણિક મંદિરો આવેલા છે. જેમાં સૌથી વધુ મંદિર ભોળેનાથ મહાદેવના છે. ડીસા તાલુકાના ઢુવા ગામે આવેલું બુટેશ્વર મહાદેવનું મંદિર ગામની સ્થાપના થઈ તેની પહેલાનું છે. વર્ષો પહેલા ગૌલોક તળાવમાં પથ્થરને તરતા જોઈ મહાદેવજીના શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી બુટેશ્વર મહાદેવના મંદિરે ભાવિકોની આસ્થા જોડાયેલી હોવાથી આજે પણ લોકો મહાદેવજીની પૂજા અર્ચના કરી પોતાની મનોકામના પૂર્ણ કરે છે. ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો બનાસકાંઠા જિલ્લો પોતાના વ્યવસાયની સાથે ભક્તિ શક્તિ અને આસ્થા સાથે પણ જોડાયેલો જિલ્લો છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલા અનેક પૌરાણિક સ્થળોએ આજે પણ વર્ષો બાદ પોતાનો ઇતિહાસ જાળવી રાખ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલા અનેક પૌરાણિક મંદિરોમાં સૌથી વધુ મહાદેવજીના મંદિરો છે દરેક મંદિરોનો ઇતિહાસ કોઈ આસ્થા સાથે જોડાયેલો છે. ડીસા તાલુકાના ઢુવા ગામે આવેલા બુટેશ્વર મહાદેવના મંદિરનો ઇતિહાસ પણ વર્ષો પહેલાનો છે.
ડીસાના ઢુવા ગામે બુટેશ્વર મહાદેવ બિરાજમાન
વર્ષો પહેલા ઢુવા ગામમાં આવેલા ગૌલોક તળાવના કિનારે ગોવાળિયાઓ પોતાની ગાયો લઈને ચરાવવા માટે આવતા ત્યારે તળાવના કિનારે પડેલા પથ્થર તળાવમાં ફેકતા અને તે જ પથ્થર બીજા દિવસે સવારે તળાવના કિનારે જોવા મળતા હતા એટલે ગોવાળિયાઓએ ગૌલોક તળાવના કિનારે બુટેશ્વર મહાદેવજીના નાનકડા શિવલિંગની સ્થાપના કરી નાનું મંદિર બનાવી પૂજા અર્ચના ચાલુ કરી હતી. કાળક્રમે ગ્રામવાસીઓએ નાના મંદિરમાંથી ભગવાન બુટેશ્વરનું મોટુ મંદિર બનાવ્યુ હતુ. વર્ષોથી આ મંદિરમાં ડીસા, બનાસકાંઠા અને આજુબાજુના અનેક જિલ્લાઓના લોકોની આસ્થા રહેલી છે. ભાવિકો ભગવાન બુટેશ્વર મહાદેવની આસ્થા રાખી પૂજા અર્ચના કરે છે. કહેવામાં આવે છે કે આ મંદિરમાં જે પથ્થરો પડ્યા છે તે પથ્થરો વર્ષો પહેલા ગોવાળિયા તળાવમાં નાંખતા હતા તે તરીને બહાર આવતા હતા તે જ પથ્થર છે. ભાવિકો બુટેશ્વર મહાદેવના મંદિરમાં મહાદેવજીની પૂજાની સાથે તે પથ્થરની પણ પૂજા અર્ચના કરે છે.
પશુની રક્ષા માટે પશુપાલક રાખે છે ગોળની માનતા
બુટેશ્વર મહાદેવના મંદિરનો ઇતિહાસ વર્ષોથી લોકોએ જાળવી રાખ્યો છે. વર્ષો પહેલા બુટેશ્વર મહાદેવના મંદિરની ગોવાળિયાઓએ સ્થાપના કરી હતી તેની પૂજા અર્ચના આજે પણ લોકો ભક્તિ શક્તિ અને આસ્થા સાથે કરી રહ્યા છે. બુટેશ્વર મહાદેવ પર અતૂટ આસ્થા રાખતા લોકો મહાદેવજીના શરણે આવી પોતાની જે પણ ઈચ્છા વ્યક્ત કરે છે તેને મહાદેવજી આશીર્વાદ આપીને પૂર્ણ કરે છે. જેમના પશુને કોઈપણ પ્રકારની બીમારી થઈ હોય તો પશુપાલક બુટેશ્વર મહાદેવના મંદિરે ગોળની માનતા માને છે અને જ્યારે પોતાના પશુ સાજા થઈ જાય ત્યારે બુટેશ્વર મહાદેવના મંદિરે આવી ગોળની પ્રસાદી ધરાવે છે. ચામડીના રોગ અને નાના બાળકો બીમાર થાય ત્યારે પણ લોકો ગોળની માનતા રાખે છે. ઘણા ભાવિક ભક્તોને બુટેશ્વર મહાદેવજીનો સાક્ષાત્કાર થયાના પ્રમાણ છે. ગોવાળીયાઓએ તળાવમાંથી પથ્થરને તરતા બહાર આવતા જોયા અને શ્રદ્ધાથી મહાદેવનું મંદિર બનાવ્યુ જે મંદિર સાથે આજે પણ ભાવિકોની અતૂટ આસ્થા જોડાયેલી છે. અને ભાવિકોને ઘણીવાર મહાદેવજીના સાક્ષાતકારનો અહેસાસ પણ થાય છે.