ગઢડામાં પવિત્ર ઘેલો નદીના કાંઠે મચ્છુ માતાજીનું મંદિર આવેલુ છે. અઢારે વર્ણની આસ્થાના કેન્દ્ર મચ્છુ માતાજીના મંદિરનું બાર વર્ષ પહેલા નાની દેરી સ્વરૂપે સ્થાપન કરવામાં આવ્યુ હતુ. જે વર્તમાનમાં ભવ્ય મંદિરના સ્વરૂપે મચ્છુ ધામ તરીકે પ્રચલિત છે. માતાજીના મંદિર સાથે ગઢડા અને આસપાસના ભાવિક ભક્તોની અતૂટ આસ્થા જોડાયેલી છે. બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં ઘેલો નદીના કાંઠે મચ્છુ માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે. મચ્છુ માતાજીના મંદિરે ગઢડાના આહિર સમાજ અને દૂરદૂરના ગામોથી અઢારે જ્ઞાતિના લોકો દર્શને આવે છે. ગઢડામા વસતા આહિર સમાજે મચ્છુ માતાજીના ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું છે.
ગઢડાના આહિર સમાજે કર્યુ છે મચ્છુ માતાજીના મંદિરનું નિર્માણ
ગઢડા શહેરમાં ઘેલા નદીના કાંઠે નિર્માણ પામેલા મચ્છુ માતાજીના ભવ્ય મંદિરની સ્થાપના શહેરમાં મોટા પ્રમાણમાં રહેતા આહિર સમાજે કરી છે. ભજન કીર્તન થાય તેવા આશયથી આહિર સમાજના કેટલાક વડીલોને મચ્છુ માતાજીના મંદિરનું નિર્માણ કરવાનો વિચાર આવ્યો પણ મંદિર કયા બનાવવું તે અસમજસ હતી. એટલે ઘેલા કાંઠે આવીને નક્કી કર્યું કે અહિં મંદિર બનાવીએ પણ માતાજી પ્રમાણ આપે તો. ઘેલો નદીના કાંઠે એક પથ્થર હતો તે પથ્થરને જરા હટાવવામાં આવ્યો તો નાગણીના દર્શન થયાં એટલે તમામ વડીલોએ નાગણી સ્વરૂપે માતાજીના દર્શન કરીને પ્રાર્થના કરી કે નાગણી તેના સ્થાને જાય અને તરત જ નાગણી તે સ્થળેથી દુર થઈ ગઈ એટલે તમામ વડીલોએ સંકલ્પ કર્યો કે અહિં માતાજીની દેરી બનાવીને સ્થાપના કરીએ અને દેરી બનાવી મચ્છુ માતાજીની સ્થાપના કરી રોજ પૂજા, અર્ચના, આરતી શરૂ કર્યા. સમયાંતરે આહિર સમાજના યુવાનોએ મચ્છુ માતાજીની નાની દેરીને મોટુ મંદિર બનાવવાનો સંકલ્પ લીધો અને માતાજીના ભવ્ય મંદિરનું નિર્માણ કર ધામધૂમથી મચ્છુ માતાજી, રાધાકૃષ્ણ અને મહાદેવ ની મૂર્તિ પ્રતિષ્ઠા કરી. આજે ગઢડાના આહિર સમાજ સહિત તમામ સમાજના લોકોની આસ્થાનું કેન્દ્ર છે મચ્છુ માતાજીનું મંદિર..
તમામ સમાજના લોકોની આસ્થાનું કેન્દ્ર
મચ્છુધામમાં દરરોજ સવાર અને સાંજ માતાજીની ભવ્ય આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાય છે. ગઢડાવાસીઓ દરરોજ મચ્છુ માતાજીના મંદિરે દર્શન કરીને પછી પોતાના ધંધા રોજગાર શરૂઆત કરે છે, મંદિરે આવતા દરેક સમાજના લોકો ચોમાસામાં માતાજીને લાપસીનું નૈવેદ્ય ધરાવીને ખેતરમાં વાવણીની શરૂઆત કરે છે. ગઢડાવાસીઓને મચ્છુ માતાજી પ્રત્યે અતૂટ શ્રધ્ધા છે અને માતાજી પણ તમામ લોકોની રક્ષા કરે છે. મચ્છુ માતાજીના મંદિરે દર વર્ષે ભાગવત સપ્તાહ અને ગોકુળ આઠમના દિવસે મટકી ફોડ સહિત ભવ્ય કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવે છે નવરાત્રી દરમ્યાન નવ દિવસ રાસ ગરબા યોજી માતાજીની આરાધના કરી નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. મંદિરે ભક્તિ સાથે દાન પુન્યના પણ કામ કરવામાં આવે છે. ગઢડાના યુવાનો રક્તદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ, ફ્રી વૃક્ષોના રોપાનું વિતરણ, વ્યસન મુક્તિ, વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ અને બીજા અનેક સમાજ ઉપયોગી કાર્યો કરે છે.