હિન્દુ ધર્મમાં અનેક દેવી-દેવતાઓનું ખાસ વિશેષ મહત્વ રહેલું છે. હિન્દુ ધર્મના લોકો વર્ષોથી અનેક દેવી દેવતાઓની ભક્તિ કરતા આવ્યા છે. ડીસા તાલુકાના જુના ડીસા ગામમાં સિદ્ધઅંબિકા માતાનું પૌરાણિક મંદિર આવેલું છે. સમગ્ર ભારતમાંથી ભાવિકો મંદિરે માતાજીના દર્શન કરવા આવે છે અને પોતાની બાધા આખડીઓ પૂર્ણ કરે છે. માતાજીના મંદિરે નવરાત્રીની પૂનમનું આગવું મહત્વ છે. નવરાત્રીની પૂનમ નિમિત્તે સમગ્ર ભારતભરના લોકો મંદિરે નીકળતી વર્ષો જૂની પલ્લીમાં જોડાઈ ધન્યતા અનુભવે છે. હિન્દુ ધર્મમાં શિવ શક્તિની આરાધના વિશેષ છે. વિષ્ણુજીના ઉપાસકો વૈષ્ણવો પણ શક્તિ સ્વરૂપ માં જગદંબાની ઉપાસનાથી વિમુખ તો નથી જ એવા જ એક અદભુત દર્શનીય અને દિવ્ય તેમજ પૌરાણિક ઐતિહાસિક ધરોહરની સમૂહ શિલ્પ કલાના અદ્દભુત ખજાના રૂપ શક્તિમાતાનું પવિત્ર પાવન મંદિર એટલે જુના ડીસાનું શ્રી સિદ્ધઅંબિકા માતાજીનું મંદિર.
દર્શનીય, દિવ્ય પૌરાણિક ઐતિહાસિક ધરોહર
શાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબ, ભારતની ભૂમિમાં કુલ મુખ્ય 51 શક્તિપીઠ છે, એમાંનું બનાસકાંઠા જિલ્લામાં આવેલું શ્રી અંબાજી માતાજીનું મંદિર મહત્વની શક્તિપીઠ ગણાય છે, જે સ્થાનક ભારતભરમાં આધશક્તિ સિદ્ધઅંબાજી માતા તરીકે પ્રસિદ્ધ છે. ડીસા શહેરથી દૂર બીજા રાજ્યમાં સ્થાયી થયેલા માતાજીમાં અતૂટ શ્રદ્ધા રાખતા ડીસાવાસી વારે તહેવારે માતાજીના દર્શન કરવા વતન આવે છે. અને ભાવિકો દર્શન કરીને તો ધન્ય થાય છે જ સાથે સાથે હાલના મંદિરનુ નવીનીકરણ અને સુવિધાથી પણ તે ખૂબ ખુશી વ્યક્ત કરે છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરથી 35 કિ.મીના અંતરે ડીસા તાલુકાના જુનાડીસા ગામમાં ટેકરા ઉપર ફરકતી ધજાથી શોભતું માતાજીનું પાવન સ્થાન એટલે શ્રી સિધ્ધાંબિકા માતાજીનું મંદિર. સિદ્ધઅંબિકા માતાજીની પલ્લીનુ વિશેષ મહત્વ છે. માતાજીના મંદિરે નવરાત્રીની પૂનમ નિમિત્તે સમગ્ર ભારતભરમાંથી ભાવિકો મંદિરે નીકળતી વર્ષો જૂની માતાજીની પલ્લીમાં જોડાઈ દર્શન કરી ધન્યતા અનુભવે છે. મંદિરનો ઇતિહાસ ખૂબ જ પુરાણો મનાય છે. સિદ્ધઅંબિકા માતાજીનુ મંદિર અંદાજે 700 થી 900વર્ષ જૂનું છે. દર્શનાર્થીઓને પ્રથમ નજરે જ આકર્ષિત કરી દે તેવી મંદિરની નયનરમ્ય કોતરણી અને શિલ્પકલા સ્થાપત્યથી ભરપૂર વિવિધ સુશોભિત ભક્તિરસ સૌંદર્ય વિવિધતાથી સુશોભિત દ્રશ્યો જોઈને મન સ્થિર અને શાંત થઈ જાય છે.
