અમદાવાદ શહેરની મધ્યમાં આવેલા આશ્રમરોડ પર રેલવે ફાટક પાસે નવરંગપુરા ગામમાં મા અંબાજીનું મંદિર આવેલું છે. આ મંદિર લગભગ ૪૦૦ વર્ષ જૂનું છે. વર્ષો પહેલા આ સ્થળે માતાજીની નાનકડી દેરી હતી. શહેરના વિકાસ સાથે નાની દેરી આજે અઘ્યતન સ્વરૂપે સુંદર મંદિરમાં રૂપાંતરીત થયી છે. મંદિરના નૂતન નિર્માણ પાછળનો ઇતિહાસ ખૂબ સરસ છે. ૧૯૮૦માં અહીં રહેતા એક વૃદ્ધ બહેન જે માતાજીનાં પરમ ભક્ત હતા. તેમને માતાજીએ સ્વપ્નમાં આવીને સૂચન કર્યુ હતું કે હાલ જયાં મારી નાનકડી દેરી છે ત્યાં એક મોટું મંદિર બનાવો.
ચાર ફૂટ ઉંચી સુંદર મુર્તિ
મા અંબાજીની ચાર ફૂટ ઉંચી સુંદર મુર્તિ જયપુરથી લાવી સ્થાપિત કરવામાં આવી છે. મંદિરની બહારના ભાગમાં હનુમાનજી મહારાજની સુંદર મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. મંદિરની સામે જ પરિસરમાં ગબ્બર બનાવવામાં આવ્યો છે જે મંદિરનું આકર્ષણ છે. ગબ્બર જોતાની સાથે જ મોટાં અંબાજી મંદિરના ગબ્બરના દર્શન કરતા હોવાની અનુભૂતિ થાય છે.
સંતાન પ્રાપ્તિની ઇચ્છા પૂર્ણ થાય છે
મંદિરના ગબ્બર પર ચડતાં જ સૌપ્રથમ ષષ્ઠિ માતાના દર્શન થાય છે. આ માતાજીના શરણે નિ:સંતાન દંપતિઓ ખાસ આવે છે અને પોતાના ઘરે પારણું બંધાવાની ઈચ્છા માતાજી સમક્ષ વ્યક્ત કરે છે અને તેવા દંપતિઓને માતાજી આશીર્વાદથી અવશ્ય સંતાન પ્રાપ્તિ થાય છે. ષષ્ઠિ માતાજીની મૂર્તિ આખા ગુજરાતમાં ફક્ત બે સ્થળે છે. એક ખેડબ્રહ્મામાં અને બીજી નવરંગપુરાના અંબાજી મંદિરના ગબ્બરમાં..
ગબ્બરની બાજુમાં શંકર ભગવાનની મૂર્તિનું સ્થાપન
એક વીઘા જેટલી વિશાળ જગ્યામાં ફેલાયેલા મંદિર પરિસરમાં માતાજીની મુર્તિની બરાબર સામે જ ગબ્બર બનાવવામાં આવ્યો છે. ગબ્બરની બાજુમાં આરસપહાણની દિવાલ બનાવી ત્યાં શંકર ભગવાનની સુંદર મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે. મંદિર પરિસરમાં બીજા અનેક દેવીદેવતાઓને બિરાજમાન કરવામાં આવ્યા છે. અને બાર જ્યોતિર્લીગની સ્થાપના કરવામાં આવી છે. સાથે જ શનિદેવની આકર્ષક મુર્તિ બિરાજમાન કરવામાં આવી છે.
અંબાજી માતામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા ઘણા ભાવિકો નિત્ય આવે છે
ભક્તો દ્વારા માતાજીનો સુંદર શણગાર કરવામાં આવે છે. અંબાજી મંદિરના પ્રાંગણમાં એક શિવાલય આવેલું છે. જ્યાં ભગવાન શિવજી બિરાજમાન કરવામાં આવ્યા છે. સાથે જ ભગવાન ગણપતિને પણ બિરાજમાન કરવામાં આવ્યા છે.. શ્રાવણ મહિનામાં મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે. મંદિરે આવતા તમામ ભક્તો શિવજીના દર્શન કરી દુધ, જળ, કાળતલ, અને બીલીપત્ર અર્પણ કરે છે. અંબાજી માતામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા ઘણા ભાવિકોનો માતાજીના દર્શન બાદ જ અન્નજળ લેવાનો નિત્ય નિયમ છે અને એટલે જ તે માતાજીના દર્શને આવવાનું ક્યારેય ચુકતા નથી.
મહા સુદ અગિયારસે મંદિરના પ્રાંગણમાં નવચંડી યજ્ઞ થાય છે
ચૈત્રી નવરાત્રિની આઠમે, આસોની શારદીય આઠમે અને મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના દિવસ મહા સુદ અગિયારસે મંદિરના પ્રાંગણમાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. આ ત્રણ દિવસ નવચંડી યજ્ઞની સાથે મંદિરમાં ભવ્ય અન્નકૂટ ભરાય છે, જેનો વર્ષોથી નિયમિત માતાજીના દર્શને આવતા ભાવિક ભક્તો લાભ લે છે. નવરાત્રી અને દર રવિવારે અંબાજી મંદિરે દર્શનાર્થીઓની ભીડ જામે છે.
અંબાજી માતાજી ટ્રસ્ટ થકી જરૂરિયાતમંદ લોકોને મફત અનાજ અપાય છે
મંદિરના શ્રી અંબાજી માતાજી ટ્રસ્ટ થકી જરૂરિયાતમંદ લોકોને મફત અનાજ વહેંચવામાં આવે છે. જેનો લાભ હજારો લોકો લે છે. મંદિરમાં માતાજીને જે સાડી અર્પણ કરવામાં આવે છે. તે સાડી પણ જરૂરિયાતમંદ લોકોને દાન કરવામાં આવે છે. દર રવિવારે અંબાજી મા ના દર્શનાર્થીઓની મોટી ભીડ મંદિરે ઉમટી પડે છે. શ્રદ્ધાળુઓનો પ્રવાહ વહેલી સવારથી નવરંગપુરા મંદિરે બિરાજમાન આદ્યશક્તિની આરાધના માટે વહેતો જોવા મળે છે. જે ભક્તો મોટા અંબાજી દર્શને જઇ શકતા નથી તેવા ભક્તો નવરંગપુરામાં બિરાજમાન માં અંબાના દર્શન કરી ધન્ય થાય છે.