સુદામા નગરી તરીકે ઓળખાતા પોરબંદરના માણેકચોક નજીક 5000 વર્ષ પૌરાણિક કેદારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. પોરબંદરમાં નિર્માણ પામેલું આ પહેલું શિવ મંદિર છે. મંદિર પરિસરમાં આવેલા કુંડનો ઈતિહાસ ભગવાન શ્રી કૃષ્ણના પરમ મિત્ર સુદામાજી સાથે જોડાયેલો છે. પોરબંદર એટલે સુદામા નગરી. પોરબંદરમાં પાંચ હજાર વર્ષ જુનુ કેદારેશ્વર મહાદેવનું મંદિર આવેલુ છે. વર્ષો જૂના મહાદેવના આ મંદિરમાં જૂની પરંપરાઓ યથાવત છે. મંદિરના ગર્ભગૃહની પવિત્રતા જળવાઈ રહે તે માટે રાજાશાહી વખતમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે મંદિરના ગર્ભગૃહમાં ધોતી પહેરીને જ પ્રવેશ કરવો. વર્ષો પહેલા કરવામાં આવેલા નિયમની પરંપરા આજે પણ જાળવી રાખવામાં આવી છે. અને શ્રદ્ધાળુઓ માટે મંદિર નજીક શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે. જેની પૂજા કરવામાં આવે છે. સવાર-સાંજ અહીં દર્શનાર્થીઓની ભીડ જામે છે. એક લોકવાયકા પ્રમાણે આ મંદિર પોરબંદરનું પ્રથમ શિવાલય છે.
પોરબંદરના માણેકચોક નજીક કેદારેશ્વર મંદિર
કેદારેશ્વર મહાદેવના મંદિરનો ઇતિહાસ હજારો વર્ષ જુનો છે. આ મંદિર શ્રધ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. પોરબંદરના રાજવી પરિવારે આ મંદિરનો જીણોદ્ધાર કર્યો હતો. મંદિરમાં હજારો વર્ષ જુનો કુંડ આવેલો છે. કુંડ કેદારેશ્વર કુંડના નામથી ઓળખાય છે. હજારો વર્ષ જૂના કેદારેશ્વર મંદિરમાં આવેલા કેદારેશ્વર કુંડમાં ઘણી વાર સુદામાજી સ્નાન કરવા માટે આવતા હોય તેવો આભાસ થાય છે. પવિત્ર કુંડ બારેમાસ પાણીથી છલોછલ રહે છે અને ક્યારેય ખાલી થતો નથી. એવું માનવામાં આવે છે કે સુદામાજી અને તેમના પિતા દર શિવરાત્રીએ કેદારનાથ વ્રત કરતા અને મહાદેવ પ્રસન્ન થયા હતા, સુદામાજીએ મહાદેવજીને સુદામાપૂરી પધારવા માટે આમંત્રણ આપ્યુ હતું અને મહાદેવજીએ સુદામાજીને કહ્યું હતુ કે તમે જ્યાં સુધી પાછળ વળીને નહીં જુઓ ત્યાં સુધી હું સહ પરિવાર તમારી પાછળ આવીશ. આમ સુદામાજીએ કેદારનાથથી લઇ સુદામા નગરી સુધી પાછળ જોયુ નહોતુ અને આજે પોરબંદર તરીકે ઓળખાતા શહેરમાં એજ મહાદેવનું મંદિર કેદારેશ્વર તરીકે ઓળખાય છે.
મંદિરનાં ગર્ભગૃહમાં પુજારીનાં પત્ની પણ જઈ શકતા નથી
આ કેદારેશ્વર મંદિરમાં શનિદેવ, ગણપતિજી, રાધાકૃષ્ણ અને બીજા અનેક દેવી-દેવતાઓના સુંદર મંદિરો બનાવવામાં આવ્યા છે. કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા પોરબંદરવાસીઓ કેદારેશ્વર મંદિરની અવશ્ય મુલાકાત લઈ મહાદેવજીના આશીર્વાદ મેળવે છે. પોરબંદરમાં આવેલા કેદારેશ્વર કુંડનું અનેરું મહત્વ છે. હજારો વર્ષ જૂના કુંડનો ઇતિહાસ ભગવાન શ્રીકૃષણના મિત્ર સુદામાજી સાથે જોડાયેલો છે. અહીં સુદામાજી સ્નાન કરવા માટે આવતા હતાં. સ્નાન કરીને ભગવાન શિવની પૂજા કરતા હતા. આ કુંડનું પાણી પવિત્ર માનવામાં આવે છે. મંદિરનાં પટાંગણમાં જ આ કુંડ આવેલો છે. પોરબંદર વાસીઓ અને ખાસ કરીને ખારવા સમાજનાં લોકો ધાર્મિક પ્રસંગે કેદારેશ્વર કુંડના પાણીનો ઉપયોગ કરે છે. કેદારેશ્વર મંદિરનું મહત્વ કેદારનાથ જેટલું જ છે અને જે લોકો કેદારનાથ દર્શન કરવા જઈ શકતા નથી શકતા તે લોકો કેદારેશ્વર મંદિર ખાતે દર્શન કરી ધન્યતા અનુભવે છે. રાજાશાહીના સમયમાં બનેલા પૌરાણિક મંદિરના ગર્ભગૃહમા બહેનોને જવાની સખ્ત મનાઈ છે. મંદિરનાં ગર્ભગૃહમાં પુજારીનાં પત્ની પણ જઈ શકતા નથી. અને ગર્ભગૃહમાં કોઈ પુરુષને જવુ હોય તો ફરજીયાત ધોતી પહેરીને જ જઈ શકાય છે. મહાદેવજીના દર્શને આવતા ભાવિક ભક્તો અનેક માનતાઓ લઈને પણ ભોળાના સાનિધ્યમાં આવે છે.