દર્શનીય, દિવ્ય પૌરાણિક ઐતિહાસિક ધરોહર
લોકવાયકા મુજબ સિંધ પ્રાંતના સુમરા હમીરે જાસલ નામની સતી નારીનુ અપહરણ કરી સિંધમાં લઈ ગયો, ત્યાંથી જાસલે પોતાના મોં બોલ્યા ભાઈ જૂનાગઢના રાજા રા’નવઘણને ચિઠ્ઠી મોકલેલી અને જૂનાગઢના રાજવી રા’નવઘણે વિશાળ સૈન્ય સાથે સિંધ પ્રાંત ઉપર ચડાઈ કરી, હમીર સુમરાને મારીને બેન જાસલને હમીરની કેદમાંથી મુક્ત કરાવી, જાસલને લઇ નીકળતા સમયે અવાજ આવ્યો કે. ઉભો રે.. નવઘણ મારો હમીર તો હણાયો, પણ હવે મારે ક્યાં જવું? નવઘણે કહ્યું કે, મારી સાથે ચાલો, પણ તમે કોણ છો? એ સમયે ખડખડાટ હાસ્ય સાથે સુમરાની માતા સધી બોલી કે હું સુમરાની માતા છું. એ મારી દિવસ રાત આરાધના કરતો હતો, હું તારી સાથે આવું પણ શરત એ કે જ્યાં રાત પડશે ત્યાં હું રોકાઈ જઈશ. અને મારા કાયમી બેસણા ત્યાં રહેશે. અને એ સ્થાનક મુજબ આજના જુના ડીસા નગરે તેમનું રાત્રિ રોકાણ થતા કાયમી સ્થાનક બન્યું. જેની શ્રી સિદ્ધઅંબિકા માતાજીના મંદિર તરીકે લોકો શ્રદ્ધા અને ભક્તિ ભાવથી પૂજા કરે છે.
વર્ષમાં ત્રણવાર માતાજીની શોભાયાત્રા નીકળે છે
માતાજીના મંદિરમાં વર્ષ દરમ્યાન ભક્તિ ભાવપૂર્ણ અનેક યજ્ઞો સતત થતા રહે છે, માતાજીની દરરોજ સવારે સવારીઓ બદલાય છે, સિંહ, વાઘ, હાથી અને મોર માતાજીના અલગ અલગ વાહન બદલાય છે. અને કોઈક દિવસ હીંચકા ઉપર તો કોઈક દિવસ રાજ સિંહાસન પર માતાજીને પ્રસન્નતાપૂર્વક સુંદર શણગાર નિત્ય પૂજારી દ્વારા કરવામાં આવે છે. સાચી શ્રદ્ધાથી માનતા રાખતા ભાવિકોની માનતા માતાજી અચૂક પૂર્ણ કરે જ છે અને એટલે જ માતાજીના દૂરદૂરથી ભાવિકો પોતાની મનોકામના લઈ માતાજીના શરણે આવે છે. માતાજી આનંદમય સ્થાને બિરાજીને ભાવિકોને સતત આશીર્વાદ આપી રહ્યા છે. શ્રી સિદ્ધઅંબિકા દિશાવાળ સંઘ તરફથી માતાજીની શોભાયાત્રા પ્રતિવર્ષ આસો સુદ પૂનમના દિવસે તથા જુનાડીસાના ગ્રામજનો દ્વારા મહા સુદ આઠમ અને ચૈત્ર સુદ પૂનમના દિવસે એમ કુલ ત્રણ વખત જુનાડીસા ગામમાં ખુબ જ આનંદ અને ઉલ્લાસમય વાતાવરણમાં નીકળે છે અને માતાજી ગ્રામજનોને આશીર્વાદ આપે છે.