કેદારેશ્વર કુંડનું પાણી પવિત્ર માનવામાં આવે છે
ભારતનાં તમામ મંદિરોમાં શિવલિંગ પછી કાચબો અને પછી નંદી હોય છે. જયારે આ મંદિરમાં ગર્ભગૃહમાં જ નંદી ત્યારબાદ કાચબો રાખવામાં આવેલા છે. સામાન્ય રીતે ભાળેનાથના તમામ મંદિરોમાં શિવલિંગની બરાબર સામે જ નંદી હોય છે. જ્યારે આ મંદિરમાં શિવલિંગની જમણી બાજુમાં નંદી રાખવામાં આવેલા છે. પોરબંદરનુ આ મંદિર કેદારનાથધામના મંદિર જેવી આબેહુબ પ્રતિકૃતિ છે. જ્યારે પણ આ મંદિરને લુંટવા લૂંટારાઓ આવ્યા છે ત્યારે જે બહાદુર શુરવીરોએ આ મંદિરની રક્ષા કરી બલિદાન આપ્યા છે તે શુરવીરોના પાળિયા આ મંદિર પાસે બનાવવામાં આવ્યા છે. મંદિરે નિયમિત આવતા ભાવિકભક્તો ભોળાના શરણે આવી શાંતિ અને નવી શક્તિના સંચારનો અનુભવ કરે છે. મંદિરના દરેક સ્તંભમાં સુંદર કલાત્મક મૂર્તિઓ બનાવવામાં આવી છે દરેક મૂર્તિને અલગ-અલગ સંસ્કૃતિ મુજબનો પહેરવેશ ધારણ કરવવામાં આવ્યો છે બહેનોનાં હાથમાં સંગીતનાં સાધનો દર્શાવેલા છે. જે ગુજરાતનાં કોઈ મંદિરોમાં નથી. મંદિરની ફરતે દરેક ખૂણા પર સુંદર કોતરણી કરેલી ઋષિમુનિઓની પુરાતનકાળની યાદ અપાવતી મુર્તિઓથી શોભતા મહાદેવના મંદિરે અનેક ભાવિકોને મહાદેવજીનો સાક્ષાત્કાર થયો હોવાના ઘણા પ્રમાણ છે. મંદિરની ફરતે આવેલી દિવાલોમાં સુંદર કોતરણી કરેલી વરુણદેવ, યમરાજ અને કુબેરજીની મોટી મૂર્તિઓ રાખવામાં આવેલી છે. મંદિરમાં ગર્ભગૃહના પ્રવેશદ્વારની બાજુમા કાર્તિકેય સ્વામી તથા ગણેશજીની મોટી મૂર્તિઓ બિરાજમાન કરવામાં આવેલી છે આમ શિવ પરિવાર ગર્ભગૃહમાં સમાયેલો છે. મંદિરનાં આંગણામાં આવેલા પવિત્ર કેદાર કુંડનું પાણી ગંગાજીની જેમ જ પવિત્ર હોવાનું પોરબંદર વાસીઓ માને છે અને આ કુંડનું પાણી કોઈપણ શીશી કે પાત્રમાં ભરી રાખવાથી તે ક્યારેય બગડતું નથી કે તેમાંથી કોઈ દુર્ગંધ આવતી નથી આ કુંડનું પાણી ખુબ જ પવિત્ર માનવામાં આવે છે અને અનેક લોકો તે પાણી ઘરે લઇ જાય છે.
ગોરમાવડી નામે માતાજીનો ઉત્સવ મનાવતા હોય છે
પોરબંદરમાં વસવાટ કરતા ખારવા સમાજનાં લોકો ગોરમાવડી નામે માતાજીનો ઉત્સવ મનાવતા હોય છે અને આ ગોરમાવડીની પધરામણી આ કેદારકુંડમાં જ કરવામાં આવે છે અને ત્યારબાદ આ કુંડનું પવિત્ર પાણી પોરબંદરનાં નગરવાસીઓ લઈ જાય છે. મંદિર પોરબંદરનાં અનાજ બજાર, કાપડ બજાર, એમ.જી.રોડનું મુખ્ય બજાર અને સોની બજારને જોડે છે. પોરબંદરવાસીઓ માટે કેદારેશ્વર મહાદેવ મંદિર જ કેદારનાથ ધામ છે. કેદારેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરી કેદારનાથના દર્શન કર્યાની લાગણીનો અહેસાસ કરી ધન્ય થાય છે. સામાન્ય રીતે ભોળેનાથના મંદિરોમાં ધજા ચડાવવામાં આવતી નથી. પણ શ્રીનાથજીની હવેલીની જેમ જ કેદારેશ્વર મંદિરમાં પણ ધજા ચડાવવામાં આવે છે. અનેક લોકો આસ્થાથી ધ્વજા ચડાવવાની માનતા રાખતા હોય છે અને માનતા પૂરી થયે કેદારેશ્વર મંદિરમાં ધજા ચડાવવામાં આવે છે. પોરબંદરવાસીઓની આસ્થાના પ્રતિક આ પવિત્ર ધાર્મિક સ્થાને રોજ હજારો ભાવિકો દર્શન કરવા આવે છે અને ભોળેનાથના દર્શન કરી ધન્ય થાય છે.